ફૉરેસ્ટ વિભાગે ડ્રોન કૅમેરા વડે શોધખોળ શરૂ કરી
પોખરણ રોડ પર કૉસમૉસ સોસાયટીની બહાર ફૉરેસ્ટ અધિકારી અને વર્તકનગર પોલીસનો સ્ટાફ તેમ જ ત્યાં જોવા મળેલો દીપડો.
ભાઈંદરમાં દીપડાએ ૭ જણ પર હુમલો કર્યો હોવાની ઘટના તાજી છે ત્યારે થાણે-વેસ્ટના પોખરણ રોડ-નંબર બે પરના કૉસમૉસ હાઉસિંગ કૉમ્પ્લેક્સના ગેટ નજીક ગુરુવારે દીપડો દેખાતાં આસપાસની સોસાયટીમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની માહિતી મળતાં ગુરુવારે બપોરથી થાણેના ફૉરેસ્ટ વિભાગે દીપડાને શોધવા માટેના પ્રયત્ન શરૂ કરી દીધા છે. જોકે ગઈ કાલ સાંજ સુધીમાં દીપડા વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી. સુરક્ષાની દૃષ્ટિએ ફૉરેસ્ટ વિભાગે એટલા વિસ્તારમાં જાગૃતિ ફેલાવી હતી અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી હતી. આ વિસ્તાર સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના યેઉર વિસ્તારથી ૭૦૦ મીટર જેટલો જ દૂર હોવાથી દીપડો ત્યાંથી આવ્યો હોઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
થાણેના ફૉરેસ્ટ-ઑફિસર નરેન્દ્ર મુઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે અમને જાણ કર્યા બાદ ગુરુવારે બપોરથી અમે દીપડાને શોધી રહ્યા હતા, પણ મોડી રાત સુધી અમને દીપડો જોવા નહોતો મળ્યો એટલે ગઈ કાલે વહેલી સવારથી ડ્રોન કૅમેરા સાથે પોખરણ રોડ નજીક દીપડાને શોધવામાં આવ્યો હતો. એ ઉપરાંત અમે આસપાસના વિસ્તારોમાં ટ્રૅપ-કૅમેરા પણ ગોઠવી દીધા હતા જેમાં પણ દીપડા વિશે કોઈ માહિતી નહોતી મળી. એક ટીમ દીપડાને પકડવા માટે તૈયાર રાખવામાં આવી છે અને તેમની પાસે પીંજરાથી લઈને દીપડાને બેભાન કરવા માટે અને એને પકડવા માટે વિવિધ વસ્તુઓ આપવામાં આવી છે. આશરે ૭૦૦ મીટરના અંતરમાં અહીં યેઉર જંગલ છે એટલે દીપડો ત્યાંથી ખોરાકની શોધમાં અહીં સુધી આવ્યો હોય એવી શક્યતા છે.’
ADVERTISEMENT
લોકોને સતર્ક રહેવાની અપીલ
ફૉરેસ્ટ-ઑફિસર નરેન્દ્ર મુઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીના વૉચમૅન પાસે ફટાકડાના અવાજ જેવી વસ્તુ રાખવાનું કહેવામાં આવ્યું છે તેમ જ દરેક પાસે એક લાકડી રાખવાનું કહેવામાં આવ્યું છે. સાંજના સમયે ફરતા લોકોને હેવી લાઇટવાળા વિસ્તારમાં જ ફરવાની અપીલ કરવામાં આવી છે. અંધારિયા વિસ્તારમાં દીપડો અટૅક કરે એવી શક્યતા છે એટલે સોસાયટીને હેલોજન જેવી મોટી લાઇટ લગાડવાની અપીલ પણ કરવામાં આવી છે.’


