એ પછી વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને પૈસા પણ કઢાવ્યા
ડિજિટલ અરેસ્ટ
મુલુંડ-ઈસ્ટમાં નાગદેવતા મંદિર નજીક રહેતી ૨૪ વર્ષની યુવતીને કમિશનર વિજય ચૌબેના નામે ઓળખ આપીને એક અજાણ્યા યુવકે ફોન કરીને ડિજિટલ અરેસ્ટના નામે વિડિયો-કૉલિંગ કરી કપડાં કઢાવ્યાં અને એ પછી ધમકાવીને ૧૩,૦૦૦ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નવઘર પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી.
નાનાં બાળકોનું કિડનૅપિંગ કરીને તેનાં ઑર્ગન્સ વેચતી હોવાનો આરોપ લગાડીને ડિજિટલ અરેસ્ટ કર્યા બાદ અંગઝડતીના નામે યુવતીને વિડિયો-કૉલિંગ કરી તમામ કપડાં કાઢવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ એ જ વિડિયો પાછો યુવતીને મોકલીને વાઇરલ કરવાના નામે ધમકી આપવામાં આવી હતી. આ ઘટના બાદ યુવતી એટલી બધી ડરી ગઈ હતી કે પોલીસે સતત ત્રણ કલાક તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેની ફરિયાદ નોંધી હતી. આ મામલે પોલીસે ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


