કાંદિવલીમાં હિટ ઍન્ડ રન : ચાલતાં જઈ રહેલાં ગુજરાતી મહિલાને કારે અડફેટે લઈને પગ ભાંગી નાખ્યો
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડના ખૂણા પર પરમ ગોલ્ડ જ્વેલર્સ નજીક ૫૮ વર્ષનાં બીના શાહને અડફેટે લઈ નાસી જનાર મહિલા કાર-ડ્રાઇવર સામે કાંદિવલી પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધી છે. બીનાબેન પતિ યોગેશ શાહ સાથે મોદીનગરમાં આવેલા મામાના ઘરે મંગળવારે સાંજે ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે ફોન પર વાત કરતાં કાર ચલાવતી મહિલા કાર-ડ્રાઇવરે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બીનાબેનના પગમાં ત્રણ ફ્રૅક્ચર આવ્યાં છે અને પરિવારનો મોટો ખર્ચ ઇલાજ પાછળ થયો હતો. આ કેસમાં પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નાં ફુટેજના આધારે મહિલાની શોધ હાથ ધરી છે.
બીનાબેનના પતિ યોગેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે ૭.૪૦ વાગ્યે હું અને મારી પત્ની બીના મામાના ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
કાર-ડ્રાઇવર મહિલા ફોન પર વાત કરી રહી હતી અને તેણે અચાનક વળાંક લઈને મારી પત્નીને અડફેટે લીધી હતી જેના કારણે બીના જમીન પર પછડાઈ હતી. મેં તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પગમાં ગંભીર ઈજા હોવાથી તે ઊભી પણ થઈ શકતી નહોતી. મેં
મહિલા-ડ્રાઇવર સાથે વાત કરવાનો અને કારનો નંબર જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અમને કોઈ પણ પ્રકારની મેડિકલ મદદ કર્યા વિના કે પોલીસને જાણ કર્યા વગર સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગઈ હતી. ત્યાર બાદ એક રાહદારીની મદદથી બીનાને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં એક્સ-રે રિપોર્ટમાં તેના ડાબા પગમાં ત્રણ ફ્રૅક્ચર થયાં હોવાનું સામે આવ્યું હતું.’
કાંદિવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે અકસ્માત કરી નાસી ગયેલી મહિલાની શોધ ચલાવી રહ્યા છીઅે જેના માટે ઘટનાસ્થળ નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે.’
