ક્ટર્સે આ આદેશના અમલ માટે તાલુકા અને ગામડાંઓમાં કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપી દીધો છે.
OBC નેતા અતુલ સાવે, રાધાકૃષ્ણ વિખે પાટીલ
મરાઠા અનામત મેળવનારાઓ માટે રાજ્ય સરકાર તરફથી અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી યોગ્ય ઉમેદવારોને કુણબી જાતિનું સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવશે. બીજી ઑક્ટોબર સુધી ૧૫ દિવસ ચાલનારા આ અભિયાનનું નામ ‘સેવા પંધરવડા’ (સેવા પખવાડિયું) રાખવામાં આવ્યું છે.
૧૫ દિવસમાં હૈદરાબાદ ગૅઝેટ અનુસાર કુણબી સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનો આદેશ પુણે ડિવિઝનલ કમિશનરે પશ્ચિમ મહારાષ્ટ્રના પાંચ જિલ્લાના ક્લેક્ટર્સને આપ્યો છે. ક્લેક્ટર્સે આ આદેશના અમલ માટે તાલુકા અને ગામડાંઓમાં કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપી દીધો છે.
ADVERTISEMENT
મરાઠા અનામત આંદોલન માટે મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપવાની મુખ્ય માગણી હતી. આ સર્ટિફિકેટ મેળવનારા મરાઠા લોકોને કુણબી ગણવામાં આવશે તેમ જ કુણબીને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને મળતા અનામતના લાભ મળશે.
મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપવાનો GR પાછો ખેંચવાની અપીલ કરતો ૮ પાનાંનો પત્ર લખ્યો છગન ભુજબળે મુખ્ય પ્રધાનને
રાજ્યના કૅબિનેટ મિનિસ્ટર અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) નેતા છગન ભુજબળ મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપવાનો સતત વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે છગન ભુજબળે કુણબી સર્ટિફિકેટ ઇશ્યુ કરવા બાબતનો ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) પાછો ખેંચી લેવાની અથવા એમાં યોગ્ય સુધારા કરવાની અપીલ કરતો પત્ર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખ્યો હતો.
૮ પાનાંના આ પત્રમાં OBC ક્વોટામાં ૩૫૦થી વધારે જ્ઞાતિઓ કરતાં વધુ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં ન આવે એમ પણ જણાવ્યું છે. એક ઉપસમિતિ દ્વારા અનામત બાબતનો નિર્ણય લેવાયો, પણ કૅબિનેટમાં મંજૂરી લીધી નથી અને OBC સમાજના સભ્યો સાથે ચર્ચા કર્યા વગર જ મહત્ત્વનો નિર્ણય લેવાયો એમ છગન ભુજબળે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
સોશ્યલી ઍન્ડ એજ્યુકેશનલી બૅકવર્ડ ક્લાસ (SEBC) ઍક્ટ, ૨૦૨૪ હેઠળ મરાઠાને ૧૦ ટકા અનામત મળે છે. જો તેમને કુણબી ગણવામાં આવશે તો તેમને OBC અનામતનો લાભ પણ મળશે. એક જ સમાજને બે પ્રકારની અનામતનો લાભ કેવી રીતે અપાય એવો પ્રશ્ન છગન ભુજબળે કર્યો છે.
OBC અનામતને કોઈ નુકસાન નહીં થાય : OBC નેતા અતુલ સાવે
મરાઠા અનામત મુદ્દે ગઈ કાલે OBC નેતાઓની બેઠક યોજાઈ હતી. એમાં OBC નેતા અતુલ સાવેએ ખાતરી આાપી હતી કે કુણબી સર્ટિફિકેટ આપવાને કારણે OBC સમાજને મળતા અનામતના લાભમાં કોઈ ફરક નહીં પડે.
GR કોઈ સંજોગોમાં પાછો નહીં ખેંચાય : રાધાકૃષ્ણ વિખે પાટીલ
મરાઠા અનામત બાબતે નિર્ણય લેનારી કૅબિનેટની ઉપસમિતિના અધ્યક્ષ રાધાકૃષ્ણ વિખે પાટીલે છગન ભુજબળના પત્ર પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘હૈદરાબાદ ગૅઝેટ અનુસાર કુણબી સર્ટિફિકેટ આપવા માટેનો GR કોઈ પણ સંજોગોમાં પાછો ખેંચવામાં નહીં આવે. કોઈ પણ જાતના દબાણ વગર મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. જો છગન ભુજબળને નિર્ણય સામે વાંધો હોય તો તેમને મળીને સ્પષ્ટતા કરવામાં આવશે.’


