અનેક વર્ષો જૂનાં સાર્વજનિક મંડળોનું કહેવું હતું કે તેઓ આટલાં વર્ષોથી પરંપરા અનુસાર કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરે છે એટલે તેમને પરવાનગી મળવી જોઈએ
ગઈ કાલે કાંદિવલી વિલેજમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે ગણપતિની મૂર્તિને કારની ડિકીમાં લઈ આવેલા ભક્તો. તસવીર : નિમેશ દવે
મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ૬ ફુટથી નાની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓને કુદરતી જળાશયોમાં પધરાવવાની મંજૂરી આપવામાં આવી છે. બૉમ્બે હાઈ કોર્ટે ૬ ફુટથી નાની મૂર્તિઓને કૃત્રિમ તળાવોમાં વિસર્જિત કરવાનો આદેશ આપ્યો હતો. દોઢ દિવસના ગણપતિની મૂર્તિના વિસર્જન બાદ અનેક લોકોએ આ આદેશ પર ફેરવિચાર કરવાની માગણી કરી હતી. અનેક વર્ષો જૂનાં સાર્વજનિક મંડળોનું કહેવું હતું કે તેઓ આટલાં વર્ષોથી પરંપરા અનુસાર કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરે છે એટલે તેમને પરવાનગી મળવી જોઈએ. આ માગણીને ધ્યાનમાં રાખીને શાડૂ માટીમાંથી બનેલી ૬ ફુટથી નાની મૂર્તિઓને ગિરગામ ચોપાટી અને બાણગંગા જેવાં કુદરતી જળાશયોમાં પધરાવવાની પરવાનગી આપવામાં આવી છે.
દોઢ દિવસના ગણપતિની કુલ ૬૦,૧૭૭ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૩૦,૪૯૪ મૂર્તિઓ ઇકો-ફ્રેન્ડ્લી હતી. હવે ૬ ફુટથી નાની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓનું પણ કુદરતી જળાશયોમાં વિસર્જન કરવાની પરવાનગી બાદ લોકોની ધાર્મિક લાગણી પણ સચવાશે અને પર્યાવરણને પણ નુકસાન થતું રોકી શકશે એમ સાર્વજનિક ગણેશ મંડળોનું માનવું છે.


