બૉલીવુડ ઍક્ટર સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ખારમાં આવેલા તેના ઘરમાંથી કથિત રીતે હીરાજડિત સોનાનાં આભૂષણો ચોરી થયાં હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

સલમાન ખાન અને અર્પિતા ખાન
મુંબઈ (પી.ટી.આઇ.) : બૉલીવુડ ઍક્ટર સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ખારમાં આવેલા તેના ઘરમાંથી કથિત રીતે હીરાજડિત સોનાનાં આભૂષણો ચોરી થયાં હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. એની કિંમત આશરે પાંચ લાખ રૂપિયા હતી. બાદમાં પોલીસે તેના નોકરની ધરપકડ કરી હતી.
ખાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘૩૦ વર્ષનો આરોપી સંદીપ હેગડે અર્પિતા ખાનના ઘરમાંથી આશરે પાંચ લાખ રૂપિયાની કિંમતના હીરાજડિત સોનાના દાગીના ઉઠાવી ગયો હતો. ચોરીની ખબર પડતાં અર્પિતા ખાને પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે એ વિસ્તારના સીસીટીવી કૅમેરાંનાં ફુટેજ તપાસ્યાં હતાં. કૅમેરા તથા અન્ય ઇનપુટ્સના આધારે પોલીસે મંગળવારે આરોપીને થાણેથી પકડી પાડ્યો હતો. તેની સામે ભારતીય દંડસંહિતાની કલમ ૩૮૧ (કારકુન અથવા નોકર દ્વારા ચોરી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે.’

