આતંકવાદીઓને સાથ આપનાર લોકલ મુસ્લિમોને અને દેશભરના તથા કાશ્મીરના મુસ્લિમોને એક જ પંક્તિમાં બેસાડવાનું દેશહિતમાં નથી એ સમજવું પડશે
બૈસરન વૅલીમાં આતંકવાદી હુમલાની ઘટના બની ત્યારે નીલા સોની રાઠોડ જ્યેષ્ઠા માતા મંદિરમાં હતાં.
૧૯થી ૨૭ એપ્રિલ સુધી કથાકાર પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન શ્રીનગર ખાતે હતું. મહિનાઓ પહેલાં જ મારા એક મિત્રના આગ્રહ પર મેં ત્યાં જોડાવા માટેનું ગૂગલ ફૉર્મ ભરેલું અને છેક સુધી મને ખબર જ નહીં કે મારું રજિસ્ટ્રેશન કન્ફર્મ છે. ચાર દિવસ પહેલાં ખબર પડી કે ઈ-મેઇલ આવી છે. એ વાંચીને હું ૧૮ એપ્રિલે ફ્લાઇટ મારફત શ્રીનગર પહોંચી ગઈ. જીવનમાં એક વખત કાશ્મીરમાં દસેક દિવસ રહેવું એવી ઇચ્છાપૂર્તિ માટે આ એકદમ સુવર્ણ તક લાગતી હતી. કોઈ પણ પ્રદેશની સ્થાનિક આબોહવા, વાતાવરણ, ખાદ્ય પદાર્થો, મિજાજ સમજવા માટે ત્યાં-એ પ્રદેશમાં અઠવાડિયું પસાર કરો તો જ કંઈક અંશે એ આત્મસાત્ કરી શકાય એવી માન્યતાથી હું દસ દિવસની તૈયારી સાથે ગઈ. ૧૮થી ૨૮ એપ્રિલ સુધીની આ યાત્રામાં સવારે શ્રીનગર ખાતે બાપુની કથામાં ૧૦થી એક વાગ્યા સુધી બેસીને બપોરે એક વાગ્યા પછી ભોમિયાની જેમ શ્રીનગરના ખૂણે-ખૂણે ફરવા માંડતી. પહલગામની ઘટના પછી સૌ શુભચિંતકોનો એક જ સૂર કે ઘરભેગા થાઓ; માટે ૨૮ની ટિકિટ કૅન્સલ કરીને ૨૫ એપ્રિલે મુંબઈ પરત ફરી.
હું ૧૮થી ૨૫ એપ્રિલ સુધી શ્રીનગરમાં જ હતી.
ADVERTISEMENT
પહલગામમાં હુમલો થયો અને હત્યાઓ થઈ ત્યારે હું શ્રીનગરના જ્યેષ્ઠા માતા મંદિરમાં પહાડો પર હતી. ત્યાં નેટવર્ક હતું નહીં એટલે કોઈ વૉટ્સઍપ મેસેજ કે સમાચાર વાંચવા ન મળ્યા. જ્યેષ્ઠા માતા મંદિરથી સાંજે નીચે આવી ત્યારે અચાનક લોકોના મુંબઈથી ફોન-મેસેજ આવ્યા ત્યારે હકીકત જાણવા મળી.
હું જે હોટેલમાં રોકાઈ હતી એ હોટેલના ઉતારાની વ્યવસ્થા ચિત્રકૂટધામ તલગાજરડા મારફત કરવામાં આવી હતી. એ હોટેલ શાહિદ અલી નામના ઍડ્વોકેટની હતી. જ્યાં સુધી પહલગામની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન બની ત્યાં સુધી હોટેલના માલિક શાહિદભાઈ સાથે કામ પૂરતી વાત જ કરી હતી. ૨૨ એપ્રિલે રાતે પોતપોતાના રૂમમાં અમે સૌ ભરાઈ ગયા.
રૂમની બહાર પાંદડું હલે તોય એમ થાય કે આતંકવાદી હશે? આખી રાત મટકું માર્યા વગર હું જાગતી રહી. સવારે રૂમની પરસાળમાં આવી ત્યારે હોટેલનાં કૅરટેકર બહેન ત્યાંનો મોટો કેટલો લઈ આવ્યાં. આપણા જૂના જમાના જેવા પાણી ગરમ કરવા માટે વાપરવામાં આવતા બંબા જેવી જ નકશીદાર કેટલ હતી. એમાં વચ્ચે બંબામાં હોય એવી પહોળી પાઇપ હોય જેમાં કોલસા પેટાવેલા હોય અને આજુબાજુની જગ્યામાં પાણી, કેસર, તજ, સાકર, એલચી અને કાજુ-બદામનો ભૂકો ઉમેરી ગરમ થવા દે; એ પાણી ઊકળીને કહવા બને.
હોટેલમાલિકનાં માસી કૅરટેકરબહેને મને કહ્યું, આપ અપને હાથ સેકો. પેલા બંબાનુમા કેટલના કોલસાથી હાથને ગરમાવો મળ્યો અને પેલી બહેનની આત્મીયતા પણ મળી એ સારું લાગ્યું. તે બહેને મને કહ્યું, બહાર કાશ્મીર બંધનું એલાન છે, હોટેલથી બહાર નીકળવાનું નથી એટલે સૌ માટે હું કહવો બનાવી રહી છું. આખી હોટેલમાં રામકથામાં પધારેલા રામભક્તો જ હતા. સાથે તેમણે ખૂબ જ સ્વાદિષ્ટ કેક, બિસ્કિટની વ્યવસ્થા કરી.
પછી હોટેલમાલિક શાહિદ અલી આવીને મારી પાસે ખુરસીમાં બેઠો. તે ખરો દેશભક્ત મુસ્લિમ હતો. તે વારંવાર એક જ વાત બોલી રહ્યો હતો કે ‘આતંકવાદીઓને બડા ગલત કિયા, મોદીજી કે વિકાસ કો રોકને કી કોશિશ કી, ૩૭૦ જાને કે બાદ તો ફલ-ફૂલ રહા થા કશ્મીર.’
હું આશ્ચર્યચકિત હતી. આગળ શાહિદ અલીએ કહ્યું, ‘યે દેખિએ સામનેવાલી હોટેલ મેં કભી ભી કોઈ કમરા જલદી બુક નહીં હોતા થા, આજ વો ભી ફુલ હૈ વગેરે.’ તે સાવ સહજતાથી સ્વીકારી રહ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરની સિકલ ફેરવી નાખી છે.
આગળ ઘણી વાતો થઈ હોટેલમાલિક અને તેની માસી સાથે. તેમનું એક જ કહેવું હતું કે જમ્મુ-કાશ્મીરના વિકાસને રોકવા માટે આ પાકિસ્તાની કૃત્ય છે, અમારું ખૂબ મોટું નુકસાન થયું છે. તેની માસીએ મને કહ્યું કે તમે તો બે દિવસમાં જતાં રહેશો, અમારે લલાટે આ કાયમની પીડા છે; માંડ બે પૈસા રળતા હોય ત્યાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી અમારી ઇજ્જત ધોવાઈ જાય.
એક મહત્ત્વપૂર્ણ વાત વારંવાર એ હોટેલવાળા બોલતા હતા કે ‘સચ્ચા મુસલમાન, ઇસ્લામ કો માનનેવાલા ઐસે નિર્દોષ ટૂરિસ્ટોં કો કભી નહીં મારેગા, યે હત્યારે હોતે હૈં. બહુત બુરા કિયા ઇન્હોંને, ઇનકે કારણ પૂરી કૌમ બદનામ હોતી હૈ.’
મારા ત્યાંના લોકલ મુસ્લિમ ડ્રાઇવર આરિફ સાથે હું ૨૩ એપ્રિલે બપોર પછી બહાર નીકળી. તેણે મને કહ્યું કે આપ સેફ હો. શ્રીનગરમાં સૌની જુબાન પર વર્તમાન સરકાર માટે પ્રશંસા હતી.
બાય ધ વે, હું BJPની છું એ ઓળખ પ્રથમ દિવસથી મેં છુપાવી હતી. એટલે રખે કોઈ એવું ન માનતા કે તમને મોઢામોઢ સારું લગાવવા બોલ્યા હશે. પરંતુ પાકિસ્તાનથી થયેલી સાજિશમાં આતંકવાદીઓને સાથ આપનાર કોઈ લોકલ ઘોડેસવાર અથવા રહેવાસીને અને દેશભરના તેમ જ કાશ્મીરમાં વસતા દરેક મુસ્લિમને એક જ પંક્તિમાં બેસાડવું ભૂલભરેલું થશે અને દેશહિતમાં નહીં રહે એ સમજવું પડશે.
જો કાશ્મીરનો મુસ્લિમ માની રહ્યો છે કે મોદી સરકાર આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરે સારા દિવસો જોયા છે તો ફક્ત મોદીવિરોધમાં કે BJPના દ્વેષના આવેશમાં સરકારને ભાંડવા અને બદનામ કરવાવાળા વિરોધીઓને શું સમજવા?
થિન્ક અબાઉટ ઇટ.
- નીલા સોની રાઠોડ
(લેખિકા, BJPના ઉત્તર મુંબઈનાં પ્રચાર પ્રમુખ છે)


