Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બહેનનાં લગ્ન માટે બે ભાઈએ કરી ચોરી?

બહેનનાં લગ્ન માટે બે ભાઈએ કરી ચોરી?

21 November, 2022 12:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા રોડમાં સ્ટીલના દસ્તા અને સ્ક્રૂ-ડ્રાઇવરની મદદથી ફ્લૅટનું લૉક ખોલીને ચોરી કરવા ગયેલા ચોર

ચોર આદિલ અન્સારી અને શોએબ અન્સારી

ચોર આદિલ અન્સારી અને શોએબ અન્સારી


મીરા રોડમાં આવેલા શાંતિનગરના સેક્ટર ૯ના એક બંધ ઘરમાં ધોળા દિવસે ચોરી કરવાના ઇરાદે ઘૂસેલા બે ચોરને લોકોએ પકડીને પોલીસને હવાલે કરવાની ઘટના બુધવારે બની હતી. ફ્લૅટમાલિક રિક્ષાચાલક બપોરે ઘરે જમવા પહોંચ્યો ત્યારે તેણે પોતાના ઘરમાં બે ચોરને જોયા બાદ ચોર... ચોર...ની બૂમો મારતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોને જોઈને ચોર ભાગવા લાગ્યા હતા, પણ રિક્ષાચાલકે તેના ભાઈ અને બીજાઓની મદદથી તેમને પકડી લીધા હતા. તેમની પાસેની બૅગની તપાસ કરતાં એમાંથી સ્ટીલના ત્રણ દસ્તા અને સ્ક્રૂ-ડ્રાઇવર મળી આવ્યાં હતાં. બેમાંથી એક ચોરના પગમાં પાંચેક હજાર રૂપિયાની કિંમતનાં બ્રૅન્ડેડ શૂઝ હતાં. લોકોએ થોડો મેથીપાક ચખાડીને બાદમાં ચોરને નયાનગર પોલીસને હવાલે કર્યા હતા. આમાંથી એક ચોરે પોલીસને કહ્યું હતું કે બહેનનાં લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી તે ચોરી કરવા માટે ફ્લૅટમાં ઘૂસ્યો હતો.

મીરા રોડ-પૂર્વમાં આવેલા શાંતિનગરના સેક્ટર ૯માં સી-૫૭ બિલ્ડિંગમાં ૦૦૧ નંબરના ફ્લૅટમાં રિક્ષાચાલક અભિષેક જયપ્રકાશ શ્રીવાસ્તવ તેના ભાઈ સાથે રહે છે. બુધવારે બપોરે અભિષેક રિક્ષા ચલાવીને બપોરે જમવા માટે ઘરે આવ્યો ત્યારે તેણે તેના ફ્લૅટમાં બે અજાણ્યા યુવકોને જોયા હતા. નક્કી આ ચોર જ હોવા જોઈએ એમ માનીને અભિષેકે ચોર... ચોર...ની બૂમો પાડતા બંને ચોર ભાગવા લાગ્યા હતા. જોકે અભિષેક અને તેના ભાઈ સહિત એકઠા થઈ ગયેલા લોકોએ ચોરનો પીછો કરીને તેમને પકડી લીધા હતા અને થોડો મેથીપાક ચખાડીને પોલીસને જાણ કરી હતી.



કીમતી બ્રૅન્ડેડ શૂઝ
ચોરને પકડવામાં મદદ કરનારા સ્થાનિક રીઅલ એસ્ટેટ એજન્ટ અતુલ ગોસાલિયાના જણાવ્યા મુજબ નયાનગર પોલીસની ટીમે બાંદરાથી મીરા રોડ ચોરી કરવા પહોંચેલા ૨૩ વર્ષના આદિલ અન્સારી અને ૩૫ વર્ષના શોએબ અન્સારીની ધરપકડ કરી હતી. આદિલના પગમાં પાંચેક હજાર રૂપિયાનાં બ્રૅન્ડેડ શૂઝ જોઈને પોલીસ ચોંકી ઊઠી હતી. સાધારણ પરિવારના દેખાતા આ ચોરે કોઈક બીજી જગ્યાએ કરેલા હાથફેરામાં આ શૂઝ હાથ લાગ્યાં હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. બહેનના લગ્ન હોવાથી ચોરી કરવા આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.


બંને ચોર રીઢા ગુનેગાર
આ કેસની તપાસ કરી રહેલા નયાનગર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઓમપ્રકાશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ચોરી કરવાના આરોપસર બાંદરાથી મીરા રોડ પહોંચેલા આદિલ અન્સારી અને શોએબ અન્સારીની ધરપકડ કરી છે. તેમની સામે મીરા રોડ ઉપરાંત બીજા કેટલાંક પોલીસ સ્ટેશનોમાં ચોરીની ફરિયાદ નોંધાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. બંને ચોર નજીકના સંબંધી છે અને તેમની બહેનનાં લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી તેઓ ફ્લૅટમાં ચોરી કરવા માટે ગયા હોવાનું તેઓ કહી રહ્યા છે. જોકે અમને લાગે છે કે તેઓ ખોટું બોલી રહ્યા છે અને રીઢા ગુનેગાર હોવાની શક્યતા છે. આરોપીઓ રિક્ષાચાલકના ઘરમાં ઘૂસીને કીમતી સામાન શોધી રહ્યા હતા ત્યારે સદનસીબે રિક્ષાચાલક અભિષેક તેના ભાઈ સાથે ઘરે આવી પહોંચતાં ચોરના હાથમાં માત્ર ૮૦૦ રૂપિયા જ આવ્યા હતા. બાકીનો સામાન, મોબાઇલ અને દાગીના બચી ગયા હતા. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK