Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગાય-ભેંસ માત્ર બે-ચાર, દૂધનું પ્રોડક્શન છલોછલ

ગાય-ભેંસ માત્ર બે-ચાર, દૂધનું પ્રોડક્શન છલોછલ

Published : 14 July, 2026 09:07 AM | Modified : 14 July, 2026 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાતારામાં FDAની કાર્યવાહી : SNF ઇન્ડસ્ટ્રિયલ પાઉડર અને નૉન-ડેરી ક્રીમનો જથ્થો પકડ્યો

તબેલામાં કેમિકલ દ્વારા બનાવવામાં આવેલો દૂધનો મોટો જથ્થો અને કેમિકલની ગૂણો.

તબેલામાં કેમિકલ દ્વારા બનાવવામાં આવેલો દૂધનો મોટો જથ્થો અને કેમિકલની ગૂણો.


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા સાતારા જિલ્લાના ફલટણ તાલુકાના હોળ ગામે એક કાર્યવાહી કરવામાં આવી હતી. એ ગામના એક તબેલામાં કંઈક હિલચાલ થઈ રહી છે એવી ચોક્કસ માહિતી FDAના ઑફિસરોને મળી હતી. એથી ત્યાં રેઇડ પાડવામાં આવી હતી. તબેલામાં તપાસ કરતાં ત્યાં બે-ચાર જ ગાય કે ભેંસ મળી હતી, પણ ત્યાંથી કેમિકલ દ્વારા બનાવાયેલું દૂધ અને એ બનાવવાના કેમિકલનો મોટો જથ્થો મળી આવ્યાં હતાં.

એ દૂધમાં એની ન્યુટ્રિશનલ વૅલ્યુ દર્શાવતા સૉલિડ્સ-નૉટ-ફૅટ (SNF) વધારે હોય એવો ઇન્ડસ્ટ્રિયલ પાઉડર, ૩ કિલો નૉન-ડેરી ક્રીમ, મિક્સર અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવ્યાં હતાં. તરત જ એનાં સૅમ્પલ લઈને લૅબ-ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. એ ઘટનાના દોષીઓ સામે ફલટણ પોલીસ-સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. હવે એની ઝીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે. 



૧૦, ૧૧ અને ૧૨ જુલાઈએ FDAએ મહારાષ્ટ્રમાં કરેલી વિવિધ કાર્યવાહી
૬ જગ્યાએ રેઇડ પાડી તપાસ કરીને ૯૧,૬૯૨ લીટર દૂધ અને ૨૬,૪૨૫ કિલો દૂધની બનાવટો સ્કિમ્ડ મિલ્ક પાઉડર, સ્પ્રેડ ડ્રાઇડ ડેરી ક્રીમ જપ્ત કરાયાં હતાં. 
પાન મસાલા અને ગુટકાનું વેચાણ, ડિસ્ટ્રિબ્યુશન અને ટ્રાન્સપોર્ટ કરવા બદલ ૨૧ જણની ધરપકડ કરીને ૧,૬૨,૬૭,૪૦૦ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો. 
ન્યુટ્રાસ્યુટિકલ્સ, મસાલા, બેકરી પ્રોડક્ટ્સ અને તેલનો અંદાજે ૩,૨૩,૦૦,૦૦૦ રૂપિયાનો સ્ટૉક જપ્ત કરવામાં આવ્યો. 
કુલ ૬૦ હોટેલ, રેસ્ટોરાં, ઢાબાની ચકાસણી કરી આઠને નોટિસ આપીને સુધારો કરવા જણાવાયું, જ્યારે પાંચ હોટેલોનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં.
આમ કુલ ૨૮ જગ્યાએ રેઇડ પાડીને કુલ મળીને ૬,૩૩,૭૪,૧૫૫ રૂપિયાના ખાદ્ય પદાર્થ જપ્ત કરવામાં આવ્યા હતા.


ગોરેગામની રૂપા હોટેલને નોટિસ
મુંબઈમાં ઉપરોક્ત ૩ દિવસ દરમ્યાન FDAએ બે જગ્યાએ કાર્યવાહી કરીને ૬૫,૪૦,૧૦૨ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. તેમણે બે હોટેલમાં તપાસ કરી હતી. એમાં એક ગોરેગામ-વેસ્ટના પ્રેમનગરની રૂપા હોટેલ હતી. એના કિચનમાં અસ્વચ્છતા જણાઈ આવતાં એ બદલ નોટિસ આપવામાં આવી છે અને જરૂરી પગલાં લેવા જણાવાયું છે, જ્યારે અન્ય એક હોટેલનું લાઇસન્સ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યું છે.

સંભાજીનગરમાંથી ભેળસેળિયા તેલનો ૨.૯૩ કરોડનો જથ્થો પકડાયો  


ગંદા ડ્રમમાં સંગ્રહ કરાયેલું ઑઇલ, ઑઇલની અંદર મળી આવેલો કદડો.

‘સેફ ફૂડ, સેફ મહારાષ્ટ્ર’ અભિયાન હેઠળ FDAએ સંભાજીનગરના પૈઠણ ખાતે આવેલા બગડિયા ઍગ્રો પ્રોડક્ટ્સ અને બગડિયા વેજિટેબલ પ્રોડક્ટ્સ પર રેઇડ પાડી હતી. ત્યાં એકદમ અસ્વચ્છ જગ્યાએ તેલનું રીપૅકિંગ કરવામાં આવી રહ્યું હતું. અહીં વપરાયેલા ટિનના ડબ્બામાં ફરી તેલ ભરાઈ રહ્યું હતું. ધૂળથી ભરાયેલાં મશીનો, કાટ ખાધેલાં સાધનો, દુર્ગંધ મારતાં તેલનાં ટબ, ફૂડ-ગ્રેડ ચકાસણીનાં સાધનોનો અભાવ અને તેલની ક્વૉલિટી ચેક કરવાની લૅબનો પણ અભાવ હતો. એ સિવાય ટેક્નિકલ જાણકારી ધરાવતો કર્મચારી પણ નિયુક્ત ન કરાયો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન પામતેલ, કપાસિયાનું તેલ, સોયાબીન અને અન્ય વનસ્પતિ તેલનો કુલ મળીને ૨,૯૩,૩૫,૬૦૩ રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેલનાં સૅમ્પલ લૅબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. વળી લોકોની હેલ્થને માટે જોખમી જણાતાં બન્ને કંપનીનાં લાઇસન્સ તરત સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. 

સ્કૂલોની કૅન્ટીનમાં બાળકોને યોગ્ય ફૂડ મળે એ માટે શિક્ષકો અને પ્રિન્સિપાલની વર્કશૉપ 
સ્કૂલોની કૅન્ટીનમાં બાળકોને હાઈ ફૅટ, શુગર અને સૉલ્ટવાળા નાસ્તા આપવા પર અને એની જાહેરાત પર પ્રતિબંધ છે એ વિશેની સમજ અને સાથે જ સ્કૂલની કૅન્ટીન, કિચન, પીવાનું પાણી અને ખાવા-પીવાની આઇટમનો સ્ટૉક અને ત્યાં રાખવી પડતી સ્વચ્છતા અને કાળજી બાબતે જે સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવ્યાં છે એની જાણ કરવા અને એનું આગળ યોગ્ય પાલન થાય એ માટે પગલાં લેવામાં આવ્યાં હતાં. મુંબઈની સરકારી એઇડેડ અને પ્રાઇવેટ સ્કૂલોના પ્રિન્સિપાલ અને શિક્ષકો માટે BMCની ૮ વૉર્ડ-ઑફિસમાં આ માટે વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં કુલ ૧૦૬૫ શિક્ષકોએ ભાગ લીધો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK