JNPT, મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને મુંબઈ-ગોવા હાઇવે સહિત મુખ્ય હાઇવેને કનેક્ટિવિટી મળશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જવાહરલાલ નેહરુ પોર્ટ અને મુખ્ય નૅશનલ હાઇવે વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટેના પ્રસ્તાવિત પાગોટે ચોકના કામને વેગ અપાયો છે. નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સ માટેની પ્રક્રિયા શરૂ કરી છે.
૨૯.૩ કિલોમીટર લાંબો છ લેનનો એક્સપ્રેસવે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) અને દિલ્હી-મુંબઈ ઉપરાંત અન્ય રાજ્યોને જોડતા NH48, મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને મુંબઈ-ગોવા હાઇવે સહિત મુખ્ય રસ્તાઓ વચ્ચે સીધો ઍક્સેસ કન્ટ્રોલ રોડ બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કૉરિડોર હાલના માર્ગો પર ભીડ ઓછી કરશે એવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને પોર્ટથી માલસામાનની હેરફેર માટે મહત્ત્વપૂર્ણ છે જે ઇન્ટર્નલ વિસ્તારોને ઝડપી અને વધુ ઇફેક્ટિવ કનેક્ટિવિટી આપશે.
ADVERTISEMENT
સમયરેખા અને મુસાફરીની અસર
આ પ્રોજેક્ટ બાંધકામ શરૂ થયાના ૩૦ મહિનાના સમયગાળામાં પૂરો થવાનો અંદાજ છે. પુણેથી મુસાફરી કરતા વાહનચાલકો ખાલાપુર ટોલપ્લાઝા પછી તરત જ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી બહાર નીકળી શકશે અને લગભગ ૨૦ મિનિટમાં અટલ સેતુના ચિરલે ઇન્ટરચેન્જ સુધી પહોંચી શકશે. આ વિકાસ બન્ને શહેરોને નજીક લાવશે એવી શક્યતા છે.
નવો એક્સપ્રેસવે કેવો હશે?
એક્સપ્રેસવેમાં છ મુખ્ય પુલ, પાંચ નાના પુલ, ચાર વાયડક્ટ અને ૧.૯ કિલોમીટર અને ૧.૫૭ કિલોમીટરની બે ટનલનો સમાવેશ થાય છે. એને કારણે આ કૉરિડોરમાં સ્પીડ અને સેફટીનું સ્ટાન્ડર્ડ જાળવીને સરળ મુસાફરી થઈ શકશે.
