ફાયર-બ્રિગેડને આ વિશે જાણ કરવામાં આવતાં એના જવાનો ફાયર-એન્જિન સાથે પહોંચી ગયા હતા અને બધા જ રહેવાસીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા.
આગ લાગ્યા બાદ ફાયર-બ્રિગેડે સાવચેતીથી બધા જ રહેવાસીઓને બચાવી નીચે લઈ આવતાં ખુશખશાલ રહેવાસીઓએ ફાયર-બ્રિગેડના જવાનોનો આભાર માન્યો હતો.
સાંતાક્રુઝ-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલા ખીરાનગરના કુમકુમ બિલ્ડિંગમાં ગઈ કાલે સવારે ૧૦.૪૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. પાંચ માળના આ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા ફ્લૅટમાં આગ લાગી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયર-બ્રિગેડને આ વિશે જાણ કરવામાં આવતાં એના જવાનો ફાયર-એન્જિન સાથે પહોંચી ગયા હતા અને બધા જ રહેવાસીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા. જોકે આગ ચોક્કસ શા કારણે લાગી એ જાણી શકાયું નહોતું.
થાણેના જંગલમાં લાગી આગ
આગની અન્ય એક ઘટના થાણેના કોલશેતમાં આવેલા ઍરફોર્સ સ્ટેશન પાસેના જંગલમાં લાગી હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ આ વિશે કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. તરત જ અમારી અને ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ૪૫ મિનિટમાં આગ પર કાબૂ મેળવી એને બુઝાવી દેવાઈ હતી. આગ શા માટે લાગી એ જાણવા તપાસ ચાલી રહી છે.’


