નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ડેકોરેશન બે જૂથો, સમુદાયો અને ધર્મો વચ્ચેની લડાઈમાં પરિણમી શકે છે
પ્રતીકાત્મક તસવીર
થાણેની પોલીસે એક ગણેશ પંડાલને નોટિસ મોકલી છે, જેને ગયા વર્ષે શિવસેનામાં તિરાડ સંબંધિત ડેકોરેશનને લઈને કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. આ પંડાલને એવા કોઈ પણ ડિસ્પ્લે મટીરિયલ અથવા ઑડિયો ક્લિપ્સનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે જે કાયદો અને વ્યવસ્થામાં સમસ્યા ઊભી કરી શકે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ડેકોરેશન બે જૂથો, સમુદાયો અને ધર્મો વચ્ચેની લડાઈમાં પરિણમી શકે છે.
કલ્યાણ ખાતે શિવસેના (UBT) નિયંત્રિત વિજય તરુણ મંડળના એક કાર્યકારે જણાવ્યા અનુસાર તેમની આ વર્ષની થીમ છે - ‘લોકશાહી જોખમમાં છે’. મંડળનું નેતૃત્વ કરનારા સેના (UBT) કલ્યાણના વડા વિજય સાળવીએ કહ્યું હતું કે તેમણે બે અઠવાડિયાં પહેલાં પોલીસ સાથે તેમના ડેકોરેશન અંગેની વિગતો શૅર કરી હતી અને આ વખતે મહાત્મા ફુલે ચોક પોલીસે તેમને માત્ર નોટિસ આપી છે.
ADVERTISEMENT
ગયા વર્ષે શિવસેનામાં વિભાજન પર મંડળે કરેલા ડેકોરેશનને લઈને પોલીસે તેમની શણગારની સામગ્રી જપ્ત કરી હતી અને મંડળ સામે કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ મંડળે પોલીસની કાર્યવાહીને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યા બાદ મામલો ઉકેલાઈ ગયો હતો.


