શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજન પતિ-પત્નીમાં સમાધાન સંબંધે બન્ને પક્ષ સાથે બેઠક કરવાની તૈયારીમાં હતું
ચેતન ગાલાના પત્ની અરુણાબહેન
સાઉથ મુંબઈ ગ્રાન્ટ રોડના ૭૦ વર્ષ જૂના પાર્વતી મૅન્શન બિલ્ડિંગમાં શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે બનેલી ટ્રિપલ મર્ડર કેસની ઘટનાનો આરોપી ચેતન ગાલા તેની પત્ની અને તેનાં બાળકો તેનો સાથ છોડીને બાજુમાં આવેલા પન્નાલાલ ટેરેસમાં જતાં રહ્યાં એ પછી એકલો રહીને કંટાળી ગયો હતો. તેને ગમે એવી રીતે તેની પત્ની અને બાળકોની સાથે જીવન ગુજારવું હતું, પરંતુ તેની પત્ની અરુણાબહેન અને તેનાં બાળકો ચેતન ગાલાના ઉશ્કેરાટભર્યા સ્વભાવને કારણે તેની સાથે રહેવા આવવા તૈયાર નહોતાં. આથી ચેતન ગાલાએ ફેબ્રુઆરી મહિનામાં શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનમાં તેની પત્ની અને પરિવાર સાથે સમાધાન કરાવી આપવા માટે વિનંતી કરતી એક અરજી આપી હતી. જોકે સમાજ તેની અરજી મળ્યા પછી બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે કાઉન્સેલિંગ કરે એ પહેલાં જ શુક્રવાર ૨૪ માર્ચે ચેતન ગાલાએ પાર્વતી મૅન્શનમાં કાળો કેર વર્તાવી દીધો હતો.
આ બાબતે સમાજના મંત્રી અરવિંદ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘણાં વર્ષોથી અમારા પરિવારોમાં કોઈ પણ ખટરાગ હોય તો એને ઉકેલવા માટે પૂરતા પ્રયાસ કરીએ છીએ અને અમને એમાં સફળતા પણ મળે છે. જોકે ચેતન ગાલાના કેસમાં અમને ફેબ્રુઆરી મહિનામાં ચેતન ગાલાની અરજી મળી હતી, જેમાં તેણે પત્ની અને પરિવાર સાથે અણબનાવ બનવાથી તેને પરિવાર અને પત્નીથી એકલા રહેવું પડે છે એની જાણકારી આપીને સમાજને તેની પત્ની અરુણાબહેન અને તેનાં સંતાનો સાથે સમાધાન કરી આપવા માટે વિનંતી કરી હતી. અમને આ અરજી મળ્યા પછી જ્યારે ચેતન ગાલા સાથે વાતચીત કરી ત્યારે તેણે અમને ગિરગામમાં આવેલા રાજા રામમોહન રૉય રોડ પર તેની મૅચિંગ પૅલેસ દુકાનમાં પહેલાં રીડેવલપમેન્ટને કારણે અને ત્યાર પછી કોવિડના કારણે કેવા ચડાવ-ઉતાર આવી ગયા એ વિશે કહ્યું હતું કે ત્યાર પછી ઑલમોસ્ટ અમારી કોવિડ પહેલાં જે લાખો રૂપિયાની આવક હતી એ ઝીરો થઈ ગઈ હતી. ત્યાર પછી આવકમાં ઘટાડો થતાં તેની પત્ની અને સંતાનો સાથે તેના કંકાસની શરૂઆત થઈ હતી, જેને કારણે તેઓ પાર્વતી મૅન્શન છોડીને બાજુના પન્નાલાલ ટેરેસમાં પોતાની મમ્મી સાથે રહેવા જતાં રહ્યાં હતાં. તેની અનેક વાર વિનંતી કરવા છતાં તેનો પરિવાર પાછો ફરતો નહોતો. આથી સમાજ મધ્યસ્થી કરીને ફરીથી તેનો પરિવાર તેને અપનાવે એવું સમાધાન કરાવી આપે એમ ચેતને જણાવ્યું હતું.’
ADVERTISEMENT
આ માહિતી આપતાં અરવિંદ સાવલાએ કહ્યું હતું કે ‘આ સંબંધીએ બન્ને વચ્ચેના ખટરાગનાં કારણો આપ્યાં હતાં, જે સાંભળીને અમે ચેતન ગાલા અને અરુણાબહેન સાથે કાઉન્સેલિંગ મીટિંગ કરવાના હતા. જોકે અમે આ મહિનામાં બન્ને પક્ષને બોલાવીને તેમની સાથે મીટિંગ કરીએ એ પહેલાં જ ચેતન ગાલાએ તેના જ પાડોશીની કરેલી હત્યાના સમાચાર મળ્યા હતા અને અમે બીજી મીટિંગ કરી શક્યા નહોતા.’


