Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી કાવ્ય વિશ્વમાં પાનખર બેઠી! કવિ અનિલ જોશીનું નિધન

ગુજરાતી કાવ્ય વિશ્વમાં પાનખર બેઠી! કવિ અનિલ જોશીનું નિધન

Published : 26 February, 2025 11:09 AM | Modified : 27 February, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દીકરા સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટ દ્વારા આપ્યા છે. તેમણે લખ્યું કે "પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે."

કવિ અનિલ જોશીની તસવીરોનો કૉલાજ

કવિ અનિલ જોશીની તસવીરોનો કૉલાજ


અનિલ રમાનાથ જોશીનો જન્મ ૨૮ જુલાઇ ૧૯૪૦ના રોજ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. તેઓ ગુજરાતી નિબંધકાર અને કવિ છે. 

આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે પોતાનું પુષ્કળ યોગદાન આપ્યું છે. જેમાં તેમણે ગીત, મુક્ત પદો, ગઝલ, નિબંધ જેવા સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. તેમના નોંધપાત્ર સર્જનની વાત કરીએ તો કદાચ (૧૯૭૦), બરફના પંખી (૧૯૮૧), સ્ટેચ્યુ (૧૯૮૮)નો ઉલ્લેખ ખાસ કરવો ઘટે. 



કવિ અને નિબંધકાર અનિલ જોશીએ ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ ૧૯૭૧થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે ૧૯૭૭થી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી  હતી.


‘કદાચ’ (1970) અને ‘બરફનાં પંખી’ (1981) એમના કાવ્યસંગ્રહો છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્ત્વનું સ્થાન રહ્યું. 1960 પછી કવિતામાં આધુનિક વલણો દેખાયાં અને વિસ્તર્યાં ત્યારે ગીતને પણ આધુનિકતાનો સ્પર્શ થયો. ગુજરાતી ગીતમાં આધુનિકતાનો એવો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં પમાયો. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક વગેરેમાંથી મુક્ત કર્યું. મર્યાદિત ભાવ-અર્થબોધના પ્રણાલિકાગત સંદર્ભોમાંથી પણ અનિલ જોશીને હાથે ગીત મુક્તિ પામે છે. ગીતમાં એમણે નવતર અને સાંપ્રત જીવનસંદર્ભોને નવા ભાવાર્થસાહચર્યોથી રજૂ કર્યા, અપરિચિત શબ્દસાહચર્યો વડે ગીતમાં નવું વાતાવરણ તથા અરૂઢ મિજાજ એ લઈ આવ્યા. તળપદા ભાવો, શબ્દો, તળપદા લય વગેરે પ્રયોજવા સાથે એમણે ગીતમાં શિષ્ટ અભિવ્યક્તિ પણ સિદ્ધ કરી. દીર્ઘલયનાં ગીતો પણ એમનો વિશેષ રહ્યો છે. પ્રેમસંવેદન ઉપરાંત યંત્રચેતનાગત ભાવસ્પંદનો પણ એમની કવિતામાં ધ્યાન ખેંચે છે. ખાસ તો લયબદ્ધ અને અછાંદસ કવિતામાં નાગરી ચેતનાનો અનુભવ થાય છે. એમની અછાંદસ કવિતા વ્યંગ, કાકુ વગેરેથી પણ સ્પર્શ્ય બનેલી છે. ગઝલ એમને ખાસ સદી નથી. ‘બરફનાં પંખી’ને જયન્ત પાઠક પારિતોષિક મળ્યું છે. ‘રંગ સંગ કિરતાર’ (2005)માં એમનાં ચિંતનાત્મક લખાણો છે. ‘અનિલ જોશીની કેટલીક વાર્તાઓ’ એમનું વાર્તા સંપાદનનું પુસ્તક છે. - મણિલાલ હ. પટેલ

 


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)

માંદગીને કારણે હૉસ્પિટલમાં રહ્યા બાદ હૉસ્પિટલમાંથી ઘરે આવ્યાના અમુક દિવસોમાં તેમનું મુંબઈમાં નિધન થયું. કવિના નિધનના સમાચાર તેમના દીકરા સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટ દ્વારા આપ્યા છે. તેમણે લખ્યું કે "પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે." આ સિવાય તેમણે ડૉક્ટર્સ અને નર્સનો આભાર માન્યો છે.

તેમના દીકરાએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર અનેક સાહિત્યકારો, સાહિત્યરસિકોએ દુઃખ વ્યક્ત કરી કવિ અનિલ જોશીને શ્રદ્ધાંજલિ આપી છે. આજે એટલે કે 26 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે તેમના નિધન બાદ તેમની અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યા તેમના ગોરેગાંવ પૂર્વ સ્થિત તેમના નિવાસસ્થાનેથી કાઢવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK