Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જંતર મંતર પર નરેન્દ્ર મોદીને ગાળો આપનારી યુવતીનું હવે આવી બન્યું

જંતર મંતર પર નરેન્દ્ર મોદીને ગાળો આપનારી યુવતીનું હવે આવી બન્યું

Published : 01 August, 2026 07:57 AM | Modified : 01 August, 2026 08:10 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નોએડામાં બ્યુટી-પાર્લર ચલાવતી પચીસ વર્ષની રુચિકા સિંહ સામે FIR, પરિવાર સાથે ગાયબ થઈ ગઈ

પચીસ વર્ષની રુચિકા સિંહ

પચીસ વર્ષની રુચિકા સિંહ


નવી દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શન વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક કમેન્ટ્સ કરવા બદલ નોએડા પોલીસે પચીસ વર્ષની રુચિકા સિંહ વિરુદ્ધ ઝીરો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. આ ઘટના બાદ રુચિકા સિંહ અને તેનો પરિવાર ગુમ છે. પોલીસ તેમને શોધી રહી છે. તે મૂળ ફરીદાબાદના ઊંચાગાવની રહેવાસી છે, બ્યુટી-પાર્લર ચલાવે છે અને આ વર્ષની શરૂઆતમાં તેણે નોએડામાં એક ફ્લૅટ ખરીદ્યો હતો.

આ ફરિયાદ સુપ્રીમ કોર્ટનાં વકીલ અને ગાઝિયાબાદનાં વસુંધરા રહેવાસી સ્મૃતિ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ‘મને ૨૩ જુલાઈએ આ વિડિયો મળ્યો હતો જેમાં રુચિકા સિંહે જંતર મંતર પર વિરોધ-પ્રદર્શન દરમ્યાન જાહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આવી કમેન્ટ્સ વડા પ્રધાનના બંધારણીય પદની ગરિમાને નબળી પાડે છે અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના ઇરાદાથી કરવામાં આવી હતી.’



રુચિકા સિંહ નોએડાના સેક્ટર 168માં લોટસ ઝિંગ સોસાયટીની રહેવાસી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 352, 353(1) અને 356(1) હેઠળ ઝીરો FIR નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જ્યાં દિલ્હી પોલીસ તપાસ કરશે.


રુચિકા સિંહના બચાવમાં ઊતરી આવ્યા CJPના અભિજિત દીપકે અને સૌરવ દાસ


રુચિકા સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવ્યા બાદ CJPના સ્થાપક અભિજિત દીપકે અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ તેના બચાવમાં આગળ આવ્યા છે. આ મુદ્દે CJPના વડા અભિજિત દીપકેએ એક વિડિયો શૅર કરીને FIR પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે ‘અપશબ્દોનો ઉપયોગ ક્યારથી ગુનો બન્યો છે? શું આ દેશમાં કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે, અથવા શું અલગ-અલગ લોકો માટે અલગ-અલગ નિયમો છે? શું આ દેશમાં યુવાનો માટે એક કાયદો છે અને શાસક પક્ષ અને એના નેતાઓ માટે બીજો? જો એક કેસમાં અપશબ્દો માટે FIR દાખલ થાય છે તો વર્ષોથી મહિલાઓ સામે અપશબ્દો બોલનારા BJPના IT સેલ સામે પણ આવી જ કાર્યવાહી થવી જોઈએ.’

આ મુદ્દે CJPના પ્રવક્તા સૌરવ દાસે રુચિકા સિંહનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘રુચિકા સિંહ સામે ફોજદારી મશીનરીનો દુરુપયોગ અસ્વીકાર્ય છે. અપશબ્દો બોલવાથી ફોજદારી કેસ બનતો નથી. વિરોધ-પ્રદર્શન દરમિયાન અપશબ્દોનો ઉપયોગ નિંદનીય છે. જોકે પોલીસ દ્વારા તેમને નિશાન બનાવવા અને હેરાન કરવા માટે ફોજદારી ન્યાયપ્રણાલીનો ઉપયોગ કરવો બિલકુલ યોગ્ય નથી. લગભગ ૫૦ ટકા લોકસભા સંસદસભ્યો સામે ફોજદારી કેસ દાખલ છે, જેમાં BJPના લગભગ ૧૦૦ સંસદસભ્યોનો સમાવેશ થાય છે. તેમની સામે હત્યા, બળાત્કાર, લૂંટ જેવા ગંભીર ગુનાઓ છે. પોલીસે પોતાની ઊર્જા ૨૫ વર્ષની મહિલા પર નહીં પણ આવા નેતાઓ પર કેન્દ્રિત કરવી જોઈએ. યુવાનોની હેરાનગતિ તાત્કાલિક બંધ થવી  જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 08:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK