બે વર્ષથી કામ કરતા કર્મચારીએ ૩ સાથીઓ સાથે મળીને દુકાન સફાચટ કરી
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટની પ્રખ્યાત નટરાજ માર્કેટ સામે રક્ષા જ્વેલર્સ નામના શોરૂમમાં કામ કરતા કર્મચારીએ જ પોતાના સાથીદારો સાથે મળીને ૧.૨૮ કરોડ રૂપિયાનાં સોના-ચાંદીના દાગીના અને મૂર્તિઓની ચોરી કરી હોવાની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. દુકાનના ૪૩ વર્ષના માલિક વિકાસ જૈને નોંધાવેલી ફરિયાદમાં તેમની દુકાનમાં છેલ્લાં બે વર્ષથી સેલ્સમૅન તરીકે કામ કરતા બાવીસ વર્ષના કર્મચારીએ પોતાના ૩ અજાણ્યા સાથીદારો સાથે મળીને આ સમગ્ર ચોરીનો પ્લાન ઘડ્યો હોવાનો આરોપ કર્યો છે. આ કેસમાં પોલીસે દુકાનની અંદર અને બહારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વિકાસ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે ઑક્ટોબરે હું પરિવાર સાથે રાજસ્થાન દર્શનાર્થે ગયો હતો અને દુકાનની જવાબદારી સગાં અને કર્મચારીઓ પર છોડી હતી. મંગળવારે સવારે મૅનેજર દુકાન ખોલવા ગયો ત્યારે નકલી ચાવીઓના કારણે લૉક ન ખૂલતાં શંકા ગઈ હતી. લૉક તોડીને અંદર પ્રવેશતાં આખો શોરૂમ વિખરાયેલો પડ્યો હતો અને કીમતી સામાન ગાયબ હતો. હું તાત્કાલિક મુંબઈ પાછો આવ્યો અને બાજુની દુકાનનાં CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસતાં માલૂમ પડ્યું કે અમારી દુકાનમાં છેલ્લાં બે વર્ષથી કામ કરતો સેલ્સમૅન તેના ૩ સાથીદારો સાથે સોમવારે રાત્રે ૧૦.૧૫થી ૧૦.૫૦ વાગ્યા દરમ્યાન હાથમાં થેલીઓ લઈને બહાર નીકળતો કૅમેરામાં કેદ થયો હતો. તસ્કરો શોરૂમમાંથી ૫૫.૯૮ લાખ રૂપિયાની કિંમતની આશરે ૧૧૬.૭૪ કિલો ચાંદી (એમરલ્ડ મૂર્તિઓ, કડા, ચેઇન અને પાયલ) તેમ જ ૭૨ લાખ રૂપિયાની કિંમતનું ૯૦૦ ગ્રામ સોનું (સોનાની મૂર્તિઓ) મળીને કુલ ૧,૨૭,૯૮,૬૦૫ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા હતા.’
