પરિવારના વિરોધ બાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સંબંધિત અધિકારી સામે પોલીસે કેસ દાખલ કર્યો
ખાડો અને શ્રેયાંશ સોની
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને બાયો-ફ્યુઅલ પ્રોજેક્ટ (જૈવ ઈંધણ પ્રકલ્પ) માટે ખોદેલા ખાડામાં પડી જવાથી પાંચ વર્ષના બાળક શ્રેયાંશ સોનીનું મૃત્યુ થયું હોવાની ઘટના બહાર આવી છે. આ ઘટનાને ગંભીરતાથી લીધા બાદ બાળકના મૃત્યુના સંબંધમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના સંબંધિત અધિકારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. આ અકસ્માત શુક્રવારે સાંજે મીરા રોડના પેણકરપાડામાં બન્યો હતો.
મીરા રોડના કાશીમીરામાં પેણકરપાડા વિસ્તારમાં આવેલી ગુજરાતી ચાલમાં શુક્રવારે સાંજે આ ઘટના બન્યા બાદ શોકમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રેયાંશ માતા-પિતા સાથે પેણકરપાડાના શિવશક્તિનગરમાં રહેતો હતો. શુક્રવારે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ તે અન્ય બાળકો સાથે રમવા ગયો હતો, પરંતુ લાંબા સમય સુધી ઘરે ન આવતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમ્યાન મહાનગરપાલિકા દ્વારા પાસે આવેલા મેદાનની બાજુમાં બાયો-ફ્યુઅલ પ્રોજેક્ટ માટે ખોદવામાં આવેલા ખાડામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શ્રેયાંશ ત્યાં રહેલા પાણીમાં રમતાં-રમતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને પગલે મહાનગરપાલિકા સામે ભારે રોષ ફેલાયો છે. બાળકના સંબંધીઓએ જ્યાં સુધી આરોપીઓ સામે ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં એવી ભૂમિકા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
અનેક માનતા બાદ જન્મ
ત્રણ વર્ષ પહેલાં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને પેણકરપાડા વિસ્તારમાં કચરા પર પ્રક્રિયા કરવા માટે બાયો-ફ્યુઅલ (બાયોગૅસ) પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ પહેલાં વર્કઑર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ આ કામ ધીમે-ધીમે ચાલે છે. કૉન્ટ્રૅક્ટરે અત્યાર સુધી માત્ર એક મોટો ખાડો ખોદ્યો હતો. એકમાત્ર દીકરાને ગુમાવનાર માતા-પિતાની કફોડી હાલત થઈ ગઈ છે. શ્રેયાંશના પિતા મોનુ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો એકનો એક દીકરો જુનિયર કેજીમાં ભણતો હતો. ખૂબ માનતાઓ બાદ તેનો જન્મ થયો હતો. તે પેણકરપાડાના જીજામાતા ઉદ્યાનમાં રમવા ગયો હતો. ત્યાં કોઈ પણ જાતની સુરક્ષા વગર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ ખાડામાં કોઈ પણ પડે તો મૃત્યુ પામે એમ હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી હોવાથી મારા દીકરાનો જીવ ગયો છે.’
અધિકારી સામે ગુનો નોંધાયો
આ દુર્ઘટના બાદ ગઈ કાલે કાશીમીરા પોલીસે સંબંધિત કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ બેદરકારીના કારણે મોત થયાનો કેસ નોંધ્યો હતો. ખાડામાં વરસાદનું પાણી જમા થઈ ગયું હતું. એની સામે સુરક્ષાનાં કોઈ પગલાં લેવાયાં નહોતાં. કાશીમીરા પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાદ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારી સામે બેદરકારીને કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હોવાથી કેસ નોંધવામાં આવ્યો છે. એથી તેની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.’
મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર અનિકેત મનોરકરે જણાવ્યું હતું કે ‘આ પ્રકરણમાં સંબંધિત વિભાગના પ્રમુખ પાસેથી વિગતવાર માહિતી માગવામાં આવી છે. તપાસ બાદ દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

