પોલીસ અને થાણે કોર્ટે આ મામલે કંઈ ન કરતાં બૉમ્બે હાઈ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી
જિતેન્દ્ર આવ્હાડ
મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ૨૦૧૮માં નાલાસોપારામાંથી વિસ્ફોટકો જપ્ત કરીને ગૌરક્ષક વૈભવ રાઉતની ધરપકડ કરી હતી. એ સમયે શરદ પવાર જૂથના મુમ્બ્રાના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર નિર્માણ કરવા અને દેશની અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદી હુમલો કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. જોકે ATSની તપાસમાં આવું કોઈ કાવતરું ન હોવાનું જણાયું હતું. હિન્દુ સમાજને બદનામ કરવા માટે જિતેન્દ્ર આવ્હાડે કાવતરું ઘડવાનું નિવેદન આપ્યું હતું. આ ખૂબ જ ગંભીર આરોપ છે એટલે જિતેન્દ્ર આવ્હાડ સામે ફરિયાદ નોંધવાની અરજી હિન્દુ ટાસ્ક ફૉર્સના સ્થાપક ઍડ્વોકેટ ખુશ ખંડેલવાલે પોલીસ અને થાણેની કોર્ટમાં કરી હતી. જોકે પોલીસ અને થાણે કોર્ટે આ મામલે કંઈ ન કરતાં બૉમ્બે હાઈ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. હાઈ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો હતો કે વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આપેલા નિવેદનની તપાસ કરીને જો તેમણે ખરેખર આવું નિવેદન આપ્યું હોય તો તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવે.