પતિના અવસાન પછી નાનાં બાળકોને પિતાનો છાંયો મળે એ માટે પોલીસની પત્ની જીવનસાથીની શોધમાં હતી, પણ છેતરાઈ ગઈ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કલ્યાણ-વેસ્ટના વસંત પાર્ક વિસ્તારમાં રહેતી મૃત પોલીસની ૩૭ વર્ષની પત્નીને લગ્નના ખોટા વાયદા કરીને ૧૫ લાખ રૂપિયા પડાવી જનાર રૂપેશ યશવંતરાવ ઉર્ફે અભય ગાયકવાડ સામે ગઈ કાલે ખડકપાડા પોલીસે ફરિયાદ નોંધી હતી. નાનાં બાળકોને પિતાનો છાંયો મળે એ હેતુથી મહિલાએ મૅટ્રિમોનિયલ સાઇટ પર પોતાનો બાયોડેટા પોસ્ટ કર્યો હતો. આ દરમ્યાન રૂપેશે મહિલાનો સંપર્ક કરીને ધીરે-ધીરે વિવિધ બહાનાં આપીને ૧૫ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ કરતાં આરોપી રૂપેશે મૅટ્રિમોનિયલ સાઇટ પર અલગ-અલગ નામે અકાઉન્ટ્સ બનાવીને મહિલાઓને છેતરી હોવાનું જાણવા મળ્યું છે.
ખડકપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અમરનાથ વાઘમોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ-ઇન્સ્પેક્ટરની પોસ્ટના એક અધિકારીનું ૨૦૨૧માં બીમારીને કારણે મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તેના બે પુત્રોની જવાબદારી તેની પત્નીએ ઉપાડી લીધી હતી. હાલમાં તેના બન્ને પુત્રો ખૂબ નાના હોવાથી ફરિયાદી મહિલાએ બાળકોને પિતાનો છાંયો મળે એ હેતુથી મૅટ્રિમોનિયલ સાઇટ પર પોતાનો બાયોડેટા પોસ્ટ કર્યો હતો. એના પરથી તેની અભય ગાયકવાડ સાથે મુલાકાત થઈ હતી. અભયે પોતાની કન્સ્ટ્રક્શન કંપની પુણેમાં હોવાની જાણકારી આપતાં બન્ને વચ્ચે લગ્નની વાતો આગળ વધી હતી. એ સમયે અભયે વિવિધ કારણો આપીને ૧૫ લાખ રૂપિયા મહિલા પાસેથી લીધા હતા અને થોડા સમયમાં પાછા આપશે એવો વાયદો કર્યા પછી પણ પૈસા પાછા આપ્યા નહોતા. એટલું જ નહીં, તેણે મહિલાના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. એના પરથી મહિલાને શંકા જતાં તેણે મૅટ્રિમોનિયલ સાઇટ પર પોતાનું ખોટું અકાઉન્ટ બનાવ્યું હતું. એના પર રૂપેશ નામના યુવાને રિક્વેસ્ટ મોકલી હતી. આ રિક્વેસ્ટની પ્રોફાઇલ પર અભયનો ફોટો હોવાથી તેની સાથે અભય ઉર્ફે રૂપેશે છેતરપિંડી કરી હોવાની ખાતરી થતાં તેણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું છે કે અભય ઉર્ફે રૂપેશ મહિલાઓને લગ્નનું ખોટું વચન આપીને પૈસા પડાવી લેવા માટે મૅટ્રિમોનિયલ સાઇટ પર વિવિધ અકાઉન્ટ બનાવતો હતો. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’


