માનપાડા પોલીસ-સ્ટેશનની પાછળ આવેલી એરોસોલ ગાર્મેન્ટ ફૅક્ટરીમાં બપોરે ૧૨.૩૦ વાગ્યે ભયાનક આગ ફાટી નીકળી હતી
ડોમ્બિવલીમાં MIDCમાં ગાર્મેન્ટ ફૅક્ટરીમાં આગ લાગી ગઈ
ડોમ્બિવલીમાં MIDCમાં આવેલી ગાર્મેન્ટ ફૅક્ટરીમાં ગઈ કાલે બપોરે આગ લાગી હતી. માનપાડા પોલીસ-સ્ટેશનની પાછળ આવેલી એરોસોલ ગાર્મેન્ટ ફૅક્ટરીમાં બપોરે ૧૨.૩૦ વાગ્યે ભયાનક આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે એનો ધુમાડો અમુક કિલોમીટર સુધી દેખાતો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી એમ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર દીપક નિકમે જણાવ્યું હતું. સાંજ સુધીમાં આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.


