સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ૫૬ નવા તાલુકાઓ ઉમેરીને ૩૫ તાલુકા કાઢી નાખવામાં આવ્યા
પ્રતીકાત્મક તસવીર
આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત તાલુકાઓની યાદીમાં વધારો કર્યો છે જેમાં ૫૬ નવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોકણના ૩૦ અને પુણે જિલ્લાના પાંચ તાલુકાઓ મળીને કુલ ૩૫ તાલુકાઓને આ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. નવી યાદી રાજકીય દબાણમાં આવીને જાહેર કરવામાં આવી હોય એવી અટકળો ચાલી રહી છે. નવી યાદી મુજબ પાલઘરના ત્રણ તાલુકાઓ સિવાય કોકણના બધા તાલુકા કાઢી નાખવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ ૩૧ જિલ્લાઓના ૨૫૩ પૂરગ્રસ્ત તાલુકાઓ માટે ૩૧,૬૨૮ કરોડ રૂપિયાના રાહત પૅકેજની જાહેરાત કરી હતી. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન અતિશય વરસાદ અને પૂરને કારણે આ પ્રદેશોમાં પાકને ભારે નુકસાન થયું હતું જેમાં ૯૧ લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનને નુકસાન થયું હતું. રિલીફ ઍન્ડ રીહૅબિલિશન ડિપાર્ટમેન્ટ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની પહેલી યાદી ૯ ઑક્ટોબરે બહાર પાડવામાં આવી હતી. જોકે એમાં અનેક ધારાસભ્યો અને નેતાઓ દ્વારા તેમના મતવિસ્તારોનો સમાવેશ કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. ત્યાર બાદ શનિવારે સુધારેલી યાદી જાહેર કરવામાં આવી હતી. એ મુજબ હવે કુલ અસરગ્રસ્ત તાલુકાઓની સંખ્યા ૨૮૨ છે. આ ૨૮૨માંથી ૩૧ આંશિક રીતે અને ૨૫૧ સંપૂર્ણપણે અસરગ્રસ્ત છે.


