Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીની ટીનેજરે ૩૦ ઉપવાસથી શરૂ કરેલા તપનું ૭૬ ઉપવાસ પૂરા કરીને ૧૦૮ ઉપવાસ તરફ પ્રયાણ

કાંદિવલીની ટીનેજરે ૩૦ ઉપવાસથી શરૂ કરેલા તપનું ૭૬ ઉપવાસ પૂરા કરીને ૧૦૮ ઉપવાસ તરફ પ્રયાણ

Published : 25 September, 2023 10:40 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

૧૬ વર્ષની ક્રિશા શાહે ચાતુર્માસ દરમિયાન મુનિ પદ્મકળશવિજયજી મહારાજસાહેબ પાસે માસક્ષમણની ભાવના વ્યક્ત કરી, પણ દેવગુરુની કૃપાથી વિઘ્ન વગર તપશ્ચર્યા ૧૦૮ ઉપવાસ તરફ આગળ વધી રહી છે

વાલકેશ્વરમાં તપસમ્રાટ આચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ અને મુનિ શ્રી પદ્મકળશવિજયજી મહારાજસાહેબ પાસે ઉપવાસના પચ્ચક્ખાણ લઈ રહેલી કાંદિવલીની ૧૬ વર્ષની ક્રિશા શાહ.

વાલકેશ્વરમાં તપસમ્રાટ આચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ અને મુનિ શ્રી પદ્મકળશવિજયજી મહારાજસાહેબ પાસે ઉપવાસના પચ્ચક્ખાણ લઈ રહેલી કાંદિવલીની ૧૬ વર્ષની ક્રિશા શાહ.


જૈનોએ ઉપવાસમાં સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ફક્ત ઉકાળેલું પાણી જ વાપરવાનું હોય છે. કાંદિવલી (વેસ્ટ)ની શંકરગલીની અગિયારમાં ધોરણમાં ભણતી ૧૬ વર્ષની ક્રિશા જિગર શાહે ચાતુર્માસ દરમિયાન માસક્ષમણ તપ (૩૦ દિવસના ઉપવાસ)ની શરૂઆત કરી હતી. જોકે ધીરે-ધીરે તેના ઉચ્ચ કોટિના ભાવોને કારણે તે ૩૦ ઉપવાસમાંથી આગળ વધીને ૭૬ ઉપવાસ સુધી પહોંચી છે. જેને એક દિવસનો ઉપવાસ આકરો લાગતો હતો તે ક્રિશા અત્યારે ચાતુર્માસ માટે વાલકેશ્વરમાં બિરાજમાન તપસમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ અને મુનિ શ્રી પદ્મકળશવિજયજી મહારાજસાહેબની પ્રેરણા અને આશીર્વાદથી ૧૦૮ ઉપવાસની ભાવના સાથે ઉપવાસનાં શિખરો પર કોઈ પણ વિઘ્ન વગર આગળ વધી રહી છે.   ‍‍‍‍

ધર્મના સંસ્કારો અને તપસ્વી પરિવાર
મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના સાલડી ગામની ૧૦૮ વીસા શ્રીમાળી ગોળ જ્ઞાતિની ધર્મના સંસ્કારો અને તપસ્વી પરિવારમાં ઊછરેલી ક્રિશા શાહે ૨૦૧૬માં નવ વર્ષની ઉંમરે સૌથી પહેલાં જૈનોના પર્યુષણ પર્વ દરમિયાન આઠ ઉપવાસ એટલે કે અઠ્ઠાઈ તપની આરાધના કરી હતી. ત્યાર પછી ૨૦૨૧માં ૧૪ વર્ષની ઉંમરે તેણે ૧૬ ભથ્થું એટલે કે ૧૬ ઉપવાસની આરાધના કરી હતી. જોકે આ આરાધના દરમિયાન છેલ્લા છ ઉપવાસ તેને ખૂબ જ આકરા પડ્યા હતા. જોકે ઉપધાન તપ દરમિયાન તેના ઉપવાસ સારા થયા હતા. આ માહિતી આપતાં ક્રિશા શાહની મમ્મી રૂપલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રિશા આમ તો બહુ નાની ઉંમરથી તપસ્યા કરે છે. છ વર્ષની ઉંમરે તેણે શત્રુંજય તીર્થમાં ૯૯ યાત્રા કરી હતી. ત્યાર પછી આઠ વર્ષની ઉંમરે તેણે ચાતુર્માસ દરમિયાન ૯૦ બિયાસણાંની આરાધના કરી હતી. દસ વર્ષની ઉંમરે તેણે ફેબ્રુઆરીમાં પાલિતાણાની છઠ (બે ચોવિહાર ઉપવાસ એટલે કે પાણી પણ વાપરવાનું નહીં) કરીને સાત જાત્રા કરી હતી. એ જ વર્ષમાં એપ્રિલ મહિનામાં તે ઉપધાન તપની આરાધના (એટલે કે ૪૮ દિવસનું મિની સાધુજીવન) કરવા ગઈ હતી, પરંતુ સંજોગવશાત્ તેણે અઠાર દિવસમાં જ તપમાંથી બહાર આવી જવું પડ્યું હતું. આ વર્ષે તેણે ફરીથી દેવલાલીમાં ૪૮ દિવસની ઉપધાન તપની આરાધના કરીને મોક્ષની માળા ગ્રહણ કરી હતી.’



માસક્ષમણ કરવાની ભાવના
દેવલાલીમાં ક્રિશાએ ઉપધાન તપની આરાધના દરમિયાન માસક્ષમણ કરવાની ભાવના વ્યક્ત કરી હતી. આ માહિતી આપતાં મુનિ પદ્મકળશવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ તપ દરમિયાન બે શ્રાવિકાઓ માસક્ષમણ કરી રહી હતી. તેમનાથી પ્રેરિત થઈને ક્રિશાએ પણ માસક્ષમણ કરવાની ભાવના વ્યક્ત કરી હતી. ત્યારે મેં તેને કહ્યું હતું કે જે તપ અને ક્રિયા કરે છે એ પહેલાં પૂરી કરી લે અને પછી ચાતુર્માસમાં માસક્ષમણ કરજે. તેણે ગુરુઆજ્ઞા માનીને ઉપધાન તપની આરાધના પૂરી કરી હતી. જેવા ચાતુર્માસ શરૂ થયા એટલે તે કાંદિવલીથી વાલકેશ્વર આવી હતી અને તેણે માસક્ષમણ કરવાની તેની ભાવના ફરીથી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, અમારી આજ્ઞા મળતાં જ તેણે ૧૧ જુલાઈના શુભ મુહૂર્તે સીધા એકસાથે ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ લઈને માસક્ષમણની શરૂઆત કરી હતી. જેવા ૧૬ ઉપવાસ પૂરા થયા કે તરત જ ૧૪ ઉપવાસના પચ્ચક્ખાણ લઈને તેણે ૩૦ દિવસના ઉપવાસ તરફ શાતા અને સમતા સાથે પ્રયાણ કર્યું હતું. પારણું આવે એ પહેલાં જ તેણે આગળ વધવાની ભાવના વ્યક્ત કરી હતી. સૌને એમ હતું કે ૩૬  ઉપવાસ કરીને તે પારણું કરશે, પણ એને બદલે તે ૧૬ અને આઠ ઉપવાસના પચ્ચક્ખાણ લઈને ૭૬ ઉપવાસ સુધી પહોંચી ગઈ છે. હવે તેણે આચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી બીજા ૧૬ ઉપવાસના સાહેબજી પાસેથી પચ્ચક્ખાણ લઈ લીધા છે અને તેણે ૧૦૮ ઉપવાસ કરવાની ભાવના વ્યક્ત કરી છે.’


૭૬મા ઉપવાસે પારણાંને બદલે પચ્ચક્ખાણ
અમારા માટે ૭૬મા ઉપવાસે મોટો આંચકો હતો. આ સંદર્ભમાં રૂપલ શાહે કહ્યું હતું ‘એ દિવસે કાંદિવલીમાં તપસ્વીઓનો વરઘોડા હતો. અમે ક્રિશાના પારણાંમાં શું વાનગીઓ બનાવવી એની પરિવારમાં ચર્ચા પણ કરી લીધી હતી. વરઘોડામાંથી ઊતરીને ક્રિશા અમારા સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન અરવિંદસાગર મહારાજસાહેબ પાસે આશીર્વાદ લેવા ગઈ હતી. એની સાથે તેણે મહારાજસાહેબ પાસે બીજા આઠ ઉપવાસના પચ્ચક્ખાણ લઈને અમને મોટો ઝટકો આપી દીધો હતો. ત્યાર પછી હંસરત્નસુરીશ્વરજી મહારાજસાહેબે તેની શાતા અને સમતાને લક્ષમાં રાખીને તેને પ્રેરણા કરી કે જ્યારે તું આટલી બધી આગળ વધી ગઈ છે તો હવે ત્રણ માસક્ષમણ એટલે કે ૯૦ ઉપવાસ પૂરા કરીને પછી જ પારણું કરજે. સાહેબજીની પ્રેરણા અને આશીર્વાદથી હવે ક્રિશા ૧૦૮ ઉપવાસની ભાવના સાથે આગળ વધી રહી છે. જેને અગાઉ ઉપવાસ આકરા પડતા હતા તે મારી દીકરી અત્યારે હસતા મુખે ઉચ્ચ કોટિના તપ તરફ પ્રયાણ કરી રહી છે જે ખરેખર અનુમોદનીય છે.’ 

તપસ્વી ક્રિશાની ભાવના
જૈન ધર્મમાં તપનું મહત્ત્વ ભગવાન મહાવીરસ્વામીએ સમજાવ્યું છે એમ જણાવતાં ૧૦૮ ઉપવાસ તરફ પ્રયાણ કરી રહેલી ટીનેજર ક્રિશાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમના જ શાસનમાં રહીને મને પણ તપ કરવાનું મન થયું છે. શરીર પરનો મોહ છોડી, કાયાનો કસ કાઢી, કર્મોનું કાસળ કાઢી, જીભના સ્વાદને છોડીને મૃત્યુંજય તપ કરવાનું મન થયું હતું. એ દરમિયાન મને દેવગુરુની કૃપા વરસી રહી છે અને મહાવીરસ્વામીના આયુષ્ય ૭૨ વર્ષ જેટલા ઉપવાસ કરવાની ભાવના થઈ છે. હું મારા ગુરુજીની પ્રેરણાથી અને મારા પરિવારના સાથ-સહકારથી આગળ વધી રહી છું. એની સાથોસાથ ૧૦૦ ટકા મારા દેવગુરુની અસીમ કૃપા વરસી રહી છે. તપ કરવાથી શરીર કરતાં મારો આત્મા શુદ્ધ બને એ માટે નાના-મોટા દરેકેદરેક સૌ અંતરના આશીર્વાદ વરસાવજો.’


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2023 10:40 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK