કાંદિવલીની સ્કૂલને પાછી બૉમ્બની ધમકી, બાળકો હેરાન અને પેરન્ટ્સ પરેશાન
ગઈ કાલે બૉમ્બ હોવાની ધમકી મળતાં KES ઇન્ટરનૅશનલ સ્કૂલની બહાર પોલીસ-બંદોબસ્ત.
કાંદિવલી-વેસ્ટની ઈરાનીવાડીમાં આવેલી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) ઇન્ટરનૅશનલ સ્કૂલને ગઈ કાલે સવારે ઈ-મેઇલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ કાંદિવલી પોલીસને કરાતાં ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને બૉમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સ્કૂલની આંતરિક તપાસ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે કલાકો સુધીની શોધમાં બૉમ્બ જેવી કોઈ વસ્તુ ન મળતાં ખોટી માહિતી આપવા બદલ ઈ-મેઇલ મોકલનાર સામે કાંદિવલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ સ્કૂલને ભૂતકાળમાં પણ આવી જ ધમકીઓ મળી હતી, પરંતુ કોઈ વિસ્ફોટક મળ્યો નહોતો. આવી ઘટના વારંવાર બનતી હોવાથી પેરન્ટ્સે મુખ્ય પ્રધાન અને શિક્ષણ વિભાગને ઈ-મેઇલ કરીને આવી ખોટી ધમકી આપનાર વ્યક્તિ સામે કડક ઍક્શન લેવાની માગણી કરી છે.
કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૬.૫૦ વાગ્યે સ્કૂલને બૉમ્બ હોવાની માહિતી આપતી એક ઈ-મેઇલ આવી હતી. એની માહિતી સ્કૂલના પ્રતિનિધિઓને મળતાં ઘટનાની જાણ અમને કરવામાં આવી હતી.’
ADVERTISEMENT
હિરલ શાહ નામના પેરન્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૭ જાન્યુઆરીએ સ્કૂલને આવી જ ધમકી મળી હતી. ત્યાર બાદ સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના ન્યુઝ વાઇરલ થતાં કેટલાક દિવસ સુધી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ હતો. અમુક વાલીઓએ એક અઠવાડિયા સુધી પોતાનાં બાળકોને સ્કૂલમાં પણ મોકલ્યાં નહોતાં. હજી માંડ-માંડ એ ઘટના ભુલાઈ હતી એવામાં ગઈ કાલે ફરી વાર આવી ધમકી મળી હતી, જેના કારણે ફરી એક વાર સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. વારંવાર બનતી આવી ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં, છેલ્લા ૧૦ દિવસમાં મુંબઈની કેટલીક સ્કૂલ અને કૉલેજને આવી ધમકી મળી છે એ જોતાં મેં અને મારા જેવા બીજા વાલીઓએ મુખ્ય પ્રધાન, રાજયના શિક્ષણ વિભાગ અને પોલીસને આવી ખોટી ઈ-મેઇલ મોકલતી વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.’

