આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં મહિલા પત્રકારો સાથે ચર્ચા કરી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં મહિલા પત્રકારો સાથે ચર્ચા કરી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ સમયે કહ્યું હતું કે ‘આજે આપણે મહિલા અને પુરુષ વચ્ચે કોઈ ભેદ નથી, બન્નેમાં સમાનતા છે એવી વાતો સાંભળીએ છીએ. હકીકતમાં એવું નથી. આ સમાનતા માત્ર કાગળ પર જ છે. આથી પરિવારોએ બાળકોને બાળપણમાં જ પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ભેદ ન હોવાનું શીખવવું જરૂરી છે. દીકરીઓ ઈશ્વરનું વરદાન છે. મને ગર્વ છે કે હું એક દીકરીનો પિતા છું. સામાન્ય રીતે કોઈ પરિવારમાં માત્ર દીકરી જ હોય તો લોકો આવા પરિવારને બીજું સંતાન પેદા કરવા ઉકસાવીને દબાણ કરે છે. હું એક દીકરીનો પિતા હોવા છતાં જોકે મને આવો કોઈ અનુભવ નથી થયો. મારી પત્ની પણ એક સ્વતંત્ર વ્યક્તિ છે. ક્યારેક તેના વિચાર સાથે હું સહમત ન પણ હોઉં. મારી પુત્રી લૉયર બનવા માગે છે એટલે મારા પરિવારનો હું કદાચ છેલ્લો રાજકારણી છું. મારા બાદ પત્ની કે પુત્રી બન્નેમાંથી કોઈ મારા ક્ષેત્રમાં નહીં હોય. સમાજમાં દીકરા અને દીકરી વચ્ચેનો ભેદ હજી પણ કેટલાક અંશે જોવા મળે છે જેને કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં યુવકોને લગ્ન કરવા માટે યુવતી નથી મળતી. લિંગભેદની વિષમતા દૂર કરવા માટે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદી જેવી યોજના શરૂ કરી છે. આ યોજના થકી યુવતી કે મહિલા પગભર બની રહી છે જેથી સમાજમાં એક પૉઝિટિવ મેસેજ જાય છે કે આજના સમયમાં પુરુષ જ નહીં મહિલા પણ પગભર થઈ શકે છે. બીજું, લોકોને સમજાઈ રહ્યું છે કે પુત્ર કરતાં પુત્રી મા-બાપનું વધુ ધ્યાન રાખે છે.’

