વિજયના બીજા જ દિવસે સવારે તેમના સ્ટૉલ પર કામ કરતાં જોવા મળ્યાં
ભાગ્યશ્રી જગતાપ
પુણે જિલ્લાના લોકપ્રિય હિલ-સ્ટેશન લોનાવલામાં રસ્તા પર ફળો વેચતી એક મહિલા લોકલ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવી છે. અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) તરફથી ઇલેક્શન લડેલાં ભાગ્યશ્રી જગતાપ તેમની નમ્રતા માટે જાણીતાં છે. કાઉન્સિલની ચૂંટણીમાં વિનર બન્યાના બીજા જ દિવસે એટલે કે ગઈ કાલે ભાગ્યશ્રી ક્યાંય સેલિબ્રેશન કે પાર્ટીઝને બદલે તેમના ફ્રૂટ-સ્ટૉલ પર પાછાં જોવા મળ્યાં હતાં. લોનાવલામાં 11 A પૅનલના ઉમેદવારોમાં ભાગ્યશ્રીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ૬૦૮ મતોથી પરાજય આપ્યો હતો.
લોકો ભાગ્યશ્રીને ફ્રૂટ-સ્ટૉલ પર જોઈને આશ્ચર્યથી પૂછી રહ્યા હતા ત્યારે તેમણે હસતાં-હસતાં કહ્યું હતું કે ‘ફ્રૂટ વેચવાનું આ કામ તો અમારો પારિવારિક વ્યવસાય છે જે અમે વર્ષોથી કરતાં આવ્યાં છીએ. હા, જીતની ખુશી છે અને એ માટે સન્માન કરવામાં આવશે, પણ હજી આ સ્ટૉલ સાચવવો એ મારી પ્રાયોરિટી છે. એટલે જ મેં રોજની જેમ પહેલાં સવારે મારો સ્ટૉલ ખોલવાનું નક્કી કર્યું. હા, મારી જવાબદારી નિભાવીશ. કાઉન્સિલમાં હું લોકોના પ્રશ્નો અને ફરિયાદો ઉઠાવીશ. જોકે આ સ્ટૉલ પણ સંભાળીશ, કારણ કે અમારા પરિવારની આજીવિકા આ સ્ટૉલ પર જ નિર્ભર છે.’


