ભરૂચથી આવેલા પરિવારે ‘લાલબાગચા રાજા’નાં દર્શનની લાઇનમાં ૧૮ કલાક કરતાં પણ વધુ સમય લાગતાં કર્યો નિર્ધાર
લાલબાગચા રાજાનાં દર્શન કરવા ભરૂચનો પરિવાર ૧૮ કલાક લાઇનમાં ઊભો રહ્યો હતો
લોઅર પરેલમાં આવેલા ‘લાલબાગચા રાજા’ ભારતભરમાં પ્રખ્યાત હોવાથી દૂર-દૂરથી લોકો એમનાં દર્શન કરવા આવે છે. અનેક લોકો માનતા રાખતા હોવાથી મુખદર્શન ન કરતાં ચરણસ્પર્શ કરતા હોય છે. જોકે લાલબાગના ગણપતિનાં દર્શન કરવા માટે ભરૂચથી આવેલા ગુજરાતી પરિવારને કડવો અનુભવ થયો હતો. આ પરિવાર અને તેમની સાથે મુંબઈમાં રહેતા સંબંધીઓ એમ સાત જણ દર્શન કરવા ગયા હતા, પરંતુ તેમનો આખી રાત ઊભા રહીને બીજા દિવસે સવારે એમ ૧૮ કલાકથી વધુ સમય બાદ નંબર આવતાં હાલ બેહાલ થયા હતા. તેમની આગળ ઊભેલા ત્રણ જણને તો ચક્કર પણ આવ્યાં હતાં. એથી તેમણે બીજી વખત દૂરથી જ બાપ્પાનાં દર્શન કરવાનો નિર્ધાર કર્યો હતો. સાથે જ તેમણે વીઆઇપી લાઇનમાં ઓળખીતાઓને મોકલવામાં આવતા હોવાથી નારાજગી પણ વ્યક્ત કરી હતી.
ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં રહેતા મયંક સોલંકીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી પત્ની અને હું લગ્ન થયાં હોવાથી ગણપતિમાં સજોડે પહેલી વખત મુંબઈમાં બહેનના ઘરે આવ્યાં હતાં. પત્ની મુંબઈ પહેલી જ વખત આવી હોવાથી લગ્ન બાદ તેને લાલબાગચા રાજાનાં દર્શન કરવાની ખૂબ ઇચ્છા હતી. એથી અમે સાત જણ મંગળવારે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ લાઇનમાં ઊભા રહ્યા હતા. અમને લાગ્યું કે થોડા કલાક બાદ નંબર આવી જશે, પરંતુ એમ ન થતાં છેક સવારે બરાબર સાડાછ વાગ્યે નંબર આવ્યો હતો. લાઇનમાં ઊભા રહીને અમે ખૂબ કંટાળી ગયા હતા. જોકે બાળકો તો સૂઈ ગયાં હતાં. અમારી આગળ ઊભેલા એક કાકા અને બે મહિલાને તો ચક્કર આવ્યાં હતાં. મેં તો વિડિયો પણ લીધો છે કે અમે બધા કલાકો લાઇનમાં ઊભા હતા અને બીજા માર્ગેથી વીઆઇપીઓ એટલે કે કોઈના સંબંધીઓ અથવા ઓળખીતા હોય તેમને લાઇન વગર છોડવામાં આવતા હતા. અમે લાઇનમાં અડધી રાતે વચ્ચોવચ હતા, નહીં તો અધવચ્ચેથી જ જતા રહેવાના હતા. અમે તો નક્કી જ કરી લીધું છે કે ભવિષ્યમાં મોબાઇલમાં કે દૂરથી બાપ્પાનાં દર્શન કરીશું, પણ આ રીતે સ્પર્શવંદન કરવા નહીં આવીએ.’

