એક દિવસ પહેલાં જ મકાન ખાલી કરવાની નોટિસ અને બીજા જ દિવસે મકાન તૂટી પડ્યું
જર્જરિત મકાનમાં રહેતા કચ્છી દંપતીમાંથી પતિનું મોત, પત્ની ગંભીર
મુંબઈ: ડોમ્બિવલી-ઈસ્ટના આયરે ગામના દત્તનગરમાં આવેલું ૩ માળનું આદિનારાયણ બિલ્ડિંગ ગઈ કાલે તૂટી પડ્યું હતું. ઇમારત જર્જરિત થઈ ગઈ હોવાથી કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી)એ એના રહેવાસીઓને ગુરુવારે જ મકાન ખાલી કરી બીજે રહેવા જવા નોટિસ આપી હતી અને શુક્રવારે મકાન તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ૫૫ વર્ષના સનીલ લોડાયાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમનાં ૫૪ વર્ષનાં પત્ની દિપ્તી લોડાયાને ગંભીર હાલતમાં મમતા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.
કેડીએમસીએ આપેલી નોટિસને કારણે મોટા ભાગના રહેવાસીઓ મકાન ખાલી કરી ગયા હતા, જ્યારે કેટલાક પરિવારો હજી પણ એમાં જ રહેતા હતા. વળી ગઈ કાલે સવારે વરસાદ પણ હતો. મકાન ધસી રહ્યું છે એવું લાગતાં એ ખાલી કરવા કહેવાયું હતું અને ત્યારે જ મકાન તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડ્યાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને ટીડીઆરએફ (થાણે ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સ)ના જવાનો બચાવ કાર્ય માટે ધસી ગયા હતા. જોકે લોડાયા દંપતી એના કાટમાળ હેઠળ ફસાઈ ગયું હતું. ભારે જહેમત બાદ બન્નેને બહાર કાઢવામાં આવ્યાં હતાં.

