હીરાબજારના વેપારીઓ સાથે ૨૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપી શાલીન શાહની વાઇફ જલ્પાની ધરપકડ, ગુનામાં સામેલ હોવાનું લાગે છે પોલીસને
શાલીન શાહ
બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલા ડાયમન્ડ માર્કેટના ચાર વેપારી પાસેથી ૨૦૨૩માં ૨૬ કરોડ રૂપિયાના ડાયમન્ડ લઈને પલાયન થઈ જવાના આરોપનો સામનો કરતા ૪૨ વર્ષના શાલીન શાહની પત્નીની પોલીસે ધરપકડ કરી છે. વેપારીઓએ ગયા મહિને પોલીસમાં શાલીન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે શરૂ કરેલી તપાસમાં આરોપીની સાથે તેની પત્ની જલ્પા શાહ પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી છે. શાલીનના ઘરની તપાસ કરતાં પોલીસને પાંચ લાખ રૂપિયાના હીરા મળી આવ્યા છે.
મૂળ પાટણના શાલીન શાહ સામે પહેલી ફરિયાદ ધર્મનંદન ડાયમન્ડ પ્રાઇવેટ લિમિટેડની છે. માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં કિશા ડાયમન્ડ એક્સપોર્ટના નામે ફર્મ ચલાવતા શાલીન શાહને બે વખત કરોડોના હીરા સપ્લાય કર્યા હતા, બન્ને વખત ડાયમન્ડ ઊંચા ભાવે વેચવાનું અને એનું કમિશન કાપ્યા પછી ચુકવણી કરવાનું વચન આપીને શાલીન શાહે કુલ ૨૧ કરોડ રૂપિયાના ૧૬૮૫.૯૨ કૅરૅટના કટ અને પૉલિશ્ડ હીરા લીધા હતા એવી ફરિયાદ કરવામાં આવી છે. બીજા કિસ્સામાં તેણે અનેરી જ્વેલર્સ નામની કંપનીના માલિક નીરવ પારેખ સાથે અન્ય બે વેપારી પાસેથી હીરા ઊંચા ભાવે વેચી આપવાનું કહીને ૪.૪૯ કરોડ રૂપિયાના હીરા લીધા હતા, પરંતુ જ્યારે વેપારીઓએ શાલીન પાસે પૈસાની માગણી કરી ત્યારે તે કોઈ ને કોઈ કારણ આપીને વેપારીઓને ટાળતો રહ્યો હતો એવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ત્યાર બાદ તેણે વેપારીઓના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.



