પોસ્ટની સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ્ડ કરતી વખતે ભૂલથી મુદત ત્રણ મહિના લંબાવી દેવામાં આવતાં ઇન્વેસ્ટરો પરેશાન : પહેલાં આઠ વર્ષ ચાર મહિને પૈસા ડબલ થતા હતા એની જગ્યાએ આઠ વર્ષ સાત મહિના નોંધાયું છે : પાકતી મુદતે પણ વ્યાજ કાપીને પૈસા આપવામાં આવતાં લોકોમાં રોષ

કિસાન વિકાસ પત્ર પોસ્ટ
ગિરગામમાં રહેતી એક ગુજરાતી મહિલાને તાજેતરમાં પોસ્ટ-ઑફિસનો કડવો અનુભવ થયો હતો. પાકતી મુદતે કિસાન વિકાસ પત્ર પોસ્ટમાં જમા કરાવ્યાં તો એમાં રોકાણ કરેલા ૫,૦૦૦ રૂપિયાની સામે જે ૧૦,૦૦૦ રૂપિયા મળવાના હતા એને બદલે ૯,૮૫૭ રૂપિયા જ આપવામાં આવ્યા હતા. જ્યારે કારણ પૂછ્યું તો કહે કે કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ અમલમાં આવી ત્યારે ભૂલથી જે પહેલાં આઠ વર્ષ ચાર મહિને પૈસા ડબલ થતા હતા એની આઠ વર્ષ સાત મહિનાની નોંધ થઈ છે એટલે આ ફરક આવી રહ્યો છે. એક તો ઓછું વ્યાજ, પણ એમાં પાછો જ્યારે આ ફટકો પડે ત્યારે ઇન્વેસ્ટરોમાં નારાજગી ફેલાઈ જાય છે. એમાં વળી ઝઘડવાનો પણ કંઈ અર્થ સરતો નથી. જે મળ્યું એ ખરું એમ ધારી મન મારીને નાછૂટકે સ્વીકારી લેવું પડે છે.
ગિરગામમાં રહેતાં શીતલ શાહે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એક ૫,૦૦૦ રૂપિયાનું અને એક ૧,૦૦૦ રૂપિયાનું એમ બે કિસાન વિકાસ પત્ર ગિરગામ પોસ્ટ-ઑફિસમાંથી લીધાં હતાં. પાકતી મુદતે એ જમા કરાવ્યાં તો ત્યાર બાદ એના જે ડબલ પૈસા મળવા જોઈએ એને બદલે ૫,૦૦૦ રૂપિયા સામે ૧૦,૦૦૦ રૂપિયાને બદલે ૯,૮૫૭ રૂપિયા અને ૧,૦૦૦ રૂપિયા સામે ૨,૦૦૦ રૂપિયા મળવા જોઈએ એને બદલે ૧,૯૭૨ રૂપિયા મળ્યા હતા. અમે એથી એ બાકીની રકમ અમને ચૂકવવામાં આવે એની વ્યવસ્થા કરી આપો એ મુજબની માગણી કરતો પત્ર પણ તેમને આપ્યો છે. કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમમાં એ મુદત ભૂલથી ત્રણ મહિના વધારી દેવાઈ છે એમ તેમનું કહેવું છે.’
કોઈ પણ સરકારી સિસ્ટમમાં એક વખત પેમેન્ટ થઈ જાય એ પછી એનું ફેર પેમેન્ટ થતું નથી. એથી હવે એ બાકીની રકમ તેમને મળશે કે નહીં એ પણ એક પ્રશ્નાર્થ છે.
શીતલ શાહે વધુમાં કહ્યું હતું કે ‘નાની રકમનો ફરક પણ મોટો હોય છે. તેઓ આવું કઈ રીતે કરી શકે? અમુક સિનિયર સિટિઝનો તેમનું રોકાણ આમાં કરતા હોય છે. તેઓ પાકતી મુદતે તેમના ખર્ચા ગણીને બેઠા હોય છે. મેડિકલ હોય, પ્રસંગ કરવાનો હોય, બહારગામ જવાનું હોય એમ અનેક કામ એ લોકો કાઢીને બેઠા હોય છે. તેમને પૈસા ઓછા મળતાં પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે.’
આ વિશે પોસ્ટના સબ-ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ભગવાન કાંબળેનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘વાત સાચી છે એની ના નહીં. સ્કીમ બહુ વર્ષો ચાલી હતી અને ત્યાર બાદ થોડો વખત બંધ કરાઈ હતી અને ૨૦૧૮થી ફરી ચાલુ કરાઈ હતી. જોકે એ પછી વચ્ચે જ કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ શરૂ થઈ. એ વખતે ભૂલથી પાકતી મુદતનો સમયગાળો જે આઠ વર્ષ ચાર મહિનાનો હતો એને બદલે આઠ વર્ષ સાત મહિનાની નોંધ થઈ છે. અહીં જ નહીં, આખા દેશમાં આ પ્રૉબ્લેમ થઈ રહ્યો છે. જે સુધારો કરવાનો છે એ દિલ્હીથી જ થવાનો છે. અમે અહીંથી કંઈ જ ન કરી શકીએ. કૅલ્ક્યુલેશન પણ કમ્પ્યુટરાઇઝ્ડ છે. એમાંથી પેમેન્ટ કૅલ્ક્યુલેટ થઈને ઇન્વેસ્ટરને મળે છે. અમે અમારા લેવલે રજૂઆત કરી જ છે. દિલ્હીથી એમ કહેવાયું છે કે એ લોકો આના પર કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એનો ઉકેલ આવી જશે.
એમ છતાં અમે રોકાણકારોને રિક્વેસ્ટ કરીએ છીએ કે થોડો વખત થોભી જાઓ. પાકતી મુદતે જો એ સર્ટિફકેટ જમા કરાવી દેશો અને સિસ્ટમમાં એ અપલોડ થઈ જશે તો પૂરી રકમ નહીં મળે. જો બહુ અર્જન્સી ન હોય તો થોડો વખત રાહ જુઓ. આ ઇશ્યુ સૉલ્વ થઈ જાય પછી જ એ જમા કરાવો, જેથી તમારું વ્યાજ ન કપાય. એનું કારણ એ છે કે એક વાર પેમેન્ટ કરી દીધા પછી બાકીની રકમ આપવી અમારા માટે મુશ્કેલ બની જાય છે. અમે જાણીએ છીએ કે થોડી હેરાનગતિ થશે, પણ કો-ઑપરેટ કરો.’
કમ્પ્યુટરાઇઝ્ડ ભૂલનો ભોગ માત્ર ૨૦૧૪ના ઇન્વેસ્ટરો
ગિરગામ પોસ્ટ--ઑફિસ દ્વારા એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ કે કિસાન વિકાસ પત્રની અન્ય સ્કીમમાં આ મુશ્કેલી નથી થઈ. માત્ર ૨૦૧૪માં જે કિસાન વિકાસ પત્રની સ્કીમ ચાલી રહી હતી એમાં જ પાકતી મુદત નોંધવામાં ભૂલ થઈ છે જે ટૂંક સમયમાં સુધારી લેવાય એવી શક્યતા છે.