નવા વર્ષમાં ટ્રાફિક જૅમની સમસ્યાથી છુટકારો મળશે
કલ્યાણના પત્રી પુલનું કામ પુરજોશમાં થઈ રહ્યું છે
કલ્યાણમાં આવેલા પ્રખ્યાત બ્રિટિશકાળના પત્રી પુલના ગર્ડર લૉન્ચિંગના કામની શરૂઆત ૨૧ નવેમ્બરે થઈ હતી. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે એનું ઉદ્ઘાટન થયું હતું. આ પુલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું હોવાથી નવા વર્ષમાં કલ્યાણ-ડોમ્બિવલી માર્ગ પરના ભયંકર ટ્રાફિક જૅમની સમસ્યાથી નાગરિકોને છુટકારો મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.
વર્ષ ૨૦૨૧ના માર્ચ મહિનામાં નવો પત્રી પુલ વાહનો માટે ખુલ્લો મુકાય એવી શક્યતા વિશે પ્રશાસકીય યંત્રણા દ્વારા જાણવા મળ્યું છે. રેલવે માર્ગ પર પુલના કામ માટે ૨૮, ૨૯ નવેમ્બરના સેન્ટ્રલ રેલવેએ મેગા બ્લૉક જાહેર કર્યો હતો. નાગરિકોને ટ્રાફિક જૅમની સમસ્યાથી જલદી છુટકારો મળે એ માટે આ પુલનું કામ જલદીમાં જલદી પૂર્ણ કરવાનો પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે. જોકે માર્ચ મહિનાથી પુલ ખુલ્લો મુકાશે કે કામ આગળ ધકેલાશે એ જોવાનું રહેશે.
ADVERTISEMENT
આ પત્રી પુલ બ્રિટિશકાળનો હોવાથી વર્ષ ૧૯૧૪માં બાંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કલ્યાણ-શિળફાટા રસ્તાના રેલવે માર્ગ પર આવેલો આ પુલ ૧૦૪ વર્ષ જૂનો અને જર્જરિત હતો. આ વિશે ગંભીરતા દાખવીને રેલવેએ વર્ષ ૨૦૧૮ની ૧૮ નવેમ્બરના મેગા બ્લૉક હાથ ધરીને આ પુલ તોડી પાડ્યો હતો. આ જ જગ્યાએ હવે નવો પુલ ઊભો કરવામાં આવી રહ્યો છે. પુલનું કામ બે વર્ષ પહેલાં શરૂ કરાયું હતું પરંતુ હાલ સુધી આ કામ પૂરું થયું ન હોવાથી લોકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. એથી આવનાર નવા વર્ષમાં તો લોકોને પુલની સુવિધા મળશે કે નહીં એવો પ્રશ્ન નાગરિકો દ્વારા ઊભો કરવામાં આવ્યો છે.


