Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈનાં રિક્ષા-ભાડાં તો વિમાન-ટિકિટથીયે મોંઘાં

મુંબઈનાં રિક્ષા-ભાડાં તો વિમાન-ટિકિટથીયે મોંઘાં

15 May, 2023 09:43 AM IST | Mumbai
Suraj Pandey, Prajakta Kasale, Rajendra B Aklekar | feedbackgmd@mid-day.com

થયું ને આશ્ચર્ય , પણ વાત સાચી છે મહાનગરના અમુક વિસ્તારમાં બેહદ દાદાગીરી (...કારણ કે દાદાગીરી બધે જ કરે છે) કરતા રિક્ષાવાળાઓ માટે : આવા વિસ્તારોમાં ખાસ ટેસ્ટ ડ્રાઇવ કરી મિડ-ડેનાં રિપોર્ટરોએ

‘મિડ-ડે’ના રિપોર્ટર્સ ટેસ્ટ-ડ્રાઇવ પર નીકળ્યા હતા અને પશ્ચિમી પરાંમાં રિક્ષામાં ફર્યા હતા (તસવીર : સૂરજ પાંડે)

‘મિડ-ડે’ના રિપોર્ટર્સ ટેસ્ટ-ડ્રાઇવ પર નીકળ્યા હતા અને પશ્ચિમી પરાંમાં રિક્ષામાં ફર્યા હતા (તસવીર : સૂરજ પાંડે)


મુંબઈના રિક્ષાવાળાઓ જે રીતે મનસ્વીપણે ભાડું વસૂલે છે એ જોતાં મુંબઈની રિક્ષાનું ભાડું મુંબઈ-દિલ્હીની ફ્લાઇટના ભાડા કરતાં પણ વધુ છે. મુંબઈ-દિલ્હીની ફ્લાઇટનું ભાડું લગભગ ૩,૦૦૦ રૂપિયા થાય છે. બંને વચ્ચેના ૧,૧૫૦ કિલોમીટરના અંતર સાથે જો વિભાજિત કરીએ તો પ્રતિ કિલોમીટર ૨.૬૫ રૂપિયા ભાડું થાય. આની સામે રિક્ષાવાળાઓ પ્રતિ કિલોમીટર ૧૦૦ રૂપિયા જેટલું ભાડું વસુલે છે, જ્યારે સત્તાવાર રીતે પ્રતિ ૧.૫ કિલોમીટર સુધીનું ભાડું ૨૩ રૂપિયા થાય છે.

‘મિડ-ડે’એ આવા મનસ્વી રીતે ભાવ ઠરાવનારાં સ્થળોની મુલાકાત લઈને સચ્ચાઈ જાણવા કોશિશ કરી હતી. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓની બેદરકારી અને ઉદાસીનતા તેમ જ ટ્રાફિક પોલીસ અને આરટીઓની મિલીભગતને કારણે આ રૅકેટ ચાલે છે.



મલાડ સ્ટેશનથી આક્સા


મલાડમાં આક્સા બીચ જેવાં સ્થળોએ મર્યાદિત પહોંચને કારણે ઑટો-ડ્રાઇવરો મનગમતું ભાડું પડાવે છે. સપ્તાહના અંતે કે ઉનાળાની રજાઓમાં અહીં મુલાકાતીઓની સંખ્યા ઊંચી રહે છે. નિયમ મુજબ રિક્ષાચાલકોએ મીટર પ્રમાણે ભાડું વસૂલ કરવાનું હોય છે, પરંતુ અહીં મીટર પર આવવા કોઈ રિક્ષાવાળો તૈયાર નથી થતો. ‘મિડ-ડે’એ ટેસ્ટ-ડ્રાઇવમાં મલાડ સ્ટેશનથી આક્સા બીચની રિટર્ન મુસાફરી કરી હતી. જોકે પાછા ફરતી વખતે તેમણે ઉબર તથા મીટર કરતાં ૮૫ ટકા વધુ ભાડું વસૂલ્યું હતું. ઉબર ઑટોના ૧૬૫ રૂપિયા સામે રિક્ષાચાલકોએ ૨૦૦ રૂપિયા પર માની ગયા બાદ પણ ૨૫૦ રૂપિયા ભાડું વસૂલ્યું હતું. આ માટે તેઓ ટ્રાફિક અને રિટર્ન સવારી ન મળવાનાં કારણો આગળ ધરતા હોય છે. અહીં બસ જે ઘણી વાર આવતી જ નથી અને રિક્ષા એમ બે જ વિકલ્પ હોવાથી રિક્ષાચાલકો મોંમાંગ્યું ભાડું વસૂલે છે.

બોરીવલી સ્ટેશનથી ગોરાઈ


વેકેશન શરૂ થતાં જ ગોલ્ડન પગોડા, એસ્સેલવર્લ્ડ, વૉટર કિંગડમ અને ગોરાઈ બીચ સહિતનાં સ્થળોએ જવા પ્રવાસીઓની ભીડ ઊમટે છે. મીટર પ્રમાણે ૩.૪ કિલોમીટર અંતરના ૫૨ રૂપિયા ભાડું થાય, પણ ટ્રાફિકને કારણે ઘણી વાર ભાડું ૬૫ રૂપિયા સુધી પહોંચે છે. બસમાં જોકે આટલા નથી થતા. ફરવા જઈને ઘરે પાછા ફરતા મુસાફરો બસની લાંબી લાઇનમાં ઊભા રહેવા તૈયાર ન હોય ત્યારે ઑટોવાળાની મનસ્વી ભાડાં લેવાની શરૂઆત થાય છે. અહીં ભાડું રિક્ષાવાળાની મરજી પ્રમાણે વસૂલાય છે. શૅરિંગના ૨૦ રૂપિયા તો સ્પેશ્યલ રિક્ષાના ૨૦૦થી ૩૦૦ રૂપિયાની વચ્ચે હોય છે. રિક્ષામાં છ અથવા તો બાળકો સાથે આઠ પ્રવાસીઓ ભરાય છે. મુલુંડ કે ભાંડુપ જેવાં પૂર્વીય ઉપનગરોનું ભાડું ૧૦૦૦ રૂપિયાથી પણ વધુ થાય છે.

બાંદરા ટર્મિનસ

જાન્યુઆરીમાં ‘મિડ-ડે’ બાંદરા-પૂર્વમાં સ્ટેશનની બહાર ઑટો માફિયાઓએ તેમનાં ટૅરિફ કાર્ડ મૂક્યાં હોવાની વાત પ્રકાશમાં લાવ્યું હતું. આ સ્થળોએ સવાર અને સાંજનાં ભાડાં જુદાં-જુદાં છે.

પ્રવીણ જૈન નામના એક મુસાફરે કહ્યું હતું કે ‘બાંદરા સ્ટેશન અને બાંદરા ટર્મિનસ વચ્ચે રિક્ષા પર કોઈનું નિયંત્રણ નથી. જોકે આ જ સ્થિતિ બાંદરા-પશ્ચિમમાં પણ છે. અહીં અમુક ચોકકસ રૂટ પર ઑટો-ડ્રાઇવરો મનચાહ્યું ભાડું વસૂલે છે. આરટીઓના મિનિમમ ૨૩ રૂપિયા સામે ગ્રાહકદીઠ ૨૦ રૂપિયા લઈને તેઓ એક ફેરાના ૬૦થી ૮૦ રૂપિયા કમાઈ લે છે.’

વિલે પાર્લેની સફળતાની કહાની

સામાજિક કાર્યકર્તા ધર્મેશ ઝવેરીના જણાવ્યા અનુસાર તેમણે સ્થાનિક નાગરિકો અને પોલીસ મહોલ્લા સમિતિના સભ્યોની મદદથી ટ્રાફિક પોલીસના સંપર્કમાં આવીને અહીં મહદંશે સુધાર લાવવાની કોશિશ કરી હતી તથા એમાં સફળતા પણ મળી હતી.

શહેરીજનોનો અવાજ

મુંબઈમાં ઑટો​-ફ્લીસિંગનું સૌથી મોટું સ્થાન ટર્મિનલ-૨થી અંધેરી-પશ્ચિમ સુધીનો માર્ગ છે. આ ૧૧થી ૧૨ કિલોમીટરના ઑટોચાલકો ૩૦૦થી ૯૦૦ રૂપિયા અને ટૅક્સીચાલકો ૫૦૦થી ૧,૫૦૦ રૂપિયા વસૂલે છે. ગોખલે રોડ બ્રિજ બંધ થવાની પરિસ્થિતિ વધુ નિરાશાજનક બની છે એમ જણાવતાં લોખંડવાલા-ઓશિવરા સિટિઝન્સ અસોસિએશનના સહસ્થાપક ધવલ શાહે કહ્યું હતું કે ‘આ કનડગત માટે બેસ્ટ અને ટ્રાફિક વિભાગ પણ જવાબદાર છે. તેઓ આવશ્યક સેવાઓ પ્રદાન કરવામાં તેમ જ કાયદાનો ભંગ કરનારા ઑટો-ડ્રાઇવરો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહ્યાં છે.’

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2023 09:43 AM IST | Mumbai | Suraj Pandey, Prajakta Kasale, Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK