ઘાટકોપરના ૬૨ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝનનો લાઇનમાં નંબર આવી ગયો હતો, પણ એ પહેલાં જ મંદિરના પ્રાંગણમાં હાર્ટ-અટૅક આવતાં જીવ ગુમાવ્યો : ઉત્તરકાશીમાં દરિયાકાંઠે અંતિમ સંસ્કાર કર્યા

ઘાટકોપરના દીપક દવેએ ગંગોત્રી મંદિરના પ્રાંગણમાં જીવ ગુમાવ્યો હતો
ઘાટકોપર-ઈસ્ટમાં વિક્રાંત સર્કલ પાસે આવેલી વિક્રાંત સોસાયટીમાં રહેતા ઔદીચ્ય બ્રાહ્મણ સમાજના ૬૨ વર્ષના દીપક દવે તેમનાં ૬૨ વર્ષનાં પત્ની હેમા દવેને સાથ આપવા બીજી વખત ચારધામ યાત્રા કરવા હોંશે-હોંશે ગયા હતા. તેમને એટલો ઉત્સાહ હતો કે તેમના સંબંધીઓ અને ઓળખીતાઓ મળીને ચાલીસેક જણના ગ્રુપને ચારધામ આવવા તૈયાર કર્યું હતું. જોકે બધાને લઈ જનાર દીપકભાઈ જ બધાને ચારધામમાં છોડીને જતા રહ્યા હતા. ગંગોત્રીમાં ઉપર મંદિર પાસે દર્શન કરવા લાઇનમાં ઊભા હતા ત્યારે તેમનો નંબર આવ્યો જ હતો, પરંતુ દર્શન કરે એ પહેલાં જ તેમને હાર્ટ-અટૅક આવતાં જીવ ગુમાવ્યો હતો. ગંગોત્રીમાં મંદિર પરિસરમાં જ તેમનો જીવ જતો રહ્યો હોવાથી ઉત્તરકાશીમાં દરિયાકાંઠે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દીપક દવેના દેશ-વિદેશમાં પ્રાચીન વિધિઓનું જ્ઞાન અને યોગ શીખવતા ૭૦ વર્ષના મોટા ભાઈ સુધીર દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સિટિઝનશિપ લંડનની છે અને પત્નીના મૃત્યુ બાદ બે વર્ષ પહેલાં જ હું ઘાટકોપર આવ્યો છું. દીપકનો સાથ મળે એટલે જ હું ખાસ અહીં આવ્યો હતો. અમારા પરિવારના અને સંબંધીઓ મળીને બધા ચારધામ યાત્રાએ ગયા હતા. તેઓ પહેલાં હરિદ્વાર ગયા હતા. દીપક અને અન્ય બધાએ યમનોત્રીમાં દર્શન કર્યાં અને ગંગોત્રી દર્શન કરવા ગયા ત્યારે ત્યાં લાઇન હતી. ગંગોત્રીમાં દર્શનની લાઇનમાં હતા અને દીપક દર્શન કરવા જવાનો જ હતો એ પહેલાં તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે મંદિરના પ્રાંગણમાં પડી ગયો હતો. તેને ત્યાં જ હાર્ટ-અટૅક આવ્યો હોવાથી મૃત્યુ પામ્યો હતો. આ ખબર મળતાં જ તેમનો દીકરો અને વહુ મુંબઈથી ગયાં હતાં. એથી ઉત્તરકાશીમાં સાતમી મેએ દરિયાકાંઠે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’
ચારધામમાં લાખો શ્રદ્વાળુઓ આવતા હોય છે ત્યારે વ્યવસ્થા સંભાળવી ખૂબ મહત્ત્વનો વિષય બની જાય છે એમ જણાવીને સુધીર દવેએ કહ્યું હતું કે ‘દીપક અને અન્ય સાથી પ્રવાસીઓ બે બસ લઈને હરિદ્વારથી હૃષીકેશ ચારધામ કરવા માટે પહોંચ્યા હતા. હૃષીકેશમાં ચેકિંગ વખતે અમુક કાગળિયાં બરાબર નથી, ડ્રાઇવિંગ લાઇસન્સ બરાબર નથી એવા નિયમો તેઓ દેખાડવા લાગ્યા હતા. એથી પરવાનગી મેળવવાની પ્રોસેસમાં ખૂબ સમય લાગી ગયો હતો અને મોટી ઉંમરના વૃદ્ધો છ કલાક સુધી બસમાં બેસી રહ્યા હતા. અંતે સમય જતો રહ્યો અને દિવસે આગળ જવું શક્ય ન બનતાં તેઓ હરિદ્વાર પાછા વળ્યા હતા. એથી એક દિવસ આખો તેમનો વેસ્ટ ગયો હતો. ત્યાર બાદ વહેલી સવારે ફરી હૃષીકેશ ગયા અને ત્યાંથી યમનોત્રી પહોંચ્યા હતા. ૨૪ કલાકમાં તેમને ફક્ત એકાદ કલાકની જ ઊંઘ મળી હતી. યમનોત્રી તો ઘોડાસવારી કરીને દર્શન કરી લીધાં, પણ ત્યાર બાદ થાક ખૂબ વધી ગયો અને એની અસર ગંગોત્રીમાં જોવા મળી હતી. દીપકને આમ પણ શ્વાસની થોડી સમસ્યા હતી અને એની સાથે તેને યુરિનનો પણ પ્રૉબ્લેમ હતો.’
આજે પ્રાર્થનાસભા
દીપકભાઈની પ્રાર્થનાસભા ઘાટકોપરના બ્રાહ્મણ સમાજ હૉલમાં આજે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી રાખવામાં આવી છે. જોકે આ પ્રાર્થનાસભામાં તેમના નજીકના અનેક સંબંધીઓ જોડાઈ શકશે નહીં, કારણ કે દીપકભાઈની ઇચ્છા હતી કે તેઓ બધા ચારધામની યાત્રા કરે. એટલે પરિવારની વિનંતીથી ચારધામ ગયેલા સંબંધીઓએ યાત્રા ચાલુ રાખી છે અને દીપકભાઈનાં પત્નીને જ મુંબઈ લાવવામાં આવ્યાં હતાં.