પપ્પા પાસેથી ભાડા માટે પૈસા લઈ આવું કહીને યુવકે રિક્ષા ઊભી રખાવી, વૉચમૅનને કહ્યું કે બિલ્ડિંગમાં કોઈનું કામ છે
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-ઈસ્ટમાં એક યુવકે અજાણ્યા બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ બન્યો છે. રિક્ષામાં અજાણ્યા બિલ્ડિંગ પાસે આવીને યુવકે રિક્ષાડ્રાઇવરને કહ્યું કે પપ્પા પાસેથી રિક્ષાભાડાના પૈસા લઈને આવું છું અને બિલ્ડિંગના વૉચમૅનને કહ્યું કે બિલ્ડિંગમાં કોઈનું કામ છે. બન્નેને ભ્રમમાં રાખીને બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવીને વીસથી પચીસ વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી.
આરે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ‘મંગળવારે સવારે વીસથી પચીસ વર્ષનો એક યુવક રિક્ષામાં બેસીને એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આવ્યો હતો. તેણે રિક્ષાડ્રાઇવરને કહ્યું કે મારે રિક્ષા માટે પપ્પા પાસેથી પૈસા લેવા પડશે, હું થોડી જ વારમાં પૈસા લઈને આવું છું. ત્યાર બાદ તે યુવક બિલ્ડિંગમાં ગયો હતો અને વૉચમૅને પૂછપરછ કરતાં તેણે બિલ્ડિંગમાં કોઈને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. વૉચમૅનને આવું કહીને યુવકે બિલ્ડિંગની ટેરેસ પર જઈને નીચે ઝંપલાવી દીધું હતું.’
ADVERTISEMENT
આ બનાવની જાણ થતાં આરે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને યુવકની બૉડી તાબામાં લીધી હતી. યુવકની ઓળખ તેમ જ બનાવની વધુ વિગત મેળવવા માટે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે.
આઇ લવ યુ કહેવું એ જાતીય સતામણી ન ગણાય : બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે જાતીય સતામણીના કેસની સુનાવણી દરમ્યાન તાજેતરમાં નોંધ્યું હતું કે ‘આઇ લવ યુ’ કહેવું એ લાગણી દર્શાવવાનું માધ્યમ છે, એને જાતીય સતામણી ન ગણી શકાય. આ કેસના આરોપીએ એક સગીરાનો હાથ પકડીને તેને ‘આઇ લવ યુ’ કહ્યું હતું જેને માટે તેને ત્રણ વર્ષની સજા થઈ હતી. કોર્ટે આ કૃત્ય જાતીય સતામણી કે તેના ઇરાદાથી કરેલું કૃત્ય ન હોવાનું કહીને તેની સજા રદ કરી હતી.
નાગપુરમાં ૧૭ વર્ષની યુવતી સાથે છેડતીના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે નોંધ્યું હતું કે કોઈ પણ જાતની જાતીય સતામણી એટલે કે અયોગ્ય રીતે થતાં અડપલાં, બળજબરીપૂર્વક કપડાં ઉતારવાં, અભદ્ર વર્તન જેવાં કૃત્યો જે મહિલાની મર્યાદાનો ભંગ કરે એ ગુનો ગણાય; પણ ‘આઇ લવ યુ’ કહ્યું એ ઇરાદાપૂર્વક જ કહ્યું હોય એ જરૂરી નથી.
નાગપુરમાં ૧૭ વર્ષની કિશોરી સ્કૂલથી ઘરે જતી હતી ત્યારે ૩૫ વર્ષના એક આરોપીએ તેનો હાથ પકડીને તેને આઇ લવ યુ કહ્યું હતું. ત્યાર બાદ કિશોરીના પિતાએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી અને નાગપુરની સેશન્સ કોર્ટે આને જાતીય સતામણી ગણીને આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
થાણેમાં કેમિકલ ભરેલા ટૅન્કરના અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો
સોમવારે મોડી રાતે ગુજરાતથી ડોમ્બિવલી જતા એક કેમિકલ ભરેલા ટૅન્કરનો અકસ્માત થયો હતો. ટૅન્કરની કૅબિનમાં ડ્રાઇવર ફસાઈ ગયો હતો, જેને ફાયર-બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. અક્સ્માત અને બચાવકાર્યને પગલે આ માર્ગ પરનો વાહનવ્યવહાર અમુક સમય માટે ખોરવાયો હતો.
કલ્યાણ ફાટા માર્ગ પર સોમવારે મોડી રાતે ૧.૪૨ વાગ્યે પેઇન્ટ, પૉલિમર્સ બનાવવામાં વપરાતું ઍનિલાઇન ભરેલું ટૅન્કર ડોમ્બિવલી તરફ જઈ રહ્યું હતું. દરમ્યાન ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટૅન્કર આગળ જતાં એક વાહન સાથે અથડાઈ ગયું હતું. ટૅન્કરની કૅબિનના ભાગને નુકસાન થવાને કારણે ડ્રાઇવર કૅબિનમાં જ ફસાઈ ગયો હતો. તેને કાઢવા માટે ફાયર-બ્રિગેડની મદદ લેવી પડી હતી તેમ જ ટૅન્કરને રસ્તા પરથી હટાવવા માટે પણ ૩૦ મિનિટ જેટલો સમય લાગ્યો હતો. સદ્નસીબે ટૅન્કરમાંથી કેમિકલ લીક થયું નહોતું. એથી ટૅન્કર હટતાં જ ટ્રાફિક ધીમી ગતિએ શરૂ થઈ ગયો હતો એમ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું.
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા ૩ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૧૬ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૯૦

