Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોલીસ અમારો એફઆઇઆર નોંધતી નથી અને હેરાન કરે છે

પોલીસ અમારો એફઆઇઆર નોંધતી નથી અને હેરાન કરે છે

30 March, 2023 10:57 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

આઇઆઇટીના કૅમ્પસમાં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા અમદાવાદના દર્શન સોલંકીના પિતાની ફરિયાદ

દર્શન સોલંકી પરિવાર સાથે

દર્શન સોલંકી પરિવાર સાથે


તેમનું કહેવું છે કે એસઆઇટીના અધિકારીઓ પણ એ લોકો કહે એ જ રીતે એફઆઇઆર લેવા દબાણ કરે છે, ડીસીપી સામે ઊભા હોવા છતાં કો-ઑપરેટ નથી કરતા અને જૉઇન્ટ સીપી પણ પ્રેશર કરે છે

આઇઆઇટી-બૉમ્બેના કૅમ્પસમાં શંકાસ્પદ મૃત્યુ પામેલા અમદાવાદના દર્શન સોલંકીના પિતા એ ઘટનામાં પહેલેથી શંકા દર્શાવી રહ્યા છે અને એ સંદર્ભે પવઈ પોલીસમાં તેમણે ૧૬ માર્ચે કરેલી ફરિયાદના આધારે દખલપાત્ર ગુનો લઈને એફઆઇઆર દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પવઈ પોલીસ તેમની એફઆઇઆર દાખલ કરી નથી રહી અને ઊલટું તેમને હેરાન કરી રહી છે એવી રજૂઆત કરતો પત્ર દર્શનના પિતા રમેશ સોલંકીએ ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈના પોલીસ કમિશનર સંજય ફણસળકરને આપ્યો છે અને કેસની તેમની ફરિયાદના આધારે એફઆઇઆર લઈને બિનપક્ષપાતી ઝડપી તપાસ કરવાની રજૂઆત કરી છે.  એ પત્રની કૉપી ‘મિડ-ડે’ પાસે છે જેમાં દર્શનના પિતા રમેશ સોલંકીએ સ્પષ્ટ કહ્યું છે કે પવઈ પોલીસ તેમને એમ કહીને એફઆઇઆર નથી લઈ રહી કે આ કેસની તપાસ એસઆઇટી કરી રહી છે એટલે તેઓ એફઆઇઆર ન લઈ શકે અને તેમણે અમારી ફરિયાદ એસઆઇટીને ફૉર્વર્ડ કરી છે. એ વખતે ત્યાં ડીસીપી મહેશ્વરી રેડ્ડી હાજર હતા છતાં તેમણે પણ અમને કાયદા મુજબ એ ફરિયાદનો એફઆઇઆર નોંધવામાં સહાય ન કરી અને એમ જ કહ્યું કે એ ફરિયાદ એસઆઇટીને આપવામાં આવે. અમે એ ફરિયાદ એસઆઇટીને પણ કરી હતી અને એસઆઇટીના સભ્ય ડીસીપી ઉપાધ્યાય અને એસીપી ભોસલેને મળ્યા હતા.


ડીસીપી ઉપાધ્યાયે પણ ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવામાં રસ નહોતો બતાવ્યો અને ઊલટાનું અમને કલાકો સુધી લેક્ચર આપતાં કહ્યું કે અમે એડીઆર મુજબ તપાસ કરી રહ્યા છીએ અને અમે પણ એફઆઇઆર ન કરીએ એ માટે સમજાવી દેવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. અમે બીજા દિવસે એસઆઇટીના વડા જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ લખમી ગૌતમને મળ્યા હતા અને તેમને પણ અમારી ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવા રજૂઆત કરી હતી, પરંતુ તેમણે પણ એ માટે ના પાડી દીધી હતી. આમ અનેક વાર વારંવાર વિનંતી અને રજૂઆત કરવા છતાં એઆઇઆર નોંધવામાં આવતો નથી. એટલું જ નહીં, અમે તેમને વિનંતી કરતો પત્ર આપ્યો એનું એક્નોલેજમેન્ટ આપવામાં પણ કલાકો સુધી રાહ જોવડાવી હતી.

એ પછી ૨૭ માર્ચે ફરી અમે ડીસીપીને સીઆઇડીની ઑફિસમાં જઈને મળ્યા હતા અને એફઆઇઆર કરવા રજૂઆત કરી હતી. સવારના ૯.૩૦ વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હતા ત્યારે બપોરના ૨.૩૦ વાગ્યે અમને મળવા દેવાયા હતા. એ પછી એસીપી ભોસલે અમને મળ્યા હતા અને ઑલરેડી અમને પૂછ્યા વગર જ પહેલેથી તૈયાર કરાયેલો એફઆઇઆર બતાવ્યો હતો. અમે જ્યારે એ એફઆઇઆર વાંચ્યો ત્યારે જણાઈ આવ્યું કે એમાં એવી બાબતોને હકીકત તરીકે દર્શાવાઈ હતી જેનો ઉલ્લેખ અમે અમારી ફરિયાદ કે સ્ટેટમેન્ટમાં કર્યો જ નહોતો. એથી અમે હકીકતોને જે રીતે દર્શાવાઈ હતી એ બાબતે વાંધો લીધો હતો. અમારી માગ એ હતી કે અમે અમારી ફરિયાદમાં જે કાસ્ટ ડિસ્ક્રિમિનેશનનો ઉલ્લેખ કર્યો હતો એના આધારે એફઆઇઆર લેવામાં આવે જેનો ભોગ અમારો દીકરો બન્યો હતો. અમારી ફરિયાદ મુજબ એફઆઇઆર લેવામાં આવે અને એમાં કોઈ ફેરાફર ન કરાય એવી અમે રજૂઆત કરી હતી. તેમણે અમારી વાત ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમણે જે રીતે એફઆઇઆર લખી છે એ જ રીતે એફઆઇઆર લેવાશે, નહીં તો નહીં લેવાય. અમે તેમને કહ્યું હતું કે હાલ શું ઇન્ક્વાયરી ચાલી રહી છે એ અમને ખબર નથી અને જે તપાસ બાકી છે એના વિશે જ્યારે કશું જાણતા ન હોઈએ ત્યારે એને કઈ રીતે સર્ટિફાઇ કરી શકીએ અને તેઓ જે લખે એ જ માનીએ એ કેવી રીતે બને? એથી અમે એનો ઇનકાર કર્યો હતો. ડીસીપી ઉપાધ્યાયે પણ આવીને એ જ એફઆઇઆર માટે અમને દબાણ કર્યું હતું. એ પછી જૉઇન્ટ કમિશનર પણ અમને ફોન કરીને એ જ એફઆઇઆર આપવા દબાણ કરતા હતા. અમે તેમને એ માટે ના પાડી અને અમારી ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવા કહેતાં તેમણે એ માટે ના પાડી દીધી હતી.


અમને જબરદસ્ત શૉક લાગ્યો છે. છેલ્લાં બે અઠવાડિયાંથી પોલીસ અધિકારીઓ અમારી ફરિયાદના આધારે એફઆઇઆર નોંધી નથી રહ્યા અને તે લોકો જે ધારે છે એના આધારે જ એફઆઇઆર નોંધવા દબાણ કરે છે. અમને ડર છે કે એસઆઇટી દર્શન જે કાસ્ટ ડિસ્ક્રિમિનેશનનો ભોગ બન્યો છે એને તપાસમાં સાઇડલાઇન કરી રહી છે. એ પછી મીડિયા દ્વારા પણ અમારા પર પ્રેશર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરને વિનંતી કરતાં તેમણે કહ્યું હતું કે આ બાબતને ગંભીરતાથી લઈને અમારી ફરિયાદ મુજબ એફઆઇઆર નોંધવામાં આવે અને એના આધારે સ્વતંત્રપણે અને કોઈ પણ પક્ષપાત વગર તપાસ કરવામાં આવે. અમને એસઆઇટી દ્વારા સતત તેઓ કહે છે એ જ પ્રમાણે એફઆઇઆર દાખલ કરવા દબાણ કરાઈ રહ્યું છે અને હેરાન કરાઈ રહ્યા છે. અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એ ઑફિસરો જે પ્રોસેસ મૅનિપ્યુલેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની સામે પગલાં લેવામાં આવે અને આ બાબતે વહેલી તકે ઝડપી તપાસ કરાય.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2023 10:57 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK