તેમણે કહ્યું કે અજિત પવાર એનસીપીના જ નેતા છે એવું હું નહીં, પણ સુપ્રિયા બોલી છે અને તે તેની નાની બહેન હોવાથી તેના આ સ્ટેટમેન્ટને રાજકીય રીતે લેવાની જરૂર નથી
અજિત પવાર અને શરદ પવાર
મુંબઈ : રાજ્યના ડેપ્યુટી સીએમ અને એનસીપીના જ નેતા એવા અજિત પવાર બારામતીની મુલાકાતે જવાના છે એને લીધે રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્રના રાજકારણના અઠંગ ખેલાડી અને મુત્સદ્દી નેતામાં જેમની ગણના થાય છે એ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વડા શરદ પવારે ગઈ કાલે ભત્રીજા અજિત પવાર માટે પક્ષના દરવાજા બંધ કરી દેતું વિધાન કરી બધાને ચોંકાવી દીધા હતા. ગઈ કાલે સાતારામાં તેમણે કહ્યું હતું કે ‘અમે તેને (અજિત પવારને) ૨૦૧૯માં દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાણ કર્યા બાદ પણ પક્ષને આગળ લઈ જવાની તક આપી હતી. જોકે હવે વધુ ચાન્સ મળવાની કોઈએ અપેક્ષા ન કરવી જોઈએ અને હવે અમે પણ આપીશું નહીં. એ વખતે જે બે નેતાઓએ સોગંદ લીધા હતા એમાં એક તે (અજિત પવાર) પણ હતા. અમે તેમને ભૂલ સુધારવાની તક આપી હતી.’
જોકે ૨૦૧૯ના પરોઢિયે લીધેલા સોગંદની સરકાર લાંબું ટકી નહીં. અજિત પવાર પક્ષમાં પાછા ફર્યા હતા અને મહાવિકાસ આઘાડીની સરકારમાં પણ ડેપ્યુટી સીએમ તરીકે રહ્યા હતા. એ પછી અઢી વર્ષે તેમણે પક્ષના આઠ વિધાનસભ્યોનો સાથ લઈને ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની સરકારમાં જોડાણ કરી લીધું અને ફરી ડેપ્યુટી સીએમ બની ગયા.
એ પછી તો શરદ પવાર અને અજિત પવાર કેટલાક પ્રસંગોએ મળ્યા પણ ખરા. એમ છતાં તેમના ઇરાદાઓ સ્પષ્ટ ન થતાં અનેક અટકળો ફેલાતી હતી. અજિત પવાર પક્ષના પ્રમુખની ધુરા શરદ પવાર તેમને સોંપે એ માટે પ્રયાસ કરી રહ્યા હોવા છતાં શરદ પવાર તેમને એ સોંપતા નથી અને અજિત પવાર પણ પોતાના જ ફિરકાને રાષ્ટ્રવાદી પક્ષ તરીકે જ સંબોધે છે. સામા પક્ષે શરદ પવારે જણાવી દીધું છે કે બીજેપી સાથે જોડાવાનો તેમનો કોઈ પ્લાન નથી અને એ માટે વિરોધ પક્ષ તરીકે ગણાવામાં પણ તેમને વાંધો નથી.
પીંપરી-ચિંચવડમાં પ્રચારસભામાં અજિત પવારને શરદ પવારના એ સ્ટેટમેન્ટ બદલ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એ વિશે કોઈ પણ કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે હું આ વિશે કંઈ પણ કહેવા માગતો નથી, હું જે કહું છું એ જ સાંભળો. અજિત પવારનું બારામતીમાં શનિવારે જાહેર સન્માન થવાનું છે. પક્ષમાંથી આઠ એમએલએ સાથે નીકળ્યા બાદ અજિત પવારની પક્ષના ગઢ ગણાતા બારામતીમાં પહેલી મુલાકાત છે. એ પછી રવિવારે તેઓ બીડમાં પક્ષની રૅલીને સંબોધવાના છે. થોડા વખત પહેલાં શરદ પવારે બીડમાં જ સભા સંબોધતાં અજિત પવારને બળવાખોર ગણાવ્યા હતા અને તેમને પાઠ ભણાવવામાં આવશે એમ સ્પષ્ટ કર્યું હતું.
ગઈ કાલે સવારે કોલ્હાપુર જતી વખતે સાતારા ખાતે રોકાયેલા શરદ પવારે બીજી એક સ્પષ્ટતા કરી હતી કે તેમના નામે એવું સ્ટેટમેન્ટ ચાલી રહ્યું છે કે અજિત પવાર એનસીપીના જ નેતા છે. તેમણે કહ્યું હતું કે ‘આ હું નહીં પણ સુપ્રિયા બોલી છે. વળી એ તેની (અજિત પવારની) નાની બહેન છે. તેણે આ કહ્યું છે, પણ જરૂરી નથી કે તેના આ સ્ટેટમેન્ટને રાજકીય સ્ટેટમેન્ટ ગણી લેવાય.’
પક્ષના ભાગલા પડવા બદલ તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો અલગ સ્ટૅન્ડ લે એનો મતલબ એ નથી થતો કે પક્ષના ભાગલા પડી ગયા.


