ઘાટકોપરના ડ્રાયફ્રૂટ્સના વેપારી સાથે ઇન્શ્યૉરન્સ પૉલિસી મૅચ્યોર થવાના નામે થઈ છેતરપિંડી: પોલીસે ફક્ત ૨૦ લાખ રૂપિયા રિકવર કર્યા : ફરિયાદી પાસેથી ગઠિયાઓ છેલ્લા દોઢ વર્ષથી પૈસા પડાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મોડી અપાતાં રિકવરી ઓછી થઈ

મુંબઈ-પૂર્વ ક્ષેત્ર સાઇબર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જપ્ત કરેલાં મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ અને રોકડ રકમ.
મુંબઈ ઃ ઘાટકોપરમાં રહેતા ૬૨ વર્ષના ડ્રાયફ્રૂટ્સના વેપારી પાસેથી સાઇબર ગઠિયાઓએ પૉલિસીના નામે છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ કારણ આપીને આશરે સાડાચાર કરોડ રૂપિયા પડાવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાની જાણ થતાં સિનિયર સિટિઝને નવેમ્બર મહિનામાં પોલીસમાં ફરિયાદ કરી હતી. એના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી આશરે ૪૪,૦૦૦ રૂપિયાની રોકડ અને ૨૦ લાખ રૂપિયા બૅન્ક-અકાઉન્ટમાંથી ફ્રીઝ કર્યા હતા. આરોપીઓએ તમામ પૈસા મોજમજા માટે વાપર્યા હોવાની માહિતી પોલીસને આપી હતી.
ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા અને મસ્જિદ બંદરમાં ડ્રાયફ્રૂટ્સનો વ્યવયાય કરતા ૬૨ વર્ષના પ્રતેશ શાહ (નામ બદલ્યું છે)ને ૨૦૨૧ની ૮ નવેમ્બરે એક ગઠિયાનો ફોન આવ્યો હતો. તેણે ઇન્શ્યૉરન્સ પૉલિસી મૅચ્યોર થઈ હોવાથી આશરે આઠ કરોડ રૂપિયા મળશે એવું પ્રતેશભાઈને કહ્યું હતું. એ પૈસા મેળવવા અલગ-અલગ ચાર્જ કહીને ફરિયાદી પાસેથી દોઢ વર્ષના સમયગાળામાં ગઠિયાએ ૪,૩૯,૫૭,૫૩૨ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. એ પછી પણ પૉલિસીના પૈસા ન મળતાં ફરિયાદીએ મુંબઈ-પૂર્વ ક્ષેત્ર સાઇબર વિભાગમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે તપાસ કરીને નોએડામાં રહેતા ૨૧ વર્ષના અનુજકુમાર બાલેશ્વર સહાની ધરપકડ કરી હતી, જેણે ૨૭ બૅન્કમાંથી ફરિયાદીના પૈસા કઢાવ્યા હતા. તેની પાસેથી વધુ માહિતી મેળવ્યા પછી ગુનામાં મદદ કરનાર સંદીપ લાલતાપ્રસાદ અને રવિ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ૧૨ મોબાઇલ ફોન, ૧૮ એટીએમ કાર્ડ, ૪૪,૦૦૦ની રોકડ સાથે ૨૦ લાખ રૂપિયા તેમના અકાઉન્ટમાંથી મળ્યા હતા.
પણ વાંચો:દર્શન કરવા ગયા અને હૉસ્પિટલમાં પહોંચ્યા
મુંબઈ-પૂર્વ ક્ષેત્ર સાઇબર પોલીસ સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર શર્મિલા સહસ્રબુદ્ધેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ફરિયાદીને પોતાની સાથે થતી છેતરપિંડી આશરે દોઢ વર્ષ પછી સમજાઈ હતી અને ત્યાર બાદ તેઓ અમારી પાસે ફરિયાદ માટે આવ્યા હતા. પ્રાથમિક માહિતીના આધારે અમે તપાસની શરૂઆત કરી હતી જેમાં જાણવા મળ્યું કે કેટલાંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. એ તમામ અકાઉન્ટની માહિતી કાઢતાં તમામ નીલ હતાં. આ ક્રાઇમમાં ચેઇન સિસ્ટમથી પૈસા ફેરવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બીજાનાં અકાઉન્ટ વાપરવા માટે તેમને કમિશન આપતા હતા.’