૨૦ જિલ્લાઓમાં ૧૬૦૦થી વધુ કાર્યકરોએ રૅલીઓ દ્વારા રાજ્યભરમાં વ્યાપક ઝુંબેશ પછી સરકારને અપીલ કરી
પ્રતીકાત્મક તસવીર
હિન્દુ જનજાગૃતિ સમિતિ દ્વારા ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારને લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો લાવવા વિનંતી કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યભરમાં એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ૨૦ જિલ્લાઓના ૧૬૦થી વધુ હિન્દુ સંગઠનો જોડાયાં હતાં. એક પદાધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ૧૬૦૦થી વધુ કાર્યકરો અને નાગરિકોએ મળીને મુંબઈ, જલગાંવ, ધુળે, છત્રપતિ સંભાજીનગર, જાલના, અહિલ્યાનગર, અકોલા, અમરાવતી, ચંદ્રપુર, નાગપુર, સાતારા, પુણે, સોલાપુર, નાશિક, રત્નાગિરિ અને સિંધુદુર્ગ એમ રાજ્યભરમાં ઠેર-ઠેર રૅલીઓ, જાહેર સભાઓ યોજી હતી. એ પછી જિલ્લા-કલેક્ટરો, તાલુકા લેવલના ઑફિસર, જનપ્રતિનિધિઓ, રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને ગૃહ વિભાગને માગણી સાથેનાં મેમોરેન્ડમ સોંપવામાં આવ્યાં હતાં.
હિન્દુ સંગઠનોએ એવી રજૂઆત કરી હતી કે મહારાષ્ટ્રમાં પણ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, આસામ અને ઉત્તરાખંડ વગેરે રાજ્યોની જેમ લવ જેહાદ સામે કડક કાયદો બનાવવામાં આવે.
ADVERTISEMENT
શું છે હિન્દુ સંગઠનોની મુખ્ય માગણીઓ?
મહારાષ્ટ્રમાં બળજબરીથી ધર્માંતરણને રોકવા માટે મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો અમલમાં મૂકવો.
કાયદામાં આજીવન કેદ અને બિન-જામીનપાત્ર ગુના જેવી કડક જોગવાઈઓ કરવી.
ફરિયાદ નોંધાવવાનો અધિકાર પીડિત ઉપરાંત કોઈ પણ નાગરિકને આપવો.
લવ જેહાદના ગુના રોકવા સ્પેશ્યલ પોલીસ યુનિટ ફાળવવું.


