BJPના ઉમેદવારના નૉમિનેશનને રિજેક્ટ કરવાના રિટર્નિંગ ઑફિસરના આદેશને કોર્ટે ગેરકાયદે અને મનસ્વી ગણાવ્યો
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વાશીમાં આવેલા વૉર્ડ ૧૭Aમાં યોજાનારી ચૂંટણી અને BJPના ઉમેદવારના નૉમિનેશનને રિજેક્ટ કરવાના રિટર્નિંગ ઑફિસરના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીલેશ ભોજનેનું નૉમિનેશન ફૉર્મ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટની કલમ ૧૦(૧D) હેઠળ રિટર્નિંગ ઑફિસરે નામંજૂર કર્યું હતું. નીલેશ ભોજનેની પ્રૉપર્ટી પર ગેરકાયદે બાંધકામ થયું હોવાનું કારણ રિટર્નિંગ ઑફિસરે આગળ ધર્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની બેન્ચે જણાવ્યું હતું કે રિટર્નિંગ ઑફિસરે નીલેશ ભોજનેના નૉમિનેશન ફૉર્મને નકારીને પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદે અને મનસ્વી રીતે સત્તાનો ઉપયોગ કર્યો છે.
રાજ્ય ચૂંટણીપંચ, કમિશનર, નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, મુખ્ય ચૂંટણી-અધિકારી અને ચૂંટણી રિટર્નિંગ અધિકારીમાંથી કોઈ પણ નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉર્ડ-નંબર ૧૭A માટે કાઉન્સિલરની બેઠક પર ચૂંટણી બાબતે આગળ વધશે નહીં એમ હાઈ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ કેસમાં કોર્ટ શુક્રવારે આગળની સુનાવણી કરશે.
૩૧ ડિસેમ્બરે નીલેશ ભોજનેએ રિટર્નિંગ અધિકારીના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આ કલમ ફક્ત વર્તમાન કાઉન્સિલરને લાગુ પડે છે, ઉમેદવારને નહીં.
અંતિમ મતદારયાદી અને મતદાનમથકો BMCની ચૂંટણી માટે તૈયાર
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે ફોટોગ્રાફ્સ સહિતની અંતિમ મતદારયાદી તૈયાર થઈ ગઈ છે. આ ઉપરાંત મતદાનમથકોને પણ અંતિમ ઓપ અપાઈ ગયો હોવાનું ચૂંટણી-અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. ૧૫ જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી અગાઉ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. અશ્વિની જોશીની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરો, સહાયક કમિશનરો અને ચૂંટણી-અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણીપંચ અને BMCની વેબસાઇટ પર ઉમેદવારોની ઍફિડેવિટ રજૂ કરવાનું, ઉમેદવારોના પ્રતિનિધિઓની નિમણૂક, ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ની ચકાસણી અને કમિશનિંગ, મતગણતરીની પ્રક્રિયાઓ, ઉમેદવારો અને રાજકીય પક્ષો સાથે બેઠકો જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
૧૫ જાન્યુઆરીએ મતદાનને પ્રોત્સાહન આપવા રજા જાહેર
રાજ્યમાં ૧૫ જાન્યુઆરીએ ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણી યોજાશે. એ દિવસે મોટી સંખ્યામાં નાગરિકો મતદાન કરી શકે એ માટે તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં જાહેર રજા આપવામાં આવી છે. મુંબઈ સહિત રાજ્યનાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં કામદારો, કર્મચારીઓ અને સરકારી તથા અર્ધસરકારી સ્થળોએ કામ કરતા લોકોને મતદાનના દિવસે રજા આપવામાં આવી છે. આ બાબતનો પરિપત્ર રાજ્યના તમામ વિભાગોની સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, કૉર્પોરેશનો, બોર્ડ વગેરેને મોકલવામાં આવ્યો છે. આ રજા ૨૦૨૬ની કુલ ૨૪ જાહેર રજાઓ ઉપરાંત વધારાની રજા ગણવામાં આવશે. બૅન્કમાં રજા અંગે હજી સુધી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી.


