જળગાવ લોકસભાની બેઠક મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરે જૂથને ફાળવવામાં આવી છે.
ઉન્મેષ પાટીલ
જળગાવના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય ઉન્મેષ પાટીલની ટિકિટ કાપવામાં આવવાને કારણે તેઓ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગઈ કાલે તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતની મુંબઈમાં મુલાકાત કરી હતી. શિવસેનાના મુખપત્ર ‘સામના’ની ઑફિસમાંથી તેઓ સંજય રાઉતને મળીને બહાર નીકળ્યા હતા ત્યારે પત્રકારોના ‘તમે ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાઈ રહ્યા છો?’ એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘સંજય રાઉત મારા મિત્ર છે અને અમે એકસાથે લાંબા સમય સુધી કામ કર્યું છે એટલે તેમને મળવા હું અહીં આવ્યો હતો. આ મુલાકાત રાજકીય નથી. એવું કંઈ હશે તો હું સામેથી માહિતી આપીશ.’
ઉન્મેષ પાટીલે ભલે કંઈ નથી કહ્યું, પણ જળગાવ લોકસભાની બેઠક મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરે જૂથને ફાળવવામાં આવી છે. તેમની પાસે અત્યારે કોઈ મજબૂત ઉમેદવાર નથી એટલે ઉન્મેષ પાટીલને અહીંથી BJPનાં ઉમેદવાર સ્મિતા વાઘ સામે લડાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. આથી આ બાબતે ચર્ચા કરવા તેઓ સંજય રાઉતને મળ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે તેઓ BJPનો સાથ છોડીને પોતાના સમર્થકો સાથે ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાઈ શકે છે.