Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મહિનાઓની અશાંતિ બાદ મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું

મહિનાઓની અશાંતિ બાદ મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું

Published : 01 March, 2026 09:29 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાનના મિનાબ શહેરમાં ગર્લ પ્રાઇમરી સ્કૂલ પરના મિસાઇલ-હુમલામાં ૮૫ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યોઃ દુબઈમાં બુર્જ ખલીફા ખાલી કરાવવામાં આવ્યુંઃ ઈરાનના સુપ્રીમો અલી ખામેનેઈનું ઘર તહસનહસ

ઈરાનના મિનાબ શહેરની ગર્લ્સ સ્કૂલ પર ઇઝરાયલ દ્વારા થયેલા ઘાતક હુમલામાં ૮૫થી વધુ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા.

ઈરાનના મિનાબ શહેરની ગર્લ્સ સ્કૂલ પર ઇઝરાયલ દ્વારા થયેલા ઘાતક હુમલામાં ૮૫થી વધુ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા.


ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કર્યો હુમલો, વળતા પ્રહારમાં ઈરાને ૮ પાડોશી દેશો ઇઝરાયલ, બાહરિન, કતર, UAE, સાઉદી અરેબિયા, જૉર્ડન, કુવૈત, ઈરાક પર કુલ ૪૦૦ મિસાઇલો છોડી : ઈરાનના મિનાબ શહેરમાં ગર્લ પ્રાઇમરી સ્કૂલ પરના મિસાઇલ-હુમલામાં ૮૫ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યોઃ દુબઈમાં બુર્જ ખલીફા ખાલી કરાવવામાં આવ્યુંઃ ઈરાનના સુપ્રીમો અલી ખામેનેઈનું ઘર તહસનહસ

અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર ગઈ કાલે વહેલી સવારે એક વિશાળ લશ્કરી હુમલો કર્યો હતો અને ઈરાનનાં ઘણાં શહેરોમાં બૉમ્બ વરસાવ્યા હતા, જેને કારણે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ અચાનક અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. ‘ઑપરેશન એપિક ફ્યુરી’ના નામે કરવામાં આવેલા શરૂઆતના હુમલાઓમાં તેહરાન સહિત અનેક મોટાં શહેરોમાં વિસ્ફોટો સંભળાયા હતા અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે હુમલાઓમાં ઈરાનના ટોચના નેતૃત્વ અને લશ્કરી માળખાને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. તેહરાનમાં સુપ્રીમ લીડર ખામેનેઈની ઑફિસ પાસે પણ હુમલો થયો હતો. ઇઝરાયલે એકસાથે અનેક ઈરાની શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના મિનાબ શહેરમાં કન્યા પ્રાથમિક શાળાની ૫૧ વિદ્યાર્થિનીઓ, પૂર્વી ઈરાનની એક શાળાની બે વિદ્યાર્થિનીઓ અને અબુ ધાબીમાં એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. કુલ ૫૪ જણે જીવ ગુમાવ્યા છે.



ઈરાનના સંરક્ષણપ્રધાન અને ટોચના લશ્કરી કમાન્ડરનું મોત?


ઈરાનના સંરક્ષણપ્રધાન અમીર નાસિરઝાદેહ અને ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ કમાન્ડર મોહમ્મદ પાકપુર ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. જોકે આ અહેવાલ બાદ ઈરાને સ્પષ્ટતા કરી હતી કે તમામ ટોચના કમાન્ડરો સુરક્ષિત છે. ઈરાને કહ્યું હતું કે સુપ્રીમ લીડર ખામેનેઇ પણ સુરક્ષિત છે.

ઈરાનનો વળતો હુમલો


ઈરાને તરત જ બદલો લેવા માટે મિસાઇલ અને ડ્રોન-હુમલા શરૂ કર્યા હતા. ઈરાને કહ્યું હતું કે એણે અત્યાર સુધી ફક્ત એની સ્ક્રૅપ મિસાઇલો જ ચલાવી છે અને ટૂંક સમયમાં એવાં શસ્ત્રો રજૂ કરશે જેની વિરોધીઓ અપેક્ષા રાખતા નથી. ઈરાને માત્ર ઇઝરાયલ જ નહીં પરંતુ યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE), સાઉદી અરેબિયા અને બાહરિન સહિત ૮ દેશોમાં આવેલા અમેરિકાના બેઝને પણ નિશાન બનાવ્યા હતા જેનાથી સમગ્ર પ્રદેશ યુદ્ધ જેવી સ્થિતિમાં આવી ગયો હતો. મોટા ભાગે શાંત ગણાતાં દુબઈ, અબુ ધાબી, દોહા અને બાહરિનમાં એક પછી એક વિસ્ફોટો સંભળાયા હતા અને લોકોએ મિસાઇલોનો કાટમાળ પડતો નજરે જોયો હતો.

ઈરાને ક્યાં મિસાઇલ છોડ્યાં?

ઈરાને સાઉદી અરેબિયા, ઈરાકમાં એર્બિલ ઍરપોર્ટ નજીક અમેરિકન લશ્કરી બેઝ, કતારમાં અલ-ઉદેદ ઍરબેઝ, કુવૈતમાં અલ-સાલેમ ઍરબેઝ, UAEમાં અબુ ધાબીના અલ-ધફરા ઍરબેઝ અને બાહરિનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટ નેવલ બેઝને નિશાન બનાવ્યું હતું અને મિસાઇલો છોડી હતી. આ સિવાય જૉર્ડન અને ઇઝરાયલના તેલ અવિવ પર મિસાઇલો છોડી હતી.

ઈરાનમાં સ્કૂલ પર હુમલામાં ૮૫ મૃત્યુ

સાઉથ ઈરાનના શહેર મિનાબમાં કન્યા પ્રાથમિક શાળા પર ઇઝરાયલી હુમલામાં ૮૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં આશરે ૬૦ લોકો ઘાયલ થયા હતા. હુમલા સમયે સ્કૂલમાં આશરે ૧૭૦ વિદ્યાર્થીઓ હાજર હતા. ઘાયલોમાં સ્કૂલના સ્ટાફનો અને ટીચર્સનો સમાવેશ છે. રાહત અને બચાવકામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે. એવું જાણવા મળે છે કે મિનાબ શહેરમાં ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્‍સનું એક યુનિટ છે. કદાચ એના પર હુમલો કરવામાં આવ્યો હતો, પણ એ મિસાઇલ સ્કૂલ પર પડી હતી.

ઇઝરાયલમાં નાગરિકોને સ્થળાંતરની સૂચના

ઇઝરાયલી સેનાએ ચેતવણી આપી હતી કે મિસાઇલોનો મોટો હુમલો થઈ શકે છે અને તેથી નાગરિકોએ તાત્કાલિક સલામત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવું જોઈએ. આવનારાં જોખમોને રોકવા માટે સંરક્ષણ-પ્રણાલીઓ સક્રિય કરવામાં આવી છે. દેશભરમાં સુરક્ષા-સાયરન વાગી રહી છે અને કટોકટીનાં પગલાં અમલમાં મૂકવામાં આવ્યાં છે. ઇઝરાયલે શનિવારે જાહેર ગૅધરિંગ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો તથા સ્કૂલો અને ઑફિસોને બંધ કરી દીધી હતી. હૉસ્પિટલના દરદીઓને ભૂગર્ભ સુવિધાઓમાં ખસેડ્યા હતા.

UAE હવામાં મિસાઇલનો નાશ કર્યો

UAEના સંરક્ષણ મંત્રાલયે મિસાઇલ-હુમલાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. અબુ ધાબીમાં અમેરિકન બેઝ પર આવતી મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરતાં પ્રચંડ વિસ્ફોટ થયા હતા. એક પછી એક એમ પાંચથી વધારે વિસ્ફોટ થયા હતા.

અબુ ધાબી અને દુબઈમાં વિસ્ફોટો સંભળાયા

ઈરાને છોડેલી મિસાઇલો તોડી પાડવામાં આવતાં અબુ ધાબી અને દુબઈમાં ઘણા વિસ્ફોટો સાંભળાયા હતા. કોઈ મોટા નુકસાન કે જાનહાનિની ​​સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અબુ ધાબીમાં કરવામાં આવેલા હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

ઈરાનના ચાબહારમાં વિસ્ફોટ

ઈરાનના બંદર શહેર ચાબહારમાં ગઈ કાલે એક વિસ્ફોટ સંભળાયો હતો. જાનહાનિ કે વિસ્ફોટના કારણ અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. ચાબહાર બંદર ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે એ નવી દિલ્હીને પાકિસ્તાન પર આધાર રાખ્યા વિના અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં એક વ્યૂહાત્મક પ્રવેશદ્વાર આપે છે.

જૉર્ડને બે બૅલિસ્ટિક મિસાઇલો તોડી પાડી

જૉર્ડનના સૈન્યે બે બૅલિસ્ટિક મિસાઇલોને અટકાવી હતી અને તોડી પાડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને રાજધાની અમ્માન અને ઇર્બિડ, ઝરકા, મદાબા અને જરાશ શહેરો સહિત અનેક વિસ્તારોમાં કાટમાળ અને ટુકડા પડવાના ૧૨ અહેવાલો મળ્યા છે.

ભારતીય ઍરલાઇન્સને પણ અસર

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધને કારણે ગલ્ફના ઘણા દેશોએ એમની ઍરસ્પેસ બંધ કરી દીધી હોવાથી ભારતીય ઍરલાઇન્સની કામગીરીને પણ અસર પડી છે. ઇન્ડિગો, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઍર ઇન્ડિયાને એની ફ્લાઇટોને અધવચ્ચેથી જ ભારત પાછી વાળવી પડી હતી. તેલ અવિવ જતી ફ્લાઇટ દિલ્હી પાછી ફરી હતી.

ઈરાને પોતાની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓનો ત્યાગ કરવાની દરેક તકનો ઇનકાર કર્યો : ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પરની લશ્કરી કાર્યવાહીને મોટી ગણાવી હતી અને ઈરાની લોકોને તેમની સરકારને ઊથલાવી પાડવાની અપીલ પણ કરી હતી. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ પર બોલતાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમેરિકાની હંમેશાં નીતિ રહી છે કે આ આતંકવાદી શાસન ક્યારેય પરમાણુ હથિયાર રાખી શકે નહીં. તેમણે પોતાની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓનો ત્યાગ કરવાની દરેક તકનો ઇનકાર કર્યો અને અમે એને હવે સહન કરી શકતા નથી.’

ઈરાનના સુપ્રીમો ખામેનેઈનું ઘર તહસનહસ

અમેરિકા-ઇઝરાયલે કરેલા હુમલામાં ઈરાનના સુપ્રીમો તેમ જ મુખ્ય નેતાઓ અને અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તેહરાનમાં આવેલા અલી ખામેનેઈના ઘરના કમ્પાઉન્ડમાં ડ્રોન મિસાઇલો ફેંકાઈ હતી. ચીની કંપનીએ જાહેર કરેલા સૅટેલાઇટ ફુટેજમાં ખામેનેઈનું બળતું ઘર અને કમ્પાઉન્ડ દેખાય છે. કહેવાય છે કે અમેરિકાનો હુમલો થતાં પહેલાં જ ખામેનેઈ તેહરાન છોડીને નીકળી ગયા હતા. ઈરાનના સુપ્રીમો ખામેનેઈનું ઘર તહસનહસ અમેરિકા-ઇઝરાયલે કરેલા હુમલામાં ઈરાનના સુપ્રીમો તેમ જ મુખ્ય નેતાઓ અને અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તેહરાનમાં આવેલા અલી ખામેનેઈના ઘરના કમ્પાઉન્ડમાં ડ્રોન મિસાઇલો ફેંકાઈ હતી. ચીની કંપનીએ જાહેર કરેલા સૅટેલાઇટ ફુટેજમાં ખામેનેઈનું બળતું ઘર અને કમ્પાઉન્ડ દેખાય છે. કહેવાય છે કે અમેરિકાનો હુમલો થતાં પહેલાં જ ખામેનેઈ તેહરાન છોડીને નીકળી ગયા હતા. 

દુબઈમાં પામ જુમેરાની હોટેલ પર મિસાઇલનો કાટમાળ પડ્યો અને આગ ફાટી નીકળી, ટૂરિસ્ટોમાં ગભરાટ ફેલાયો

દુબઈના આલીશાન ગણાતા પામ જુમેરા વિસ્તારમાં ફેર્મોન્ટ પામ હોટેલ પર ઈરાનના મિસાઇલ-હુમલાનો કાટમાળ પડ્યા બાદ એમાં આગ ફાટી નીકળી હતી અને દુબઈના આકાશમાં કાળા ધુમાડા છવાઈ ગયા હતા. આ લોકપ્રિય પર્યટન વિસ્તારમાંથી ધુમાડાનાં મોટાં વાદળો ઊડતાં જોઈ શકાય છે. જોકે આગથી હોટેલને કોઈ નુકસાન થયું છે કે નહીં એની કોઈ જાણકારી મળી નથી, પણ ધુમાડાના ગોટેગોટા નીકળતાં આ ટૂરિસ્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

ઈરાને હૉર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યો

યુરોપિયન યુનિયનના નૌસેનિક મિશનના જણાવ્યા મુજબ ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્‍સે રેડિયો મેસેજમાં જહાજોને હૉર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર ન થવાની ચેતવણી આપી છે. જોકે આ વાતની પુષ્ટિ ઈરાને કરી નથી. આ માર્ગ દુનિયાના તેલ નિર્યાત માટે ખૂબ જ મહત્ત્વનો છે અને પહેલાં પણ ઈરાન એ માર્ગ બંધ કરી દેવાની ધમકી આપતું રહ્યું છે. આ રસ્તાનો ઉપયોગ કરીને તેલ-ઉત્પાદક ખાડી દેશો તેલનું એક્સપોર્ટ કરે છે. ૧૬૧ કિલોમીટર લાંબો આ રસ્તો સૌથી સાંકડા બિંદુ પર માત્ર ૩૩ કિલોમીટર પહોળો છે અને વિશ્વનું ૨૦.૫ ટકા તેલ અહીંથી પસાર થાય છે.

દુબઈમાં બુર્જ ખલીફા ખાલી કરાવ્યું, તમામ ઍરપોર્ટ્‍સ બંધ

ઇઝરાયલ અને અમેરિકાએ કરેલી સ્ટ્રાઇકના જવાબમાં ઈરાને ઇઝરાયલ, બાહરિન, સાઉદી અરેબિયા, જૉર્ડન, કુવૈત, ઇરાક અને દુબઈ પર ૪૦૦ મિસાઇલો છોડી દીધી હતી. દુબઈમાં મોટી ઇમારતો પર જોખમ તોળાતું હોવાથી વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા ખાલી કરાવવામાં આવી હતી. દુબઈનાં તમામ ઍરપોર્ટ્‍સ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યાં હતાં. દુબઈથી ટેક-ઑફ થનારી અને લૅન્ડ થનારી તમામ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી. દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને અલ મખતૂમ ઍરપોર્ટે આગામી સૂચના સુધી તમામ ફ્લાઇટ-કામગીરી સ્થગિત કરી દીધી હતી. ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરો અટવાઈ પડ્યા છે અને ઍરપોર્ટ પર અંધાધૂંધીભરી સ્થિતિ ઊભી થઈ છે. ઍરપોર્ટ વહીવટી તંત્રે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સુરક્ષિત થશે ત્યારે સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 09:29 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK