Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૮૫+ના લોકો ઘેરબેઠાં મતદાન કરી રહ્યા છે, પણ...૧૧૨ વર્ષનાં આ બા તો જાતે જઈને જ વોટ આપવાનાં છે

૮૫+ના લોકો ઘેરબેઠાં મતદાન કરી રહ્યા છે, પણ...૧૧૨ વર્ષનાં આ બા તો જાતે જઈને જ વોટ આપવાનાં છે

13 May, 2024 10:18 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદીનાં ફૅન એવાં કંચન બાદશાહ આ ઉંમરે પણ સંપૂર્ણપણે ઍક્ટિવ છે

કંચનબા બહાર જાય ત્યારે કારમાં બેસીને ફ્રેન્ચ ફ્રાઇઝનો પણ સ્વાદ માણી લે છે

કંચનબા બહાર જાય ત્યારે કારમાં બેસીને ફ્રેન્ચ ફ્રાઇઝનો પણ સ્વાદ માણી લે છે


ઉંમર અને ઉત્સાહને કોઈ લેવાદેવા નથી અને એટલે જ સાઉથ બૉમ્બેના બ્રીચ કૅન્ડીમાં રહેતાં કંચન બાદશાહની ઉંમર ૧૧૨ વર્ષ છે પણ તેમનો મતદાન કરવા માટેનો ઉત્સાહ યુવાનોને પણ શરમાવી દે એવો છે. ૮૫ વર્ષથી મોટી ઉંમરના મતદારો ઘેરબેઠાં વોટ આપી રહ્યા છે એ છતાં બાનું તો ચોખ્ખું કહેવું છે કે હું મતદાન આપવા માટે મતદાનકેન્દ્રમાં જાતે જઈશ. આ વિશે વધુ માહિતી આપતાં તેમનો પૌત્ર પરિંદ કહે છે, ‘થોડા દિવસ પહેલાં અમારા ઘરે ઇલેક્શન કમિશનના ઑફિસર્સ આવ્યા હતા. આ ઉંમરે પણ મતદાન કરવા માટેનો બાનો જે ઉત્સાહ છે એ જોઈને તેમણે તેમનું સન્માન કર્યું હતું. ઑફિસર્સે બાને કહ્યું હતું કે અમે તમારા માટે વોટ ફ્રૉમ હોમની વ્યવસ્થા કરી છે, પણ બાએ તેમને કહ્યું કે હું જાતે મતદાનકેન્દ્રમાં વોટ આપવા આવીશ. વોટિંગ સેન્ટર ઘરની નજીક જ છે. કારમાં માંડ ત્રણ-ચાર મિનિટ લાગે એટલે અમે બન્ને સાથે જ વોટિંગ કરવા જઈશું.’

ઘોઘારી લોહાણા જ્ઞાતિનાં કંચનબહેન આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફૅન છે. બાને પૂછવામાં આવ્યું કે તેમને શા માટે મોદી પસંદ છે તો તેમણે એક પળનો વિચાર કર્યા વગર જવાબ આપ્યો, ‘એ પણ ગુજરાતી છે, હું પણ ગુજરાતી એટલે પહેલાં ગુજરાતીને જ પ્રાધાન્ય આપવાનું હોયને. હા, મોંઘવારી ને બધું છે તો એને કાબૂમાં લેવા કામ કરવું જોઈએ. સારા માણસોને સત્તામાં લાવવા જોઈએ જે દેશ માટે કામ કરે. એવું ન થવું જોઈએ કે એ ફક્ત પોતાનાં ખિસ્સાં ભર્યાં કરે.’બા આ ઉંમરે પણ સારી રીતે ન્યુઝપેપર વાંચી શકે છે એટલે દેશમાં શું થઈ રહ્યું છે એની તેમને ખબર હોય છે એમ જણાવતાં પરિંદ કહે છે, ‘ભારતની આઝાદી પછી જ્યારે પહેલી વાર મતદાન થયું ત્યારે અમારો પરિવાર મુમ્બાદેવી મંદિરની નજીક નાગદેવીમાં જ રહેતો હતો. અમને બા ઘણી વાર કહેતાં કે પહેલી વાર મતદાન થયું ત્યારે અમે બધાં નવાં કપડાં પહેરી તૈયાર થઈને પહેલાં મંદિર ગયાં હતાં અને પછી મતદાન કરવા માટે ગયાં હતાં.’


કંચનબહેન વૉકરની મદદથી ઘરે હરીફરી શકે છે. તેમનાં જે પણ દૈનિક કામ હોય એ જાતે જ કરે છે. આ ઉંમરે પણ તેઓ કોઈના પર નિર્ભર નથી. પરિંદ કહે છે, ‘બા મોટા ભાગે ઘરે જ હોય છે. ભગવાનના પૂજાપાઠ કરે, ટીવીમાં મોટા ભાગે સંસ્કાર ચૅનલ ચાલુ હોય, દરરોજ છાપું વાંચે અને એમાં પણ મરણ નોંધ પહેલાં વાંચે. એ બધામાં તેમનો સમય પસાર થઈ જાય છે. મહિનામાં એકાદ વાર હું તેમને કારમાં રાઉન્ડ મારવા લઈ જાઉં. બહાર રેસ્ટોરાંમાં જમવા જઈએ. બા મોટા ભાગે સાદું ભોજન જ લે છે. તીખું નથી ખાઈ શકતાં એટલે મોળું જ જમવાનું હોય છે. બાને સ્વીટ્સ પસંદ છે એટલે કોઈક વાર પૂરણપોળી, શીરો, કાજુકતરી, આઇસક્રીમ ખાય. એ સિવાય દાળઢોકળી, સાદો ઢોસો, સૂકી ભેળ, ભાવનગરી ગાંઠિયા પણ ભાવે. તેમને રાત્રે સૂતાં પહેલાં દરરોજ એક કપ ચા પીવાની આદત છે.’

કંચનબહેનને બે દીકરીઓ અને એક દીકરો હતાં, જે હવે હયાત નથી. કંચનબહેનને ૧૦૦ વર્ષ સુધી તો નખમાંય રોગ નહોતો. તેઓ બાથરૂમમાં લપસી જતાં તેમનું હિપ બોનનું ઑપરેશન કરાવવું પડ્યું હતું. આટલી મોટી ઉંમરે પણ બાનું ઑપરેશન સક્સેસફુલ રહ્યું અને સાત દિવસમાં તો તેમને ડિસ્ચાર્જ પણ આપી દીધો હતો. આઠ-નવ વર્ષ પહેલાં બાનું આંખનું મોતિયાનું ઑપરેશન પણ થયેલું છે. પરિંદ કહે છે, ‘બાને બીજી આંખમાં મોતિયો છે. અમે તેમને જ્યારે પણ ઑપરેશન કરાવવાનું કહીએ ત્યારે તેઓ એમ કહે કે મારે હવે ક્યાં વધુ જીવવું છે, એમ પણ મને બધું સરખું વંચાય છે. બા ઘણી વાર કિચનમાં જાતે ચા બનાવવા કે પૂરી તળવા જાય. અમે તેમને ના પાડીએ તો પણ તેમને જે કરવું હોય એ કરીને રહે. આ ઉંમરે પણ તેઓ જાતે મલાઈમાંથી ઘી બનાવે અને એ જ ભગવાનના દીવામાં વાપરે. ગણેશોત્સવ કે નવરાત્રિ હોય તો શીરો બનાવીને નીચે ભગવાનને ધરવા જાય. એ રીતે આખો દિવસ બાનું કંઈ ને કંઈ ચાલુ જ હોય.’


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 10:18 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK