Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વૉટ્સઍપ ગ્રુપ હોય તો આવું

વૉટ્સઍપ ગ્રુપ હોય તો આવું

Published : 20 April, 2026 07:16 AM | IST | Mumbai
Darshini Vashi

કચ્છના બિદડા ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના લોકો માટે બનેલા મેડિકલ સહાયના વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવાનો નિયમ છે કે...

વૉટ્સએપ ગ્રુપના અગ્રણીઓ

વૉટ્સએપ ગ્રુપના અગ્રણીઓ


અરજી આવે ત્યારે મિનિમમ ૨૫૦ રૂપિયાની મદદ કરવાની, મહિનામાં એક વખત કરવી પડે કે પાંચ વખત

આજે લગભગ દરેક સમાજ દ્વારા જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને મેડિકલ સહાય આપવામાં આવે છે. કોઈ સમાજ એની પાસે રહેલા ભંડોળમાંથી મેડિકલ સહાય કરે છે તો કોઈ સમાજ જ્ઞાતિના જ ડોનરનો સંપર્ક કરીને ફન્ડ આપે છે તો કોઈ સમાજ પોતાના વૉટ્સઍપ ગ્રુપ પર સહાયની અપીલ કરીને ભંડોળ એકઠું કરે છે. જોકે આજે આપણે એક એવા ગામના વૉટ્સઍપ ગ્રુપની વાત કરવાના છીએ જેમાં દરેક વ્યક્તિ દાન કરે છે અને એ પણ મહિનામાં એકાદ વખત નહીં પણ જ્યારે જરૂર પડે ત્યારે તેઓ આર્થિક સહાય આપવા રેડી હોય છે. સૌથી આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં આ વૉટ્સઍપ ગ્રુપ દ્વારા ગામના જરૂરિયાતમંદ લોકોને એક કરોડ રૂપિયા કરતાં પણ વધુની મેડિકલ સહાય કરવામાં આવી છે. આવા ભગીરથ કાર્ય માટે ગામના લોકો તો પ્રશંસાને પાત્ર છે જ, સાથે આવું વૉટ્સઍપ ગ્રુપ બનાવવાનો વિચાર કરનાર અને એ વિચારને અમલી બનાવનાર પણ એટલી જ પ્રશંસાને પાત્ર છે.



કેવી રીતે બન્યું ગ્રુપ


આશ્ચર્ય પમાડે એવા વૉટ્સઍપ ગ્રુપના પ્રેરક અને મેન્ટર શ્રી કચ્છી વીસા ઓસવાળ (ક.વી.ઓ.) સેવા સમાજના કમિટી મેમ્બર દિનેશ ગોગરી છે. તેમને આ પ્રકારનું ગ્રુપ બનાવવાનો વિચાર સૌથી પહેલાં આવ્યો હતો. એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું કચ્છના બિદડા ગામનો છું. બિદડા ગામના લોકો આજે મુંબઈ સહિત આખા ભારતમાં વસેલા છે. મેડિકલ ઇમર્જન્સી આવે ત્યારે લાખો રૂપિયા ક્યાં ખર્ચાઈ જાય છે એ ખબર પડતી નથી. જે લોકો સશક્ત છે તેઓ પૈસાની વ્યવસ્થા કરી લેતા હોય છે, પરંતુ જેમની પાસે સગવડ નથી તેમને પૈસા ભેગા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે એટલું જ નહીં, ઘણી વખત સમયસર પૈસાની વ્યવસ્થા ન થવાને લીધે ટ્રીટમેન્ટ પણ મોડી થાય છે જેને લીધે કેસ બગડી જાય છે. આવી સમસ્યાઓનો સામનો કરવાનો વારો અમારા ગામના લોકોનો ન આવે એ માટે મેં અમારા સમાજના બિદડા સોશ્યલ ફ્રેન્ડ્સ ગ્રુપ હેઠળ ‘ભાંઢરૂંએ કે હથ’ (એટલે કે આપણાં ભાઈબહેનોને હાથ આપવો અને સાથ આપવો) નામના વૉટ્સઍપ ગ્રુપની શરૂઆત આજથી ૧૦ વર્ષ પહેલાં કરી હતી. એને એક મેડિકલ ડોનેશન ગ્રુપ ગણાવી શકો છો. એ હેઠળ ભારતમાં કોઈ પણ ઠેકાણે વસતા ક.વી.ઓ. સમાજના અમારા ગામવાસીઓ જેઓ આર્થિક રીતે સધ્ધર નથી તેમને મેડિકલ ઇમર્જન્સી વખતે તાત્કાલિક ધોરણે નાણાકીય સહાય પહોંચાડીએ છીએ. કોઈને મેડિકલ ઇમર્જન્સી વખતે નાણાંની જરૂર પડે ત્યારે તેમને સરળતાથી મદદ મળી શકે એ ઉદ્દેશ સાથે એક અલગ મેડિકલ સહાય માટેના ગ્રુપનો વિચાર આવ્યો જેમાં માત્ર ને માત્ર મેડિકલ સહાય વિશે જ ચર્ચા થાય. એટલે મેં એક અલગ વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું. આ ગ્રુપમાં તેઓ જ જોડાઈ શકતા હતા જેઓ સહાયની રકમ આપવા તૈયાર હોય. જેવી કોઈ મેડિકલ સહાય માટેની અપીલ આવે કે તરત પોતાનો ફાળો આપે એવા જ લોકોને ગ્રુપમાં સામેલ કરવાની મંજૂરી આપી. ભલે તે મેડિકલ સહાય માટેની અરજી મહિનામાં એક વખત આવે કે પાંચ વખત, પણ આ ગ્રુપના સભ્યો ગમે એટલી વખત પોતાનું યોગદાન આપવા તૈયાર હોવા જોઈએ. આ શરત સાથે વૉટ્સઍપ ગ્રુપ શરૂ કર્યું હતું. યોગદાન આપનારને કોઈ પણ પ્રકારનો ભાર ન લાગે એ માટે અમે ૨૫૦ રૂપિયાની મિનિમમ રકમ નક્કી કરી હતી. મેડિકલ સહાયની અરજી આવે ત્યારે દરેક મેમ્બરે ૨૫૦ રૂપિયાની સહાય કરવી એ આ ગ્રુપનો નિયમ છે. ધીરે-ધીરે આ ગ્રુપમાં સભ્યો જોડાતા ગયા અને પછી ગ્રુપમાં સભ્યોની સંખ્યા ૧૦૦ થઈ ગઈ. એટલું જ નહીં, જેમ-જેમ આ ગ્રુપ વિશે લોકોને જાણકારી મળતી ગઈ એમ-એમ વધુ ને વધુ લોકો આ ગ્રુપમાં જોડાવા માટે અપીલ કરવા લાગ્યા. એને લીધે આજે અમે આવાં ટોટલ ૪ વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યાં છે અને આ સાથે એમાં સભ્યોની સંખ્યા ૪૦૦ જેટલી થઈ ગઈ છે.’

ગ્રુપના નિયમો


આ આખા કાર્યમાં પારદર્શકતા જળવાઈ રહે એ માટે અમે અમુક નિયમ બનાવ્યા છે એમ જણાવતાં દિનેશ ગોગરી આગળ કહે છે, ‘જે પણ વ્યક્તિ માટે મેડિકલ સહાયની અરજી આવે એટલે પહેલાં અમે એ અરજીની તપાસ કરીએ છીએ. ત્યાર બાદ તરત અમે એ અરજીને અમારા આ વૉટ્સઍપ ગ્રુપ પર મૂકી દઈએ છીએ. અકાઉન્ટ-નંબર અને અન્ય વિગતો પણ અમે અમારા આ ગ્રુપ પર મોકલી દઈએ છીએ જેથી ગ્રુપના ડોનર્સ રકમને સીધી જરૂ​રિયાતમંદ વ્યક્તિના ખાતામાં પહોંચાડી શકે. મેડિકલ સહાયની અરજી કર્યાના એક-બે દિવસની અંદર અરજીકર્તાના ખાતામાં ૨૫,૦૦૦ રૂપિયા પહોંચી જાય છે. જો તેની જરૂરિયાત વધારે હોય તો અમે ચારેચાર ગ્રુપમાં મેડિકલ સહાયની અરજી મોકલી દઈએ છીએ જેથી એક લાખ રૂપિયા સુધીની સહાય તેને પહોંચી શકે. અમુક રૅર કેસમાં જ્યારે ખૂબ જ જંગી મેડિકલ બિલ આવ્યું હોય તો અમારી પાસે અમુક એવા ડોનર્સ પણ છે જેઓ મદદ કરવા આગળ આવે છે. આગળ કહ્યું એમ અમારા ગામના લોકો દરેક ઠેકાણે ફેલાયેલા છે એટલે મેડિકલ સહાય લેવા માટે તેમણે ધક્કા ખાવા ન પડે તેમ જ મેડિકલ સારવાર પણ ઝડપથી આગળ વધી શકે એ માટે અમે રકમને ડાયરેકટ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દઈએ છીએ. આ પહેલાં વૉટ્સઍપ પર અમે તેને એક ફૉર્મ મોકલીએ છીએ. જેને મેડિકલ સહાયની જરૂર છે તેણે આ ફૉર્મ ભરવાનું રહે છે અને સાથે હૉસ્પિટલનું મેડિકલ બિલ પણ મોકલવાનું રહે છે. એની સાથે બૅન્કની ડીટેલ પણ તેણે મોકલવાની રહે છે. આ તમામ માહિતીને અમે અમારા વૉટ્સઍપ ગ્રુપ પર મૂકી દઈએ છીએ જેને વાંચીને અને ચેક કરીને સીધા તેમના ખાતામાં પૈસા મોકલી દઈએ છીએ. આ સિવાય કોઈ ઘરમાં એકનો એક યુવાન છોકરો જે જૉબ કરતો હોય અને તેનું અકાળે અવસાન થઈ ગયું હોય તો તેની વાઇફને અમે એક લાખ રૂપિયા ઑન ધ સ્પૉટ આપીએ છીએ જેથી તેનું ઘર ચાલતું રહે. અમે આ ગ્રુપમાં માત્ર મધ્યસ્થીનું કામ કરીએ છીએ. અમે પૈસા લેતા નથી કે નથી એને લાભાર્થીઓને ચૂકવવા જતા. બધું કામ વૉટ્સઍપ દ્વારા જ થતું હોય છે.’

 ટીમવર્ક
કોઈ પણ કાર્ય એકલા હાથે પાર પડતું નથી. આ વૉટ્સઍપ ગ્રુપનું સંચાલન કરવાની સાથે કો-ઑર્ડિનેશન સહિતનાં અન્ય કામ કરવા દિનેશભાઈ સાથે બીજા કાર્યકર્તાઓ પણ જોડાયેલા છે. એમાં હાર્દિક મારુ, મિતુલ ગોગરી, દીપેશ સાવલા, કેતકી પોલાડિયા, શૈલેષ મોતા, રમેશ છેડા, અતુલ છેડા અને દીપેશ છેડાનો સમાવેશ થાય છે. તેમના સહકાર અને વૉટ્સઍપ ગ્રુપના દાતાઓના યોગદાન દ્વારા આજ સુધીમાં એક કરોડ રૂપિયાથી પણ વધુ રકમની મેડિકલ સહાય એકઠી થઈ છે. આ સિવાય ભૂતકાળમાં જેમને મેડિકલ સહાય મળી હતી તેઓ હવે સમાજનું ઋણ અદા કરવા માટે ગ્રુપમાં જોડાઈ રહ્યા છે અને અન્ય જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 07:16 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK