તેણે સલમાન સાથે ‘મૈંને પ્યાર કિયા’માં કામ કર્યું હતું.
ભાગ્યશ્રી
ભાગ્યશ્રીએ જણાવ્યું છે કે સલમાન ખાન સાથે તેના અફેરની અફવાથી તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી હતી. તેણે સલમાન સાથે ‘મૈંને પ્યાર કિયા’માં કામ કર્યું હતું. તેમની જોડી લોકોને પણ ખૂબ ગમી હતી. હિમાલય દાસાણી સાથે લગ્ન બાદ તેણે જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે એક જર્નલિસ્ટ તેને મળવા હૉસ્પિટલ પહોંચ્યો હતો. એ વખતે તેણે હિમાલયને જણાવ્યું હતું કે મારું અને સલમાનનું અફેર છે. એ ઘટનાને યાદ કરતાં ભાગ્યશ્રીએ કહ્યું કે ‘મેં અભિમન્યુને જન્મ આપ્યો હતો અને મારી સિસ્ટર-ઇન-લૉ મારા રૂમની બહાર ઊભી હતી. એક પ્રેસ-રિપોર્ટર મોટો બુકે લઈને આવ્યો અને મને મળવા જણાવ્યું હતું. તેમણે મને મળવાની પરમિશન આપી. તે અંદર આવી અને હિમાલય સામે જોઈને કહે છે કે ‘સલમાન ખાન સાથે ભાગ્યશ્રીના અફેરને લઈને શું કહેવું છે અને હવે તો તમારા બાળકનો પણ જન્મ થયો છે.’ મારી લાઇફમાં મારી સાથે કોઈએ પણ આવી રીતે વાત નથી કરી. ‘મૈંને પ્યાર કિયા’ બનાવતી વખતે સલમાનનું વર્તન ખૂબ સારું હતું. અમારી વચ્ચે આવું કાંઈ નહોતું. મારા બાળકના જન્મના બીજા જ દિવસે મને આવું પૂછવામાં આવ્યું. હું ચોંકી ગઈ હતી કે લોકો કેટલું ખરાબ વર્ત કરે છે. હું ખૂબ ઉદાસ થઈ હતી. મેં ફિલ્મ મૅગેઝિન વાંચવાનું અને ઘરે લાવવાનું બંધ કરી દીધું હતું. બાદમાં મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવાનું નક્કી કરી લીધું હતું.’