પૉર્ન ફિલ્મ્સના કેસમાં ગહેના વશિષ્ઠની આગોતરા જામીનની અરજી નામંજૂર થતાં હવે તેની અરેસ્ટ થશે?
ગહેના વશિષ્ઠ
બૉલીવુડ ઍક્ટ્રેસ ગહેના વશિષ્ઠે તેની સામે નોંધાયેલા પૉર્ન ફિલ્મ્સના કેસમાં આગોતરા જામીન માટે બૉમ્બે હાઈ કોર્ટમાં એક મહિના પહેલાં અરજી કરી હતી, એ અરજી હવે કોર્ટે ફગાવી દેતાં તેની ગમે ત્યારે અટક થઈ શકે છે. ગહેના સામે એવો આરોપ છે કે તેણે ઊભરતી ઍક્ટ્રેસોને રૂપિયાની લાલચ આપી અને જેઓ એમ ન માને તો ધાકધમકી આપી તેમની પાસે પૉર્ન ફિલ્મમાં કામ કરાવડાવ્યું છે. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એસ. કે. શિંદેએ તેણે કરેલી અરજી મંગળવારે ફગાવી દીધી હતી.
મુંબઈ પોલીસે પૉર્ન ફિલ્મ્સ રૅકેટ સંદર્ભે ૩ એફઆઇઆર ફાઇલ કર્યા છે, જેમાંથી એકમાં બૉલીવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પણ આરોપી છે. તેની ૧૯ જુલાઈએ ધરપકડ કરાઈ હતી. હાલમાં તે જેલ-કસ્ટડીમાં છે. પોલીસે ગહેના સામે આરોપ મૂક્યા છે કે તે યુવતીઓને પહેલા પૈસા આપી નાના રોલ માટે તૈયાર કરતી અને ત્યાર બાદ તેમની પાસે પરાણે પૉર્ન ફિલ્મમાં કામ કરાવતી હતી. એ પૉર્ન ફિલ્મો ત્યાર બાદ રાજ કુન્દ્રાની ઍપ હૉટશૉટ પર પ્રદર્શિત કરાતી હતી. પોલીસે ગહેના સામે વધુ એક આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં કોઈને ઇચ્છા વિરૃદ્ધ પોતાના તાબામાં રાખવાનો ગુનો બને છે. સામે પક્ષે ગહેનાના વકીલ અભિષેક યેન્ડેએ તેની અરેસ્ટ ન કરવા બદલ રજૂઆત કરતાં કહ્યું હતું કે તેની કસ્ટડીની જરૂર નથી, કારણ કે પોલીસે આ પહેલાં જ તેની પાસેથી જે પુરાવા હતા એ કલેક્ટ કર્યા છે. જોકે કોર્ટે તેની આગોતરા જામીનની અરજી માન્ય ન રાખી એ ફગાવી દીધી હતી એથી હવે ગમે ત્યારે ગહેનાની અરેસ્ટ થઈ શકે એમ છે.


