મુંબઈમાં ભાષાના મુદ્દે ગરમાટો વધી રહ્યો છે, રિક્ષાની પાછળ લખવામાં આવી રહ્યું છે કે... મી મરાઠી બોલતો, મલા મરાઠી સમજતે, યા માઝ્યા રિક્ષાત બસા
સંદીપ દેશપાંડેના નિવેદન મુજબ મહારાષ્ટ્રમાં રહેતી દરેક વ્યક્તિએ સ્થાનિક ભાષાનું માન રાખવું જોઈએ અને એ શીખવી જોઈએ
રાજ્યમાં રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાના મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે આવનારી પહેલી મે એટલે કે મહારાષ્ટ્ર દિવસથી તમામ રિક્ષા અને ટેક્સી-ડ્રાઇવરો માટે મરાઠી વાંચતાં અને લખતાં આવડવું જરૂરી રહેશે. આ નિર્ણયને ખાસ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) તરફથી રાજકીય સમર્થન મળ્યું છે. MNSના નેતા સંદીપ દેશપાંડેએ ગઈ કાલે જણાવ્યું હતું કે મરાઠી ભાષાનો વિરોધ કરનારા રિક્ષાચાલકો સામે MNS આક્રમક વલણ અપનાવશે. રાજ્યમાં રિક્ષાઓ પર ‘મી મરાઠી બોલતો, મલા મરાઠી સમજતે, યા માઝ્યા રિક્ષાત બસા’ લખેલાં સ્ટિકર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. MNS દ્વારા મરાઠી બોલતા ડ્રાઇવરોને સંગઠિત કરીને ભાષા પ્રત્યે સમર્થન વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સંદીપ દેશપાંડેના નિવેદન મુજબ મહારાષ્ટ્રમાં રહેતી દરેક વ્યક્તિએ સ્થાનિક ભાષાનું માન રાખવું જોઈએ અને એ શીખવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે અન્ય દેશોમાં અથવા રાજ્યોમાં રોજગાર મેળવવા માટે સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરી હોય છે તો મહારાષ્ટ્રમાં આવો નિયમ લાગુ કરવામાં કંઈ ખોટું નથી. એની સાથે જ તેમણે મરાઠીનો વિરોધ કરનારા ડ્રાઇવરોને હડતાળમાં ભાગ ન લેવાની પણ અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે રસ્તાઓ પર સેવા ચાલુ રાખવામાં આવે.
ADVERTISEMENT
હવે સરકાર પોતે શીખવશે રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને મરાઠી
મહારાષ્ટ્રમાં પહેલી મેથી રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના પોતાના નિર્ણયને ટેકો આપવા સરકારે હવે જાતે જ ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવવાનું નક્કી કર્યું છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે બિનમરાઠી ડ્રાઇવરોને મરાઠી શીખવવા માટે એક સ્પેશ્યલ ટ્રેઇનિંગ મૉડ્યુલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે નિર્ણય લેવા માટે આજે બેઠક યોજાશે. બેઠકમાં ભાષાના નિષ્ણાતો, સાહિત્યકારો અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. મુસાફરો સાથે સામાન્ય વાતચીત મરાઠીમાં કરી શકે એ માટે જરૂરી મરાઠી ભાષાના સિલેબસ અંગે ચર્ચા થશે. આ નિયમ ઓલા અને ઉબર જેવી ઍપ-બેઝ્ડ ટૅક્સીના ડ્રાઇવરોને લાગુ પાડવા અંગે પણ વિચારણા થશે.
