મલાડના દેરાસરમાં ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવાતી એક જૈન શ્રાવકની સોનાની થાળી અને સોનાની વાટકીની ચોરી કરી હતી

દેરાસરમાં ચોરી કરનાર ભરત દોશી.
મુંબઈ : મલાડ-ઈસ્ટના જિતેન્દ્ર ક્રૉસ રોડ પર આવેલા શાંતિનાથ જૈન દેરાસરમાં મંગળવાર, ૨૪ જાન્યુઆરીએ ભગવાનની પૂજા કરવા આવેલા મલાડની રામચંદ્ર લેનમાં રહેતા જૈન શ્રાવક ભરત દોશીએ ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતી એક જૈન શ્રાવકની ૧૪૫ ગ્રામની સોનાની થાળી અને ૧૫ ગ્રામની સોનાની વાટકીની ચોરી કરી હતી. એને પરિણામે દેરાસરમાં અને સંઘમાં ઊહાપોહ મચી ગયો હતો. જોકે દિડોંશી પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી ૨૬ જાન્યુઆરીએ માલમતા સાથે ભરત દોશીની ધરપકડ કરી હતી.
લબ્ધિનિધાન શાંતિનાથ જૈન સંઘના કમિટી મેમ્બર અને ચોરીના આ કેસને જલદીથી ઉકેલવા માટે સક્રિય રહેલા જયેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડ-ઈસ્ટમાં રહેતા સ્ટીલના વેપારી ૭૨ વર્ષના ધીરજલાલ શાહ તેમના નિત્યક્રમ પ્રમાણે ભગવાનની પૂજા કરવા સોનાની થાળી અને વાટકી લઈને આવ્યા હતા. તેઓ તેમની ધાર્મિક વિધિ પૂરી કરે એ દરમિયાન તેમણે દેરાસરની અંદરની પાળી પર રાખેલી થાળી અને વાટકી લઈને ભરત દોશી રફુચક્કર થઈ ગયો હતો. આ બાબતની દિડોંશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જ દિડોંશી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર સંજય પાટીલ અને સિનિયર ઇન્સ્પેક્ટર જીવન ખરાત તેમ જ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર ભોસલેની ટીમ ચોરને પકડવા માટે સક્રિય બની ગઈ હતી. તેમણે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી ભરત દોશીની માલમતા સાથે ધરપકડ કરી હતી. પોલીસની જાણકારી મુજબ ભરત દોશી આ અગાઉ પણ દેરાસરમાંથી ચોરી કરતાં પકડાયો છે.’