Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીરામ નામ ગુજરાતીઓને વહાલું રે વહાલું; રામસેવક છે ગુજરાતીઓ

શ્રીરામ નામ ગુજરાતીઓને વહાલું રે વહાલું; રામસેવક છે ગુજરાતીઓ

19 January, 2021 08:07 AM IST | Mumbai
Prakash Bambhrolia

શ્રીરામ નામ ગુજરાતીઓને વહાલું રે વહાલું; રામસેવક છે ગુજરાતીઓ

અમદાવાદમાં વીએચપીની ઑફિસમાં આયોજિત કાર્યક્રમમાં ચેક અર્પણ કરી રહેલા ગોવિંદભાઈ ધોળકિયા અને મહેશ કબૂતરવાલા.

અમદાવાદમાં વીએચપીની ઑફિસમાં આયોજિત કાર્યક્રમમાં ચેક અર્પણ કરી રહેલા ગોવિંદભાઈ ધોળકિયા અને મહેશ કબૂતરવાલા.


અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભગવાન રામના મંદિરનું પુનર્નિર્માણ કરવા માટે ૧૫ જાન્યુઆરીથી ૪૨ દિવસ ભંડોળ એકઠું કરવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેશભરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પહેલા ચાર દિવસમાં ૧૦૦ કરોડથી વધારે રકમ જમા થઈ ગઈ છે એમાં મહત્ત્વની વાત એ છે કે આમાંથી ૩૬ કરોડથી પણ વધારે રૂપિયાનું ડોનેશન ગુજરાતીઓએ કર્યું છે. રામકથાકાર મોરારિબાપુની ટહેલથી સૌથી વધુ ૧૮.૬૧ કરોડ, સુરતના ડાયમન્ડકિંગ ગોવિંદભાઈ ધોળકિયા-પરિવારે ૧૧ કરોડ, સુરતના જ કેમિકલના બિઝનેસમૅન મહેશ કબૂતરવાળાએ પાંચ કરોડ, સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસમૅન લવજી બાદશાહે ૧ કરોડ રૂપિયા અને મુંબઈના બિલ્ડર પરાગ શાહે ૧ કરોડ રૂપિયાનું દાન અત્યાર સુધી નોંધાવ્યું છે. આ કુલ ડોનેશન ૩૬ કરોડ રૂપિયા થાય છે. એ સિવાય અસંખ્ય ગુજરાતીઓએ ૫૧ લાખથી ૧૧ લાખ રૂપિયાનું દાન નોંધાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

રામકથાકાર મોરારિબાપુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦ની પાંચમી ઑગસ્ટે અયોધ્યામાં રામમંદિરના પુનર્નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું ત્યારે પોતાના અનુયાયીઓ સાથે તમામને છૂટા હાથે દાન કરવાની ટહેલ કરી હતી એથી અત્યાર સુધી તેમના માધ્યમથી ૧૧ કરોડ રૂપિયા ટ્રસ્ટમાં આવી ગયા છે અને બાકીના પૈસા વિદેશથી આવવાના હોવાથી બહુ જ જલદી એ પણ જમા થઈ જવાની શક્યતા છે. જોકે કોઈ એક સિંગલ વ્યક્તિએ સૌથી વધુ અનુદાન આપ્યું હોય તો એ છે ૧૧ કરોડ રૂપિયા. સુરતના ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના પરિવાર વતી ૧૫ જાન્યુઆરીએ અમદાવાદમાં શ્રીરામ મંદિર નિધિ સમર્પણ સમિતિ-ગુજરાત દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ની ઑફિસમાં આયોજિત કાર્યક્રમમાં ૧૧ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.



રામને પોતાના જ નહીં, સમસ્ત સમાજના ઈષ્ટદેવ માનતા ગોવિંદભાઈ આ યોગદાનને દાન નહીં, પણ સમર્પણ માને છે. સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાનકડા એવા દુધાળા ગામના ધોળકિયા-પરિવાર દ્વારા કાયમ કંઈક નવું, જુદું કે બેસ્ટ આપવાની પહેલ કરાય છે.


શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (એસઆરકે)ના નામથી ડાયમન્ડ જગતમાં જાણીતી કંપનીના સ્થાપક ગોવિંદભાઈ ધોળકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાગવત કથાકાર ડોંગરેજી મહારાજ કહેતા કે કોઈ પણ વ્યવસાય કરતી વખતે જે કમાણી થાય એમાંથી એક ભાગ ભગવાનનો અલગ રાખવો. જે રકમ એકઠી થાય એનો ઉપયોગ કલ્યાણમાં કરવો. ૫૦ વર્ષ પહેલાં અમે એસઆરકે કંપની શરૂ કરી ત્યારે ડોંગરેજી મહારાજ પાસે ગયા હતા. તેમણે કંપની ભગવાનના નામે રાખવાનું સૂચન કર્યું હતું. રામ અને કૃષ્ણ બન્ને આપણા ઈષ્ટદેવ. બન્નેનાં નામ રાખીએ તો નામ મોટું થાય તેમ જ ઈષ્ટદેવની સાથે લક્ષ્મી હોય તો સફળતા મળે એટલે અમે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (એસઆરકે) નામ ફાઇનલ કર્યું હતું.’

અયોધ્યાના ફરીથી નિર્માણ થઈ રહેલા ભગવાન રામના મંદિરમાં ૧૧ કરોડ દાન આપવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીના સ્થાપક ગોવિંદભાઈએ કહ્યું કે ‘૫૦૦ વર્ષ બાદ આપણી ભારતીય સંસ્કૃતિ ઊભી કરનારા રામનું ઘર બની રહ્યું છે ત્યારે આપણી હયાતી છે એ સૌથી મોટી વાત ગણાય. ઈશ્વરે આગામી પેઢીઓ રામ અને તેમણે આપેલી સંસ્કૃતિ યાદ રાખી શકે એ માટે કેટલું યોગદાન આપવું જોઈએ એ માટે પરિવાર સાથે ચર્ચા કરી હતી. સૌએ પાંચ, સાત નહીં, પણ ૧૧ કરોડનો આંકડો નક્કી કર્યો હતો. સામાન્ય રીતે અમે યોગદાન ચૂપચાપ આપી દઈએ છીએ, પરંતુ મંદિર પુન: નિર્માણ માટે ફન્ડ એકત્રિત કરવા વિશ્વ હિન્દુ પરિષદે અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું એટલે હું ત્યાં ગયો હતો અને ચેક અર્પણ કર્યો હતો. કદાચ અમારા આ સમર્પણથી મંદિરનિર્માણ માટે બીજાઓને પણ પ્રેરણા મળશે.’


ઉલ્લેખનીય છે કે ગોવિંદભાઈએ સુરતમાં બનેલી કિરણ હૉસ્પિટલમાં ૧૮ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

બે દિવસમાં ૧૦૦ કરોડ

૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું ડોનેશન પ્રાપ્ત થયું હોવા બાબતે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રેઝરર ગોવિંદ દેવગિરિએ માહિતી આપી હતી કે દેશભરમાં કેટલું દાન આવ્યું છે એનો ચોક્કસ આંકડો હજી સુધી અમારી પાસે આવ્યો નથી, પરંતુ કાર્યકરોએ આપેલી માહિતીના આધારે પહેલા બે દિવસમાં ૧૦૦ કરોડથી વધુ ડોનેશન મળ્યું છે. ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધીના ૪૨ દિવસમાં ૧૧ કરોડ પરિવાર અને ૫૫ કરોડ લોકોનો સંપર્ક કરીને ફન્ડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2021 08:07 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK