ગોરેગામના ઑબેરૉય મૉલના સિક્યૉરિટી ગાર્ડે રાજ ઠાકરેના પક્ષની ટોપી અને ટી-શર્ટ પહેરીને ગયેલા યુવકને રોકતાં વિવાદ થયો : એનો વિરોધ કરાતાં ગાર્ડે બાદમાં માફી માગી

ઑબેરૉય મૉલમાં પ્રવેશ બાબતે એમએનએસના કાર્યકરોને સિક્યૉરિટી ટીમે લેખિતમાં આશ્વાસન આપ્યું હતું.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને અડીને ગોરેગામમાં આવેલા ઑબેરૉય મૉલમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના સિમ્બૉલવાળી ટોપી અને ટી-શર્ટ પહેરીને મૉલમાં પ્રવેશી રહેલા એક યુવકને મૉલના સિક્યૉરિટી ગાર્ડે રોક્યો હતો. રાજકીય પક્ષના સિમ્બૉલ સાથે મૉલમાં પ્રવેશવાની બંધી કરવામાં આવી હોવાનું સિક્યૉરિટી ગાર્ડે કહેતાં એમએનએસના કાર્યકરો મૉલમાં પહોંચી ગયા હતા અને આ બાબતનો વિરોધ કર્યો હતો. વિરોધને પગલે સિક્યૉરિટી ગાર્ડે માફી માગતાં મામલો થાળે પડ્યો હતો.
એમએનએસનો એક કાર્યકર સોમવારે ઑબેરૉય મૉલમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે અહીંના સિક્યૉરિટી ગાર્ડે તેને રોક્યો હતો. રાજકીય પક્ષના સિમ્બૉલવાળાં કપડાં અને ટોપી પહેરીને પ્રવેશવાની બંધી હોવાનું ગાર્ડે કહેતાં કાર્યકરે એમએનએસના દિંડોશી વિધાનસભા વિભાગના અધ્યક્ષ ભાસ્કર પરબને જાણ કરતાં તેઓ કેટલાક કાર્યકરો સાથે ઑબેરૉય મૉલ પર પહોંચ્યા હતા. તેમણે મૉલના સંચાલકોને સવાલ કર્યો હતો કે ‘તમે મૉલમાં ટોપી અને ટી-શર્ટ વેચો છો તો કોઈ વ્યક્તિ રાજકીય પક્ષની ટોપી અને ટી-શર્ટ પહેરીને કેમ ન આવી શકે? તમને શું પ્રૉબ્લેમ છે? ટોપી જોખમી છે?’
આ સાંભળીને મૉલની સિક્યૉરિટી સંભાળતા ટૉપ સિક્યૉરિટી ગાર્ડના સુપરવાઇઝરે ભૂલ થઈ હોવાનું કહ્યું હતું અને જે ગાર્ડે એમએનએસના કાર્યકરને પ્રવેશતાં રોક્યો હતો તેણે માફી માગી હતી. એટલું જ નહીં, ભવિષ્યમાં આવું નહીં થાય એવું લેખિત આશ્વાસન આપ્યું હતું ત્યારે એમએનએસના કાર્યકરો મૉલમાંથી બહાર નીકળ્યા હતા. બાદમાં એમએનએસએ દિંડોશી પોલીસને પણ આ સંબંધી એક નિવેદન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.