મરાઠા સમાજ વતી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને પણ નામ પાછાં ખેંચવાનો નિર્દેશ કર્યો હતો
મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલ
મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી કરીને વારંવાર આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે રવિવારે વિધાનસભાની ચૂંટણીમાં મરાઠા સમાજના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી હતી. જોકે ગઈ કાલે મનોજ જરાંગે પાટીલે વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય પાછો લીધો હતો અને મરાઠા સમાજ વતી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને પણ નામ પાછાં ખેંચવાનો નિર્દેશ કર્યો હતો. મનોજ જરાંગે પાટીલે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરતી વખતે ગઈ કાલે કહ્યું હતું કે ‘મરાઠા સમાજને આરક્ષણ આપવાનું કહેતા હોય એવા ઉમેદવારોને અમારો સમાજ મદદ કરશે. મરાઠા સમાજને પરેશાન કર્યો છે તેમને સમાજના મતદારોએ બરાબરનો પાઠ ભણાવવો જોઈએ. બાકી મહારાષ્ટ્રની જનતા સમજદાર છે. તે યોગ્ય પક્ષ અને ઉમેદવારની પસંદગી કરશે.’
મનોજ જરાંગે પાટીલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા સમાજને આરક્ષણ ન આપવાનો ગંભીર આરોપ કર્યો છે અને મહાયુતિના ઉમેદવારોને મત ન આપવાનો નિર્દેશ મરાઠા સમાજને આપ્યો હતો એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણીમાં ૧૫થી ૨૦ ઉમેદવારો ઊભા રાખવાની રવિવારે જાહેરાત પણ કરી હતી.


