અહીં દર વર્ષે આશરે ૫૦૦૦ મૂર્તિઓનું વિસર્જન થાય છે, જેમાંથી આશરે ૧૦૦૦ જેટલી મૂર્તિ પાંચ ફુટ કે એનાથી મોટી છે. બીએમસીએ જણાવવું પડશે કે આ ૫૦૦૦ મૂર્તિઓનું વિસર્જન ક્યાં કરવામાં આવે?
મંગળવારે સવારે વિરોધ-પ્રદર્શનમાં શિવસેના (UBT)ના સભ્યો અને આરે મિલ્ક કૉલોનીના રહેવાસીઓ (તસવીર : અનુરાગ અહિરે)
શિવસેના (ઉધ્ધવ ઠાકરે)ના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરે આરે મિલ્ક કૉલોનીના રહેવાસીઓ સાથે મંગળવારે સવારે છોટા કાશ્મીર તળાવમાં ગણેશમૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ તથા રસ્તાની ખરાબ સ્થિતિને લઈને સરકાર અને આરે કૉલોનીની ઑફિસ સામે વિરોધ કર્યો હતો.
રવીન્દ્ર વાયકરે જણાવ્યું હતું કે ‘અમે ઑથોરિટીને ઘણા સમય પહેલાં, જ્યારે તત્કાલીન અધ્યક્ષે વિધાનસભામાં બિલ પસાર કર્યું હતું ત્યારે, આરેમાં તળાવોની સફાઈ કરવાનું કહ્યું હતું. આરે બીએમસી હેઠળ હોવાથી અમે સુધરાઈને પત્ર લખ્યો હતો. તેમણે તળાવોની સફાઈ માટે ૧૦ કરોડ રૂપિયા માગ્યા હતા જે તદ્દન ખોટી વાત છે. છોટા કાશ્મીર તળાવમાં ગણેશમૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ છે તો બીએમસીની એ માટે કોઈ તૈયારી છે? અહીં દર વર્ષે આશરે ૫,૦૦૦ મૂર્તિઓનું વિસર્જન થાય છે, જેમાંથી આશરે ૧,૦૦૦ જેટલી મૂર્તિ પાંચ ફુટ કે એનાથી મોટી છે. બીએમસીએ જણાવવું પડશે કે આ ૫,૦૦૦ મૂર્તિઓનું વિસર્જન ક્યાં કરવામાં આવશે? અંધેરીમાં ગોખલે પુલ બંધ હોવાથી જુહુમાં વિસર્જન કરી શકાતું નથી. પવઈમાં ટ્રાફિક એટલો ખરાબ છે કે લોકો લગભગ ત્રણ કલાક સુધી અટવાઈ જાય છે.’
ADVERTISEMENT
રવીન્દ્ર વાયકરે ઇન્ટરનલ રસ્તાની ખરાબ સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘૪૫ કિલોમીટર લાંબા રસ્તાનું નેટવર્ક આરેમાં છે, જેનું મૅનેજમેન્ટ નથી થઈ રહ્યું. એ માટે અમે ઑથોરિટી પાસે ભંડોળની માગણી કરી હતી, જે મંજૂર કરવામાં નહોતી આવી.’
૧૭ ઑગસ્ટે રવીન્દ્ર વાયકરે અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, આરેના સીઈઓ તથા આરેના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને પ્રતિબંધ પર પુનર્વિચાર કરવા માટે પત્ર પણ લખ્યો હતો.


